KuberaNowLogo
Thursday, 22/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Core Sector Growth: 'કોર' મજબૂત બની, વૃદ્ધિ 7.9% સાથે 30 મહિનાની ટોચે

ભારતના પાયાના ઔદ્યોગિક ક્ષેત્રોમાં સપ્ટેમ્બર 2026 દરમિયાન ઉત્પાદનની ગતિ વધી છે. વાણિજ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, કોર સેક્ટરની વૃદ્ધિ 7.9% સાથે 30 મહિનાની ટોચે પહોંચી હતી. કોલસાના ઉત્પાદનમાં સુધારો અને વીજળી તથા રિફાઇનરી ઉત્પાદનોમાં બે આંકડાની વૃદ્ધિએ આ તેજીને ટેકો આપ્યો હતો.

desk@kuberanowPublished On : 22 Oct 2026
Core Sector growth
Core sector growthAI Image

Core Sector growth: કોલસાની ખાણોથી લઈને વીજ ઉત્પાદન મથકો અને રિફાઇનરીઓ સુધી, સપ્ટેમ્બરમાં ભારતના પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદનની ગતિ વધી છે. છેલ્લા કેટલાક મહિનાની નબળાઈ બાદ કોલસાના ઉત્પાદનમાં આવેલી વાપસી અને ઊર્જા સાથે જોડાયેલા ક્ષેત્રોની મજબૂતીને કારણે કોર સેક્ટરની વૃદ્ધિ 30 મહિનાની ટોચે પહોંચી હતી. માહિતી મુજબ, સપ્ટેમ્બર 2026માં કોર સેક્ટરનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 7.9% વધ્યું હતું. ઉપલબ્ધ શ્રેણીમાં એપ્રિલ 2024 પછીનો આ સૌથી ઊંચો વૃદ્ધિદર છે. ઑગસ્ટમાં સુધારેલા આંકડા મુજબ 5.9% વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે સપ્ટેમ્બર 2025માં વૃદ્ધિ 3.1% હતી.

  

કોલસાનું ઉત્પાદન

 

સપ્ટેમ્બરના આંકડામાં કોલસાનું ઉત્પાદન ખાસ ધ્યાન ખેંચ્યુ છે. ઑગસ્ટમાં 3.8%નો ઘટાડો નોંધાવ્યા બાદ સપ્ટેમ્બરમાં કોલસાનું ઉત્પાદન 10.7% વધ્યું હતું. નાણાકીય વર્ષની શરૂઆતમાં પણ આ ક્ષેત્ર નબળું રહ્યું હતું. એપ્રિલ અને મે બંને મહિનામાં કોલસાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. આ પૃષ્ઠભૂમિમાં સપ્ટેમ્બરની વૃદ્ધિ નોંધપાત્ર સુધારો દર્શાવે છે. વીજળી ઉત્પાદનમાં પણ મજબૂત ગતિ જળવાઈ હતી. સપ્ટેમ્બરમાં વીજ ઉત્પાદન 11.4% વધ્યું હતું, જે સતત ચોથા મહિને બે આંકડાની વૃદ્ધિ છે. જોકે, ઑગસ્ટના 13.1%ની સરખામણીએ વૃદ્ધિની ઝડપ થોડી ઘટી હતી.

 

Core Sector growth


રિફાઇનરી ઉત્પાદનો અને આયર્ન ઓર

 

રિફાઇનરી ઉત્પાદનોમાં સપ્ટેમ્બરમાં 10.3% વૃદ્ધિ નોંધાઈ હતી. ઑગસ્ટમાં આ વૃદ્ધિ 5.6% હતી. આમ, એક મહિનામાં વૃદ્ધિદર લગભગ બમણો થયો હતો. આયર્ન ઓર એટલે કે લોખંડની કાચી ધાતુના ઉત્પાદનમાં સૌથી ઊંચો 18.4%નો વધારો નોંધાયો હતો. અગાઉના મહિને આ ક્ષેત્રનો વૃદ્ધિદર 5.5% હતો. સ્ટીલ ઉત્પાદનમાં પણ વૃદ્ધિની ગતિ વધી હતી. ઑગસ્ટના 3.5%ની સામે સપ્ટેમ્બરમાં સ્ટીલનું ઉત્પાદન 4.9% વધ્યું હતું. બીજી તરફ, સિમેન્ટનું ઉત્પાદન વધ્યું હોવા છતાં તેની વૃદ્ધિ ધીમી પડી હતી. ઑગસ્ટના 11.7%ની સરખામણીએ સપ્ટેમ્બરમાં 9.8% વૃદ્ધિ નોંધાઈ હતી.

 

ખાતર, ગેસ અને ક્રૂડ ઓઇલ

 

કુલ ઉત્પાદનની ગતિ વધી હોવા છતાં ત્રણ ક્ષેત્રોમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. ખાતરના ઉત્પાદનમાં સપ્ટેમ્બરમાં 11.7%નો ઘટાડો નોંધાયો હતો. આ ક્ષેત્રમાં સતત સાતમા મહિને ઉત્પાદન ઘટ્યું હતું. જોકે, ઑગસ્ટના 12.4% ઘટાડાની સરખામણીએ સંકોચનની તીવ્રતા થોડી ઓછી થઈ હતી. કુદરતી ગેસનું ઉત્પાદન 4.6% ઘટ્યું હતું, જેના કારણે આ ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલી નબળાઈ આગળ વધી હતી. ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં 1.4%નો ઘટાડો નોંધાયો હતો. ઑગસ્ટમાં ઉત્પાદન 3.6% ઘટ્યું હતું. એટલે ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો ચાલુ રહ્યો, પરંતુ તેની ગતિ ઓછી થઈ હતી.

 

પ્રથમ છ મહિનાની વૃદ્ધિ બમણાથી વધુ

 

સપ્ટેમ્બરના મજબૂત પ્રદર્શનથી નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનાના સંચિત આંકડાને પણ ટેકો મળ્યો હતો. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન કોર સેક્ટરની વૃદ્ધિ 5.1% રહી હતી. અગાઉના વર્ષના સમાન ગાળામાં વૃદ્ધિ 2.5% હતી. તેની સરખામણીએ આ વખતનો વૃદ્ધિદર બમણાથી વધુ રહ્યો છે. જોકે, ક્ષેત્રવાર સ્થિતિમાં તફાવત સ્પષ્ટ છે—કોલસો, વીજળી, રિફાઇનરી અને આયર્ન ઓરમાં મજબૂતી સામે ખાતર, કુદરતી ગેસ અને ક્રૂડ ઓઇલમાં ઉત્પાદનનો ઘટાડો યથાવત્ છે.


આ પણ વાંચો: Jio Platforms IPOની Retail કેટેગરી પણ છલકાઈ; GMP ₹246 પર


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn