
ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની કાર્યવાહી : ₹42.6 લાખથી વધુનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગેરકાયદેસર દવાના સંગ્રહ અને વેચાણ સામે FDCAએ કરજણ અને સુરતમાં ચાર પેઢીઓ સામે કાર્યવાહી કરી છે.આ કાર્યવાહીમાં ₹42.6 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત થયો છે અને બે પેઢીના વેચાણ પરવાના કાયમી ધોરણે રદ કરાયા છે.

ગુજરાતમાં નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે FDCAએ ગેરકાયદેસર દવાના સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી તેજ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને FDCA કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા અને સુરત જિલ્લામાં કરાયેલી કાર્યવાહીમાં ચાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ₹42.6 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
કરજણમાં કોડીનયુક્ત કફ સિરપ અને ટ્રામાડોલ જપ્ત
મહારાષ્ટ્ર NCB પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે FDCA અને સંબંધિત તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી મેસર્સ ચામુંડા ફાર્મા પર સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS Act હેઠળ આવતી ‘ANREX (Codeine)’ કફ સિરપની 13,938 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹27.80 લાખ છે. આ ઉપરાંત ‘TRAMADOL’ની 12,240 ટેબ્લેટ્સ પણ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત આશરે ₹50 હજાર છે.
ગંભીર કાયદાકીય ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને પેઢીને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી. સાથે જ Drugs and Cosmetics Act હેઠળ પેઢીના 20-B અને 21-B વેચાણ પરવાના 1 ઓક્ટોબર 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
માજીસા મેડિકલ સ્ટોર્સ સામે પણ કાર્યવાહી
ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી કરજણ સ્થિત મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં NDPS ઘટક ધરાવતી ‘LOMOTIL’ ટેબ્લેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી અને દવાઓના સંગ્રહ માટે જરૂરી તાપમાન જાળવતું ફ્રિજ બંધ હોવા જેવી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. આ ઉલ્લંઘનો બદલ પેઢીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને તેના છૂટક દવાના વેચાણના પરવાના 5 ઓક્ટોબર 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
સુરતમાં ઓનલાઈન દવાના વેચાણ સામે દરોડો
ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે Sildenafil Citrate જેવી દવાઓના વેચાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 1 ઓક્ટોબર 2026ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા ખાતે તપાસ દરમિયાન સામે આવ્યું કે પેઢી પાસે માન્ય ડ્રગ લાઇસન્સ ન હોવા છતાં પોતાની વેબસાઇટ મારફતે દવાઓનું વેચાણ કરવામાં આવતું હતું. સ્થળ પરથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત ₹11.26 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દવાઓના નમૂનાઓ FDL વડોદરા ખાતે પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાના વેચાણનો પર્દાફાશ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલ ખાતે 3 ઓક્ટોબર 2026ના રોજ થયેલી તપાસમાં ઓનલાઈન દવાના ગેરકાયદેસર વેચાણ અંગે ડિજિટલ પુરાવા મળ્યા હતા. તપાસમાં Meesho જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. છેલ્લા એક મહિનામાં આશરે ₹3.60 લાખની દવાઓનું વેચાણ થયું હોવાનું તપાસમાં જણાયું છે. આ જ વ્યક્તિ સામે અગાઉ પણ પરવાના વિના દવાનો સંગ્રહ કરવા બદલ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ હતી. તેથી આ મામલે પુનરાવર્તિત ઉલ્લંઘન તરીકે Drugs and Cosmetics Act, 1940 હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઓનલાઈન પ્લેટફોર્મ પર ડિજિટલ મોનિટરિંગ વધારાશે
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે Meesho જેવા ઓનલાઈન પ્લેટફોર્મ અથવા પોતાની વેબસાઇટ મારફતે ‘આયુર્વેદિક’ નામે Sildenafil જેવી એલોપેથિક દવાઓ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી દવાઓનું વેચાણ ગંભીર કાયદાકીય ઉલ્લંઘન છે. આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા આગામી સમયમાં સાયબર સેલ અને FDCAની સંયુક્ત ટીમ દ્વારા સતત ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.
નશાકારક દવાઓના દુરુપયોગ સામે ‘માઇક્રો પ્લાનિંગ’
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ વડોદરા અને સુરતમાં FDCA, ગુજરાત પોલીસ અને NCBની સંયુક્ત કાર્યવાહી ગેરકાયદેસર દવાના વેપાર સામે સરકારની કડક નીતિ દર્શાવે છે. તેમણે સંબંધિત તંત્રને કોડીનયુક્ત કફ સિરપ અને અન્ય દવાઓના યુવાધન દ્વારા થતા દુરુપયોગને રોકવા કાયદેસરની કાર્યવાહી સાથે ‘માઇક્રો પ્લાનિંગ’ હેઠળ વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવા સૂચના આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ હોય કે ભૌતિક દવાની દુકાન, ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ કરનારાઓ સામે સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.
આ પણ વાંચો: તહેવારોમાં ખાંડની મીઠાશ નહીં પડે મોંઘી? સરકારે વેપારીઓના સ્ટોક પર મૂકી મર્યાદા
આ પણ જુઓ:

Market
See more

Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

