KuberaNowLogo
Friday, 16/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ડેટા સેન્ટર્સને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી

ભારતમાં AI, ડિજિટલ પેમેન્ટ્સ, ઈ-કોમર્સ, OTT પ્લેટફોર્મ્સ અને વીડિયો સ્ટ્રીમિંગ જેવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને પહોંચી વળવા ડેટા સેન્ટર્સની જરૂરિયાત ઊભી થઈ છે અને તેનો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળી રહ્યો છે.

desk@kuberanowPublished On : 7 Oct 2026
Data Centre
ડેટા સેન્ટર્સને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી

ભારતમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને કારણે અનેક ડેટા સેન્ટર્સ સ્થપાઈ રહ્યાં છે અને તેના લીધે રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રાઈવેટ ઈક્વિટી રોકાણ વધી રહ્યું છે. અત્યાર સુધી રિયલ એસ્ટેટ ઉદ્યોગનાં ઓફિસ રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં જંગી પ્રમાણમાં રોકાણ થતું હતું, પરંતુ હવે આ રોકાણ ડેટા સેન્ટર્સમાં થઈ રહ્યું છે.


કેટલું રોકાણ થયું?

વર્ષ 2026માં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ વાર્ષિક ધોરણે 25% વધીને $2 અબજ થયું હતું, જેમાં ડેટા સેન્ટર સેગમેન્ટનો હિસ્સો 38% હતો. સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો, 2026ના પ્રથમ છ મહિનામાં કુલ PE રોકાણ 33% વધીને $3.2 અબજ સુધી પહોંચ્યું હતું.


PE રોકાણકારો કેમ ડેટા સેન્ટર તરફ વળ્યા?

પ્રાઈવેટ ઈક્વિટી (PE) અને સંસ્થાકીય રોકાણકારો હવે ઓફિસ પ્રોપર્ટીની સાથે સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારી રહ્યાં છે, કારણ કે આ સેગમેન્ટમાંથી વધારે વળતર મળી રહ્યું છે.

વિશ્વની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ સર્વિસિસ અને ઈન્વેસ્ટમેન્ટ કંપની CBREના Real Estate Investment Market Outlook 2026 અનુસાર, 2025માં દેશમાં ડેટા સેન્ટર ક્ષેત્રમાં રોકાણ વાર્ષિક ધોરણે 27% વધીને $0.48 અબજ થયું હતું. રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની Savills Indiaના રિસર્ચ મુજબ, ભારતમાં 2026ના પ્રથમ છ મહિનામાં નવી ડેટા સેન્ટર ક્ષમતા 258 MW IT (megawatt IT એટલે ડેટા સેન્ટરની અંદર સર્વિર ઈક્વિપમેન્ટ ચલાવવા માટે ઉપલબ્ધ મહત્તમ વીજળીની માત્રા) સુધી પહોંચી હતી, જે 2025ના પ્રથમ છ મહિનામાં 162 મેગાવોટ ITની સરખામણીએ 59.3% વધુ છે. હવે દેશની કુલ કાર્યરત ડેટા સેન્ટર ક્ષમતા 1.8 ગીગાવોટ IT સુધી પહોંચી છે.


પ્રાઇવેટ ઇક્વિટી રોકાણમાં વિદેશી રોકાણ કેટલું?

કુલ પ્રાઇવેટ ઇક્વિટી રોકાણમાંથી 52% મૂડી ડોમેસ્ટિક ઈન્વેસ્ટર્સ તરફથી આવ્યું હતું, જ્યારે 48% ઈન્વેસ્ટમેન્ટ વિદેશી રોકાણકારો પાસેથી આવ્યું હતું. જેમાંથી 69% અમેરિકા અને કેનેડાથી આવ્યું હતું.


ડેટા સેન્ટર માટે કયો મોટો પડકાર?

ડેટા સેન્ટર ઉદ્યોગના વિકાસ માટે સૌથી મોટો પડકાર પૂરતો વીજ પુરવઠો અને જમીનની ઉપલબ્ધતા છે. હાલમાં તો કંપનીઓને આ બંને ક્ષેત્રે ખાસ તકલીફ પડી રહી નથી, પરંતુ વીજળીની ઉત્પાદન ક્ષમતા ઝડપભેર વધારવામાં નહીં આવે તો, વીજળીના સપ્લાયને લઈને મુશ્કેલી ઊભી થઈ શકે છે.


વિશ્વની કંપનીઓએ ભારતમાં રોકાણ વધાર્યું

તાજેતરમાં Amazon Web Services, Microsoft Azure અને Google Cloud જેવી કંપનીઓએ ભારતમાં તેમના ડેટા સેન્ટર નેટવર્કનો વિસ્તાર કરવાની જાહેરાત કરી હતી. Microsoftએ ભારતમાં પોતાનું સૌથી મોટું ડેટા સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી. રોકાણકારોને હોસ્પિટાલિટી અને સ્ટુડન્ટ હાઉસિંગ સેગમેન્ટમાં પણ રસ વધ્યો છે. હોસ્પિટાલિટી ક્ષેત્રનો હિસ્સો 8% અને સ્ટુડન્ટ હાઉસિંગ (PG)નો હિસ્સો 3% રહ્યો હતો.


ડેટા સેન્ટર્સ એટલે શું?

ડેટા સેન્ટર્સ (Data Centres) એટલે એવી વિશેષ સુવિધાઓ જ્યાં મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટાનો સંગ્રહ, પ્રોસેસિંગ અને સંચાલન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે Google Search કરો, WhatsApp પર મેસેજ મોકલો, UPI દ્વારા પેમેન્ટ કરો, Netflix પર વીડિયો જુઓ, ત્યારે તે ડેટા ‘ડેટા સેન્ટર્સ’માં સંગ્રહિત અને પ્રોસેસ થાય છે. ડેટા સેન્ટર તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં સર્વર, વિશાળ કદનાં પ્રોસેસર્સ અને કૂલિંગ સિસ્ટમ સહિતના ઉપકરણોનો સમાવેશ થાય છે.


ભારતમાં કેમ ડેટા સેન્ટર્સની માંગ ઝડપથી વધી?

ભારતમાં ડેટા સેન્ટર્સની માંગ ઝડપથી વધી રહી છે કારણ કે, ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સર્વિસિસનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ઈ-કોમર્સ, ડિજિટલ પેમેન્ટ્સ, OTT પ્લેટફોર્મ્સ અને વીડિયો સ્ટ્રીમિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગને કારણે કંપનીઓને ડેટાનું સંચાલન કરવા માટે મેગા સેન્ટર્સની જરૂર પડે છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા સતત વધતા મોટા પ્રમાણમાં ડેટા જનરેટ થઈ રહ્યો છે, પરિણામે ડેટાને પ્રોસેસ કરવા ડેટા સેન્ટર્સની જરૂરિયાત ઊભી થઈ છે. ઓછામાં પૂરું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધવાથી ડેટા સેન્ટર્સની અનિવાર્યતા ઊભી થઈ છે અને ભારતમાં ડેટા સેન્ટર્સે અદાણી, અંબાણી સહિતની કંપનીઓનું ધ્યાન ખેંચ્યું છે.

 


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn