ઘઉંનું જંગી ઉત્પાદન ભારત માટે ખોલશે $1.5 અબજની નિકાસ તક
ASSOCHAMના અહેવાલ મુજબ રેકોર્ડ ઘઉં ઉત્પાદન, પૂરતો સરકારી જથ્થો અને વૈશ્વિક ખરીદદારો દ્વારા નવા સપ્લાયરોની શોધને કારણે ભારત માટે $1.5 અબજથી વધુની ઘઉં નિકાસ તક ઊભી થઈ શકે છે.

મજબૂત સ્થાનિક ઉત્પાદન અને વૈશ્વિક ખરીદદારો દ્વારા પુરવઠાના નવા સ્ત્રોત શોધવાના પ્રયાસોથી ભારત માટે $1.5 અબજથી વધુની ઘઉં નિકાસ તક ઊભી થઈ શકે છે. ASSOCHAMના અહેવાલ મુજબ 2026માં નિકાસ નિયંત્રણોમાં ધીમે ધીમે રાહત અને દેશમાં પૂરતો જથ્થો હોવાને કારણે ભારત વૈશ્વિક ઘઉં બજારમાં પોતાની હાજરી વધારી શકે છે.
રેકોર્ડ 120.7 મિલિયન ટન ઉત્પાદન
ભારતે 2025-26માં રેકોર્ડ 120.7 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કર્યું છે અને વિશ્વના બીજા સૌથી મોટા ઘઉં ઉત્પાદક તરીકે સ્થાન જાળવી રાખ્યું છે. 28 મે 2026 સુધી કેન્દ્રીય ભંડારમાં ઘઉંનો જથ્થો 51.3 મિલિયન ટન હતો. તેની સામે 1 જુલાઈ માટે નક્કી કરાયેલ Buffer Norm 27.58 મિલિયન ટન છે. ASSOCHAMના મતે સ્થાનિક ખાદ્ય સુરક્ષાની જરૂરિયાત પૂરી કર્યા બાદ પણ નિકાસ વધારવાની નોંધપાત્ર સંભાવના છે.
વૈશ્વિક ભાવ સામે ભારતને ફાયદો
અહેવાલ મુજબ FY2026-27 માટે ભારતના ઘઉંનો MSP આંતરરાષ્ટ્રીય મૂલ્યમાં આશરે $268 પ્રતિ ટન થાય છે. મે 2026માં વૈશ્વિક ઘઉંનો ભાવ આશરે $303 પ્રતિ ટન હતો. એટલે બંને વચ્ચે લગભગ $35 પ્રતિ ટનનો તફાવત છે, જે ભારતને વૈશ્વિક બજારમાં ભાવની દૃષ્ટિએ ફાયદો આપી શકે છે.
બાંગ્લાદેશ સૌથી મોટું સંભવિત બજાર
ASSOCHAMના જણાવ્યા મુજબ ભારતીય ઘઉં માટે બાંગ્લાદેશ સૌથી મજબૂત નિકાસ તક ધરાવે છે. બાંગ્લાદેશે 2024-25માં આશરે 6.7 મિલિયન ટન ઘઉંની આયાત કરી હતી અને ભારત પહેલેથી તેના મહત્વના સપ્લાયરોમાં સામેલ છે. આ ઉપરાંત ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, અલ્જીરિયા, મોરોક્કો અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં પણ ભારતીય ઘઉંની નિકાસ વધારવાની શક્યતા છે.
વૈશ્વિક ઘઉં ઉત્પાદન ઘટવાનો અંદાજ
અહેવાલ મુજબ વૈશ્વિક ઘઉં ઉત્પાદન 2025-26ના રેકોર્ડ 843.8 મિલિયન ટનથી ઘટીને 2026-27માં આશરે 819 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. મુખ્ય નિકાસકાર દેશોમાં હવામાન સંબંધિત પડકારો વચ્ચે મોટા આયાતકાર દેશો વધુ વિશ્વસનીય અને વિવિધ સપ્લાયરો શોધી રહ્યા છે. આ સ્થિતિ ભારત માટે નવી તક ઊભી કરી શકે છે.
ગુણવત્તા અને Logistics રહેશે મહત્વના
ASSOCHAMના મતે નિકાસમાં લાંબા ગાળાની સફળતા માટે ગુણવત્તામાં સાતત્ય, સારી Storage અને Testing સુવિધાઓ, વધુ મજબૂત Transport અને Port Infrastructure તથા સ્પષ્ટ નિકાસ નીતિ જરૂરી રહેશે. અહેવાલમાં નિર્ધારિત ઘઉંની જાતો અને ઘઉં આધારિત કેટલાક ઉત્પાદનોની નિકાસ નીતિમાં રાહતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


