KuberaNowLogo
Friday, 16/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

SEBIએ બદલ્યા CASનાં નિયમો: 7 ડિસેમ્બરથી નવો સમય, ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સ માટે શું બદલાશે

SEBIએ ક્લોઝિંગ ઑક્શન સેશન, ટ્રેડિંગના સમય અને ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટની પદ્ધતિમાં ફેરફાર જાહેર કર્યા છે. ઇન્ડેક્સ અને એક્સપાયર થતા સ્ટોક ડેરિવેટિવ્ઝ માટે સતત ટ્રેડિંગની છેલ્લી 30 મિનિટના VWAPને મહત્વ અપાયું છે. સાથે CASનો સમય, અધૂરા ઑર્ડરનું ટ્રાન્સફર અને આઇસબર્ગ ઑર્ડરની પ્રાથમિકતા સ્પષ્ટ કરવામાં આવી છે.

desk@kuberanowPublished On : 16 Oct 2026
SEBI CAS
SEBI CASAI Image

શેરબજારમાં દિવસના અંતે ભાવ નક્કી કરવાની પ્રક્રિયા અને ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટને લઈને ઊઠેલી ચિંતાઓ બાદ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા—SEBIએ ક્લોઝિંગ ઑક્શન સેશન—CASના નિયમોમાં ફેરફાર જાહેર કર્યા છે. ગુરુવારે, 15 ઑક્ટોબરે જાહેર કરાયેલા સર્ક્યુલરમાં સેટલમેન્ટની પદ્ધતિ, ટ્રેડિંગના સમય અને અધૂરા ઑર્ડરને સતત ટ્રેડિંગ સેશનમાંથી ક્લોઝિંગ ઑક્શન સેશનમાં લઈ જવાની વ્યવસ્થા આવરી લેવામાં આવી છે. સુધારેલું માળખું 7 ડિસેમ્બર, 2026થી અમલમાં આવશે. જોકે, અધૂરા લિમિટ અને આઇસબર્ગ ઑર્ડરને કન્ટિન્યુઅસ ટ્રેડિંગ સેશન—CTSમાંથી CASમાં ટ્રાન્સફર કરવા સંબંધિત ફેરફારો 8 ફેબ્રુઆરી, 2027થી લાગુ થશે.


સેટલમેન્ટ ભાવ કેવી રીતે નક્કી થશે?

ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટ માટે અગાઉની પદ્ધતિ જાળવવામાં આવી છે. ઇક્વિટી કેશ સેગમેન્ટમાં સતત ટ્રેડિંગની છેલ્લી 30 મિનિટ, એટલે કે બપોરે 3:00થી 3:30 દરમિયાન ઇન્ડેક્સમાં સમાવિષ્ટ શેરોના વોલ્યુમ આધારિત સરેરાશ ભાવ—VWAPના આધારે સેટલમેન્ટ ભાવ નક્કી થશે. સરળ ભાષામાં કહીએ તો, VWAPમાં માત્ર શેરનો ભાવ નહીં, પરંતુ કયા ભાવે કેટલા શેરનો વેપાર થયો છે તે પણ ધ્યાનમાં લેવાય છે. એક્સપાયર થતા સ્ટોક ડેરિવેટિવ્ઝ માટે ક્લિયરિંગ કોર્પોરેશનો સંબંધિત શેરના છેલ્લી 30 મિનિટના VWAPનો ઉપયોગ કરશે. આ ગણતરીમાં તમામ સ્ટોક એક્સચેન્જ પર થયેલા વેપારનો સમાવેશ કરવામાં આવશે. એક્સચેન્જો ક્લિયરિંગ કોર્પોરેશનોને VWAP અને ટ્રેડ થયેલા શેરના જથ્થાની માહિતી આપશે. આ સમયગાળા દરમિયાન બજારના ભાગીદારોને સૂચક મૂલ્યો પણ સતત રિયલ ટાઇમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.


CAS અને ડેરિવેટિવ્ઝના નવા સમય

સુધારેલા નિયમો અનુસાર CAS તમામ ટ્રેડિંગ દિવસોમાં બપોરે 3:30થી 3:40 સુધીનું અલગ 10 મિનિટનું સેશન રહેશે. તેમાં ઑર્ડર એન્ટ્રીનો સમય 3:38થી 3:40 વચ્ચે કોઈપણ સમયે રેન્ડમ રીતે બંધ થશે.


SEBI CAS


અધૂરા લિમિટ ઑર્ડરનું શું થશે?

સતત ટ્રેડિંગ સેશન પૂરું થાય ત્યારે બાકી રહેલા લિમિટ ઑર્ડર સામાન્ય રીતે CASમાં આગળ લઈ જવામાં આવશે. જોકે, સ્ટોપ-લોસ ઑર્ડર અને CASની લાગુ પ્રાઇસ બેન્ડની બહારના ભાવવાળા ઑર્ડર તેમાં સામેલ નહીં થાય. લિમિટ ઑર્ડર એટલે રોકાણકાર પોતાના ખરીદી કે વેચાણ માટે ચોક્કસ ભાવ નક્કી કરે તેવો ઑર્ડર.


આઇસબર્ગ ઑર્ડરમાં મહત્વનો ફેરફાર

આઇસબર્ગ ઑર્ડર એટલે મોટા ઑર્ડરને નાના ભાગમાં વહેંચવાની વ્યવસ્થા. તેમાં કુલ જથ્થામાંથી માત્ર થોડો ભાગ જ જાહેર ઑર્ડર બુકમાં દેખાય છે. નવા નિયમો હેઠળ લાગુ પ્રાઇસ બેન્ડની અંદર રહેલા અધૂરા આઇસબર્ગ ઑર્ડર પૂર્વનિર્ધારિત ભાવે સંપૂર્ણ જથ્થો દર્શાવતા લિમિટ ઑર્ડરમાં બદલાશે. જોકે, મૂળ ઑર્ડર મૂકતી વખતે બજારના ભાગીદારો આ પરિવર્તનમાંથી બહાર રહેવાનો વિકલ્પ પસંદ કરી શકશે. આ રીતે બદલાયેલા ઑર્ડરની સમય આધારિત પ્રાથમિકતા CTSમાંથી આગળ આવેલા અન્ય લિમિટ ઑર્ડર કરતાં ઓછી રહેશે. પરંતુ CAS દરમિયાન નવા મૂકાયેલા લિમિટ ઑર્ડર કરતાં તેમની પ્રાથમિકતા વધુ રહેશે.


ફેરફારની જરૂર કેમ પડી?

CAS 3 ઑગસ્ટથી અમલમાં આવ્યો હતો. ત્યારબાદ સેટલમેન્ટ ભાવ, ભાવમાં અચાનક મોટા ફેરફાર અને ઓછી લિક્વિડિટી અંગે ટ્રેડિંગ કોમ્યુનિટીએ ચિંતા વ્યક્ત કરી હતી. SEBIના કન્સલ્ટેશન પેપર પર 20,000થી વધુ સૂચનો મળ્યા હતા. ત્યારબાદ ગુરુવારે નિયમનકારની સેકન્ડરી માર્કેટ એડવાઇઝરી કમિટીમાં ચર્ચા થઈ હતી. નિયમનકારે બ્લેન્ડેડ મેથડનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. જોકે, સંબંધિત સમયગાળામાં ઓછી લિક્વિડિટીને ધ્યાનમાં રાખીને અનેક બજાર સહભાગીઓએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્રેડર્સ અને બ્રોકર્સે 30 મિનિટની VWAP પદ્ધતિને પ્રાધાન્ય આપ્યું હતું. તેમના મતે આ પદ્ધતિથી બજારના ભાગીદારો વધુ પરિચિત છે અને તે પારદર્શક તથા કામગીરીની દૃષ્ટિએ સારી રીતે સમજાયેલી વ્યવસ્થા છે.


વર્તમાનમાં શું સ્થિતિ છે?

વિગતો અનુસાર, હાલ CASની કુલ વિન્ડો 3:15થી 3:35 સુધીની 20 મિનિટની છે. તેમાં 3:15થી 3:20 દરમિયાન રેફરન્સ ભાવની ગણતરી અને CTSમાંથી CASમાં પરિવર્તન થાય છે. આ દરમિયાન નવા ઑર્ડર મૂકવાની મંજૂરી નથી. ત્યારબાદની પાંચ મિનિટમાં ઑર્ડર એન્ટ્રીની તક મળે છે. 3:25થી 3:30 દરમિયાન માત્ર લિમિટ ઑર્ડર મૂકવાની મંજૂરી રહે છે અને માર્કેટ ઑર્ડરમાં ફેરફાર કે તેને રદ કરી શકાતો નથી. આ ઑર્ડર એન્ટ્રી સમયગાળાની છેલ્લી બે મિનિટમાં રેન્ડમ રીતે બંધ થાય છે.


1% રેન્જ સંબંધિત પ્રસ્તાવ સામેલ નહીં

કન્સલ્ટેશન પેપરમાં SEBIએ CAS દરમિયાન રેફરન્સ ભાવની 1% રેન્જની બહાર મૂકાયેલા લિમિટ ઑર્ડર રદ કરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જોકે, અંતિમ સર્ક્યુલરમાં આ ફેરફાર સામેલ કરવામાં આવ્યો નથી.


આ પણ વાંચો: ધનતેરસે વાસણ ખરીદતાં પહેલાં જાણો નવો નિયમ! એલ્યુમિનિયમનાં વાસણો પર BIS માર્ક ફરજિયાત


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn