ગુજરાત એનર્જીનો મોટો રેકોર્ડ! સરકારને ચૂકવ્યું ₹384.67 કરોડનું જંગી ડિવિડન્ડ
ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) અને GSPL ટ્રાન્સમિશન લિમિટેડ (GTL)એ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારને કુલ ₹384.67 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. રાજ્ય સરકાર હેઠળની કોઈ કંપની દ્વારા એક જ નાણાકીય વર્ષમાં ચૂકવાયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે.

ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) અને GSPL ટ્રાન્સમિશન લિમિટેડ (GTL)એ રાજ્ય સરકારને નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ ₹384.67 કરોડનું ડિવિડન્ડ ચૂકવીને નવો નાણાકીય વિક્રમ સ્થાપ્યો છે. રાજ્ય સરકાર હેઠળની કોઈ પણ કંપની દ્વારા એક જ નાણાકીય વર્ષમાં સરકારને ચૂકવવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને GEL અને GTL તરફથી ડિવિડન્ડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
GEL અને GTLએ કેટલું ડિવિડન્ડ ચૂકવ્યું?
કુલ ₹384.67 કરોડના ડિવિડન્ડમાં ગુજરાત એનર્જી લિમિટેડે ₹324 કરોડ જ્યારે GSPL ટ્રાન્સમિશન લિમિટેડે ₹60.67 કરોડ ચૂકવ્યા છે. આ રકમ રાજ્યની આવકમાં વધારો કરવાની સાથે વિકાસલક્ષી અને જનકલ્યાણલક્ષી કાર્યોમાં યોગદાન આપવાની દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિડન્ડના ચેક અર્પણ કરવાની વિધિ દરમિયાન ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી રૂષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્કીમ ઓફ એરેન્જમેન્ટ બાદ બદલાઈ કંપનીઓની રચના
આ નાણાકીય પરિણામ પાછળ સ્કીમ ઓફ એરેન્જમેન્ટ મહત્વપૂર્ણ બની છે. રાજ્ય સરકાર, સંબંધિત કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરહોલ્ડર્સ અને ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયની જરૂરી મંજૂરીઓ બાદ આ સ્કીમ 1 મે 2026થી અમલમાં આવી હતી. આ સ્કીમ હેઠળ ગુજરાત ગેસ લિમિટેડમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)નો સમાવેશ થતાં ગુજરાત ગેસ લિમિટેડને ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) તરીકે નવી ઓળખ મળી છે. બીજી તરફ, અગાઉ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) દ્વારા સંચાલિત ગેસ ટ્રાન્સમિશન બિઝનેસ હવે GSPL ટ્રાન્સમિશન લિમિટેડ (GTL) દ્વારા સંચાલિત થાય છે.
સરકારનું શેરહોલ્ડિંગ પણ વધ્યું
સ્કીમના અમલ પહેલાં ગુજરાત ગેસ લિમિટેડમાં રાજ્ય સરકારનું શેરહોલ્ડિંગ અંદાજે 6% હતું, જે સ્કીમ બાદ વધીને અંદાજે 38% થયું છે. GTLમાં અગાઉ રાજ્ય સરકારનું કોઈ પ્રત્યક્ષ શેરહોલ્ડિંગ નહોતું, જ્યારે હવે તેમાં સરકારનો હિસ્સો અંદાજે 38% થયો છે. આ નવી કોર્પોરેટ રચનાથી બંને કંપનીઓના નાણાકીય પરિણામો અને ડિવિડન્ડ મારફતે રાજ્ય સરકારને મળતા લાભમાં વધારો થયો છે.
એક જ વર્ષમાં અગાઉના ત્રણ વર્ષ કરતાં ચાર ગણું વધુ ડિવિડન્ડ
સ્કીમની અસર સરકારને મળેલા ડિવિડન્ડના આંકડામાં પણ જોવા મળે છે. નાણાકીય વર્ષ 2022-23થી 2024-25 દરમિયાન ગુજરાત ગેસ લિમિટેડે રાજ્ય સરકારને કુલ આશરે ₹81.55 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. તેની સામે, સ્કીમ ઓફ એરેન્જમેન્ટ અમલમાં આવ્યા બાદ GELએ માત્ર નાણાકીય વર્ષ 2025-26માં ₹324 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. એટલે અગાઉના ત્રણ વર્ષના કુલ ડિવિડન્ડની સરખામણીએ એક જ નાણાકીય વર્ષમાં સરકારને મળેલું ડિવિડન્ડ લગભગ ચાર ગણું છે.
કંપનીના અધિકારીઓએ શું કહ્યું?
મુખ્ય સચિવ અને GEL તથા GTLના ચેરમેન મનોજ કુમાર દાસે આ ડિવિડન્ડ ચૂકવણીને GEL અને GTL બંને માટે “એક ઐતિહાસિક ક્ષણ” ગણાવી હતી. GELના મેનેજિંગ ડિરેક્ટર તથા GTLના વાઇસ ચેરપર્સન અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે, “વર્ષોથી કંપનીની જૂની કોર્પોરેટ સંરચનાના કારણે સરકારને ડિવિડન્ડરૂપે લાભ આપવાની ક્ષમતા ઘણી મર્યાદિત હતી. હવે, સ્કીમ ઓફ એરેન્જમેન્ટ નિર્ણાયક સાબિત થઈ છે, તેનાથી સાચી નાણાંકીય ક્ષમતા ઉજાગર થતાં રાજ્યના વિકાસ તથા કલ્યાણકારી કાર્યોમાં મજબૂત યોગદાન આપવાની તક મળી છે.”
આ પણ વાંચો : અમદાવાદ મેટ્રોમાં હવે પાર્કિંગથી પણ કમાણી! 10 સ્ટેશન પર ફ્રી સુવિધા બંધ
આ પણ જુઓ:
Also Read

અમદાવાદ મેટ્રોમાં હવે પાર્કિંગથી પણ કમાણી! 10 સ્ટેશન પર ફ્રી સુવિધા બંધ

Marco Rubio જામનગર આવશે, ભારત–અમેરિકા ઊર્જા સહયોગ અને રોકાણ પર ચર્ચા

અમદાવાદની મહિલા IPOનો કેસ જીતી

તહેવારો પહેલાં ગુજરાતના Auto Marketમાં ધરખમ તેજી: EVનું વેચાણ 62.7% વધ્યું

ગીર જંગલ બાદ બરડા બન્યું 17 સિંહોનું Second Home

Navratri Festival Economy: ગરબાની તાળીથી કરોડોનો કારોબાર; પ્રીમિયમ પાસથી ફેશન–ફૂડ સુધી નવરાત્રિનું બદલાતું અર્થતંત્ર

સરકારી વાહન ખરીદીમાં 'પદ'નું મહત્વ ઘટ્યું, હવે કામગીરી અને ઉપયોગિતા નક્કી કરશે પસંદગી




