KuberaNowLogo
Thursday, 15/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Jio IPOની દોડ વચ્ચે AI અને 5Gનો માસ્ટરપ્લાન, 53 કરોડ ગ્રાહકો પર નજર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિજિટલ અને ટેલિકોમએકમ દ્વારા બહુપ્રતિક્ષિત IPO માટે રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (RHP) દાખલ કરાયાના એક દિવસ બાદ જિયો પ્લેટફોર્મ્સની લીડરશિપે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજી અનેક જાહેરાતો કરી હતી. જિયો પ્લેટફોર્મના ચેરમેન આકાશ અંબાણીએ 53 કરોડ ગ્રાહકો સુધી AI આધારિત સેવાઓ પહોંચાડવાની કંપનીની તૈયારી પર ભાર મૂક્યો હતો.

desk@kuberanowPublished On : 15 Oct 2026
Jio IPO


જિયો પ્લેટફોર્મ્સના ચેરમેન આકાશ અંબાણીએ કંપનીની ટેકનિકલ ક્ષમતાઓ, 5G નેટવર્ક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સર્વિસ અને ભવિષ્યની યોજનાઓ પર વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે, જિયોનો આશય દરેક ભારતીય ઘર, નાગરિક અને ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તાવાળું અને સસ્તી ડિજિટલ સેવાઓ પૂરી પાડવાનો છે. અમારા ગ્રાહકોને અન્યો કરતાં વધુ સારી રીતે સમજીએ છીએ. જિયો તેના ગ્રાહકોની જરૂરિયાતો અને તેમના માટે ઉપયોગી સેવાઓની ઊંડી સમજ ધરાવે છે. તેના ત્રણ મુખ્ય આધાર છે. ગ્રાહકોની વાસ્તવિક વસતી વિષયક લાક્ષણિક્તાઓની માહિતી, ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા અને પ્રવૃત્તિની સમજ, વધારાની સેવાઓનો ઉપયોગ કરવાની તેમની સંભવિત જરૂરિયાતોને સમજવી. આ માહિતીથી જિયો તેના ગ્રાહકો અને વ્યાવસાયિક ભાગીદારો માટે વધુ સારી સેવાઓ વિકસિત કરવા માટે સક્ષમ છે.

Jio IPO


જિયોની ટેકનિકલ ક્ષમતા અને પેટન્ટ પોર્ટફોલિયો

જિયોએ 7,220થી વધુ પેટન્ટ દાખલ કર્યા છે. આકાશ અંબાણીએ કહ્યું કે,જિયોના 12,000થી વધુ એન્જિનિયરોની પ્રતિભાશાળી ટીમે 7,220થી વધુ પેટન્ટ દાખલ કર્યા છે. પેટન્ટ પોર્ટફોલિયોની વ્યાપક્તા કંપનીની ટેકનિકલ ક્ષમતા દર્શાવે છે. પેટટન્ટ દાખલ કરવામાં જિયો દુનિયાની ટોચની 20 કંપનીઓમાં સામેલ એકમાત્ર ભારતીય કંપની છે. આ દાવો તેમણે કંપનીની ટેકનિકલ સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કર્યો હતો.

આકાશ અંબાણીએ ઉમેર્યું કે, ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવા માટે અમે અમારો ટેક્નોલોજી સ્ટેક વિકસાવ્યો છે, જેનો તેમણે પહેલા ક્યારેય અનુભવ કર્યો નહીં હોય. કંપની તેના સંપૂર્ણ કન્ઝ્યુમર એક્સપિરિયન્સને એક સાથે જોડી શકે છે અને ગ્રાહકોને વધુસારી સેવાઓ આપવા માટે પોતાની ટેકનિકલ ક્ષમતાઓનો ઉપયોગ કરી શકે છે. જિયો ભારતીય ગ્રાહકો માટે વધુમાં વધુ AI આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે.


Jio IPO


જિયો વોઈસ 53 કરોડ ગ્રાહકો સુધી પહોંચી

તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે બે લોકો ફોન પર વાત કરી રહ્યા છે તો તેમની વાતચીતનો સારાંશ તૈયાર કરવો, તેને ટ્રાન્સક્રાઈબ કરવું અને આ સુવિધા 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવું શક્ય છે. જિયો એવી સેવાઓને દેશના લગભગ 53 કરોડ ગ્રાહકો સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. જિયોની વોઈસ AI સેવા 53 કરોડ ભારતીય ગ્રાહકો સુધી પહોંચે છે. જિયોએ તાજેતરમાં જ વોઈસ AI સેવાની જાહેરાત કરી છે. કંપનીની એન્ડ-ટુ-એન્ડ 5G ક્ષમતાઓના કારણે આ પ્રકારની સેવાઓને મોટાપાયે ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે. આ પહેલનો ઉદ્દેશય ભારતીય ભાષાઓમાં ડિજિટલ સેવાઓનો ઉપયોગ સરળ બનાવવો અને ગ્રાહકોને વધુ સારો અનુભવ આપવાનો છે.

Jio IPO


જિયોનું 5G નેટવર્ક અને ભારતમાં ડિજિટલ પરિવર્તન

આકાશ અંબાણીના જણાવ્યા મુજબ જિયો નેટવર્ક પર દૈનિક 20 અબજ મિનિટના વોઈસ કોલ થાય છે, જે દેશમાં સૌથી મોટો વોઈસ ટ્રાફિક છે. જિયોએ લગભગ ત્રણ વર્ષ પહેલા 5G નેટવર્કનું વિસ્તરણ શરૂ કર્યું હતું અને આજે કંપની પાસે ચીનની બહાર દુનિયાનું સૌથી મોટો 5G ગ્રાહક બેઝ છે. જિયોએ 4Gથી 5G નેટવર્ક પર ગ્રાહકોના સ્થાનાંતરણની પ્રક્રિયા અત્યંત તિવ્ર ગતિએ પૂરી કરી છે. તે કંપનીની નેટવર્ક ક્ષમતા અને ક્રિયાન્વયનનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે.

Jio IPO


ધીરુભાઈના વિઝનને આગળ વધારવાની સાથે લાખો શેરધારકોનો વિશ્વાસ પણ મજબૂત કર્યો : ઈશા અંબાણી

ઈશા અંબાણીએ કહ્યું કે, ત્રણ પેઢીઓ પછી હવે આકાશ, અનંત અને પોતે રિયાલન્સના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના વિકાસના દૃષ્ટિકોણ પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. કંપની લાખો શેરધારકોના વિશ્વાસને આગળ વધારી રહી છે, જેમણે ધીરુભાઈના વિઝન પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને પોતાનું બનાવ્યું. રિલાયન્સ માત્ર એક કંપની નથી. આ એક એવું વચન છે, જે પ્રત્યેક ભારતીયને ભારતની આર્થિક પ્રગતિમાં ભાગ લેવા, દેશની સમૃદ્ધિમાં ભાગીદાર બનવા અને વધુસારા ભવિષ્ય પર વિશ્વાસ કરવાની તક આપે છે.

Jio IPO


ઈશા અંબાણીએ દાદા ધીરુભાઈને યાદ કર્યા

ઈશા અંબાણીએ જણાવ્યું કે, 1977માં તેમના દાદા ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને શૅરબજારમાં લિસ્ટ કરાવી હતી. લગભગ 50 વર્ષ પહેલા શરૂ થયેલા આ પ્રવાસ બાદથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 29 ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યું છે. તેમણે આતક પર તેમના દાદાને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા. રિલાયન્સની નાણાકીય રણનીતિના બે મુખ્ય આધાર છે, મજબૂત નાણાકીય સ્થિતિ અને સુદૃઢ બેલેન્સ શીટ બનાવવી તથા તેને જાળવી રાખવી. કારોબારને એવી દિશામાં આગળ વધારવો કે તે સતત રોકડ પ્રવાહ ઉત્પન્ન કરે.


જિયો પ્લેટફોર્મ લિ.ના IPOની વિગતો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિજિટલ સેવા કંપની Jio પ્લેટફોર્મનો બહુપ્રતીક્ષિત IPO હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. કંપનીએ 14 ઓક્ટોબરે RHP ફાઇલ કર્યા બાદ IPO માટે ₹1,065થી ₹1,119 પ્રતિ શેરનો પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યો છે. IPO 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે. મોટા સંસ્થાકીય રોકાણકારો માટેની પ્રક્રિયા 19 ઓક્ટોબરે થશે.


₹30,213 કરોડ સુધીનો IPO

Jio પ્લેટફોર્મ IPOમાં વધુમાં વધુ 27 કરોડ નવા શેર જારી કરશે. દરેક શેરની ફેસ વેલ્યુ ₹10 છે. ઉપરના પ્રાઈઝ બેન્ડ ₹1,119 પ્રમાણે કંપની લગભગ ₹30,213 કરોડ એકત્ર કરી શકે છે. આ કદ સાથે Jio Platformsનો IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે.


એક લોટમાં 12 શેર

રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 12 શેર માટે અરજી કરવી પડશે અને ત્યારબાદ 12 શેરના ગુણાંકમાં અરજી કરી શકાશે. ઉપરના પ્રાઈઝ બેન્ડ ₹1,119 પ્રમાણે એક લોટ માટે લગભગ ₹13,428નું રોકાણ જરૂરી રહેશે.


કર્મચારીઓને ₹54નું ડિસ્કાઉન્ટ

પાત્ર કર્મચારીઓને IPOમાં અરજી કરતી વખતે પ્રતિ શેર ₹54નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કર્મચારીઓ માટે ₹500 કરોડ સુધીના શેર અનામત રાખવામાં આવ્યા છે.


RIL શેરધારકો માટે ₹2,500 કરોડ અનામત

પાત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરધારકો માટે IPOમાં ₹2,500 કરોડ સુધીના શેર અનામત રહેશે. આ સાથે કર્મચારીઓ અને RIL શેરધારકો માટે કુલ ₹3,000 કરોડનો અનામત હિસ્સો રાખવામાં આવ્યો છે. 14 ઓક્ટોબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધરાવતા પાત્ર વ્યક્તિગત રોકાણકારો અને HUF આ અનામત હિસ્સામાં અરજી કરી શકશે, તેમા શરતો લાગુ પડશે.


GMPમાં સતત વધારો

Jio Platformsના IPOને લઈને ગ્રે માર્કેટમાં પણ સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. હાલ GMP ₹219 પર ચાલી રહ્યી છે. જો GMP ₹219ની આસપાસ માનવામાં આવે તો ઉપરના પ્રાઈઝ બેન્ડ ₹1,122ની સરખામણીએ આશરે 20% પ્રીમિયમનો સંકેત મળે છે. આ આધારે ગ્રે માર્કેટમાં સંભવિત લિસ્ટિંગ ભાવ આશરે ₹1,338 આસપાસ ગણવામાં આવી રહ્યો છે. જોકે GMP સત્તાવાર બજારનો ભાગ નથી અને તેમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે. વાસ્તવિક લિસ્ટિંગ ભાવ અલગ હોઈ શકે છે.


જૂનમાં DRHP, હવે RHP ફાઇલ

Jio Platformsએ અગાઉ 19 જૂન 2026ના રોજ DRHP ફાઇલ કર્યું હતું. ત્યારબાદ કંપનીને 28 ઓગસ્ટે SEBI તરફથી ઓબ્ઝર્વેશન મળ્યો હતો અને હવે 14 ઓક્ટોબરે RHP ફાઇલ કરવામાં આવ્યું છે.


Jio Platforms શું કરે છે?

Jio Platforms હેઠળ Reliance Jioનો ટેલિકોમ અને ડિજિટલ સેવાઓનો બિઝનેસ આવે છે. કંપની મોબાઇલ સેવા, ઇન્ટરનેટ, ડિજિટલ પ્લેટફોર્મ અને અન્ય ટેક્નોલોજી આધારિત સેવાઓ ચલાવે છે.


Jioના નાણાકીય આંકડા

નાણાકીય વર્ષ 2025-26માં Jio Platformsની આવક આશરે ₹1,46,885 કરોડ રહી હતી. કંપનીનો EBITDA આશરે ₹76,255 કરોડ અને ચોખ્ખો નફો લગભગ ₹30,049 કરોડ રહ્યો હતો. કંપનીના ગ્રાહકોની સંખ્યા 52 કરોડથી વધુ છે.


હવે કઈ બાબતો પર નજર રહેશે?

હવે બજારની નજર 19 ઓક્ટોબરે મોટા રોકાણકારોના પ્રતિસાદ, 21 ઓક્ટોબરથી શરૂ થનારી અરજી, કુલ સબ્સ્ક્રિપ્શન અને GMPની ચાલ પર રહેશે. IPO પૂર્ણ થયા બાદ શેરના લિસ્ટિંગ પર પણ રોકાણકારોની ખાસ નજર રહેશે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn