KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગલ્ફ દેશોમાં ચાલતા યુદ્ધથી ભારતનાં રિયલ એસ્ટેટમાં કેમ ઉદાસી છવાઈ

કેન્દ્રનાં શહેરી અને આવાસ મંત્રાલયે RERA અંતર્ગત નોંધાયેલા પ્રોજેક્ટ્સને લઈ બિલ્ડરોને વધુ 4 મહિનાનો સમય આપી રાહત આપતો નિર્ણય લીધો છે.

desk@kuberanowPublished On : 14 Aug 2026
real estate
ગલ્ફ યુદ્ધની અસરથી ભારતના રિયલ એસ્ટેટ સેક્ટર પર વધ્યું દબાણ

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર દુનિયા પર પડી છે. તમામ ઉદ્યોગો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યુદ્ધથી પરેશાન છે ત્યારે રિયલ એસ્ટેટ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. ભારતનાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઘણા સમયથી જે નિર્ણયની રાહ જોઈ રહ્યાં હતા તે આખરે આવી ગયો છે. સરકારે તેમને પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે એક્સટેન્શન આપી દીધું છે. આ નિર્ણયથી બિલ્ડર્સને તો રાહત મળશે પરંતુ ઘરનું પઝેશન મેળવવાની રાહ જોઈ રહેલાં ગ્રાહકોએ વધુ સમય સુધી રાહ જોવી પડશે.


સ્ટીલ, ગેસ, સિમેન્ટ જેવો કાચો માલ મોંઘો થવાથી બિલ્ડર્સ મૂંઝવણમાં મૂકાયા છે અને કામકાજ ધીમું પડી ગયું છે. આ ઉપરાંત, પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાથી પરિવહન ખર્ચ વધી ગયો છે તેમજ મજૂરોના વેતનમાં પણ વધારો કરવાની માંગ ઉઠી રહી છે. આમ બિલ્ડર્સ પર દબાણ વધી રહ્યું છે ત્યારે સરકારે તેમને રાહત આપતો નિર્ણય લીધો છે.


સરકારી નિર્ણય

શહેરી અને આવાસ મંત્રાલયે RERA અંતર્ગત નોંધાયેલા પ્રોજેક્ટ્સને 4 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. જોકે, આ રાહત 28 ફેબ્રુઆરી, 2026ના રોજ કે ત્યારબાદ પૂરા થનારા પ્રોજેક્ટ્સ પૂરતી મર્યાદિત છે. સરકારે માત્ર રજિસ્ટર્ડ હાઉસિંગ પ્રોજેક્ટ્સને આ એક્સટેન્શન આપ્યું છે.


ઉદ્યોગ પર અસર

યુદ્ધ તો હજારો કિલોમીટર દૂર લડાઈ રહ્યું છે, પરંતુ તેની અસર દેશનાં બિલ્ડર્સ પર પડી છે. વિવિધ ચીજવસ્તુઓના ભાવ વધવાથી રિયલ એસ્ટેટ ડેવલપર્સનો ખર્ચ વધી ગયો છે તેમજ પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત, NRI ગ્રાહકોની માંગ પણ ઘટી ગઈ છે. ખાસ કરીને, ખાડીના દેશોમાં વસતા ભારતીયો દ્વારા મળતી માંગ પર અસર પડી છે અને લક્ઝરી તથા પ્રીમિયમ ઘરોનું વેચાણ ઘટી રહ્યું છે. સ્ટીલ ઉદ્યોગને પણ માઠી અસર થઈ. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ રહેતા શિપિંગ ખર્ચ પ્રતિ ટન લગભગ $9.80થી વધીને $12.20 થયો. પરિણામે કોકિંગ કોલ અને આયર્ન ઓર આયાત મોંઘી પડી.


રેટિંગ એજન્સી ICRAનાં રિપોર્ટ મુજબ FY27 દરમિયાન, ક્રૂડ ઓઇલનો સરેરાશ ભાવ $95 પ્રતિ બેરલ રહેવાની શક્યતા છે, જે ગત વર્ષ કરતા આશરે 30% વધુ છે. જેના કારણે પેટકોક, ડીઝલ અને પોલીપ્રોપીલિન મોંઘા થયા છે. યુદ્ધ થતા જ એપ્રિલ 2026માં ઘણી સિમેન્ટ કંપનીઓએ સિમેન્ટની થેલીનો ભાવ ₹10થી ₹12 વધારી દીધો હતો.


શું થયું મોંઘું

માલસામાનની આયાત-નિકાસમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દેશનાં 8 મુખ્ય સેક્ટરમાં અસર જોવા મળી છે, જેની અસર સ્વપ્નનાં ઘર બાંધવા માટે વપરાતી સામગ્રીમાં પણ જોવા મળી. એનર્જી અને પેટ્રોકેમિકલ્સ, સ્ટીલ ઉદ્યોગ પર ગંભીર અસર થઈ. સિરામિક અને પોર્સેલિન ટાઇલ્સ બનાવવા માટે ખૂબ ઊંચા તાપમાને ભઠ્ઠીઓ ચલાવવી પડે છે, જેમાં કુદરતી ગેસ, પ્રોપેન જેવા ઇંધણનો ઉપયોગ થાય છે. ભારત કુદરતી ગેસ માટે પશ્ચિમ એશિયા પર વધુ નિર્ભર હોવાથી તેના સપ્લાયમાં વિક્ષેપથી સીધી અસર ઉત્પાદન પર પડી.


5.4 લાખ ઘરનું બાંધકામ અટક્યું

વૈશ્વિક સંકટને કારણે 2026માં દેશના ટોચના 7 શહેરોમાં અંદાજે 5.4 લાખ ઘરોના પ્રોજેક્ટ મોડા તૈયાર થશે. જેમાં 70% જેટલા પ્રોજેક્ટ મુંબઈ, પુણે અને બેંગલોર શહેરનાં જ છે. જોકે, યુદ્ધ પહેલાંથી જ ₹2 કરોડથી વધુ કિંમતના લક્ઝરી ઘરોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનું એક કારણ એ છે કે ભારતમાં મધ્યમ વર્ગ મોટા પ્રમાણમાં હોવાથી તેમની માંગ સામાન્ય પ્રકારનાં ઘરો માટે જોવા મળી છે. પ્રીમિયમ ઘરોની ખરીદીમાં ગલ્ફ દેશોમાં રહેતા NRI લોકોનું પ્રમાણ વધુ હતું. ઈન્ડિયન ઈન્વેસ્ટમેન્ટ બેંક Equirus Wealthના રિસર્ચ મુજબ ખાડી દેશોમાં રહેતા અંદાજીત 40% NRI લોકોએ રિયલ્ટીને બદલે સ્ટોક માર્કેટ અને શેરબજારમાં રોકાણ કરવા તરફ વળ્યા છે.


મોરબી પણ અસરગ્રસ્ત

ગુજરાતનું મોરબી, જે દેશનું સૌથી મોટું સિરામિક ઉદ્યોગ તરીકે જાણીતું છે, હજારો નાની-મોટી ફેક્ટરીઓને કામચલાઉ ધોરણે બંધ કરવી પડી છે. દૈનિક ગુજરાન કરી જીવતા કારીગરોએ ઘણું સહન કરવાનો વારો પણ આવ્યો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરાતા સિરામિક સહિત સ્ટીલ, સિમેન્ટ, PVC પાઇપ, ઇલેક્ટ્રિકલ સામગ્રી સહિત અનેક બાંધકામ સામગ્રીમાં જોવા મળી.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn