‘વોકલ ફોર લોકલ’ની વ્યાપક અસર, જન્માષ્ટમીએ દેશભરમાં ₹40,000 કરોડથી વધુનો વેપાર થવાનો અંદાજ
વર્ષ 2024માં જન્માષ્ટમી દરમિયાન લગભગ ₹25,000 કરોડ અને વર્ષ 2025માં આશરે ₹30,000 કરોડનો વેપાર થયો હતો.

રક્ષાબંધન દરમિયાન વિક્રમી વેપાર થયા બાદ હવે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરને લઈને દેશભરના બજારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આ વર્ષે જન્માષ્ટમી દરમિયાન દેશભરમાં ₹40,000 કરોડથી વધુનો વેપાર થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. CAITના અભ્યાસ પ્રમાણે અગાઉનાં વર્ષોની સરખામણીએ આ વખતે વેપારમાં આશરે 30%નો વધારો થવાની શક્યતા છે.
વર્ષ 2024માં જન્માષ્ટમી દરમિયાન લગભગ ₹25,000 કરોડ અને વર્ષ 2025માં આશરે ₹30,000 કરોડનો વેપાર થયો હતો. આ વર્ષે ગ્રાહકોની માંગમાં વધારો, ધાર્મિક પ્રવાસનનો વિસ્તાર અને સ્વદેશી વસ્તુઓની વધતી લોકપ્રિયતાને કારણે વેપાર ₹40,000 કરોડને પાર જવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

‘વોકલ ફોર લોકલ’ની વ્યાપક અસર
બજારોમાં PM નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. પૂજા સામગ્રી, સજાવટની વસ્તુઓ, કૃષ્ણની મૂર્તિઓ, હીંચકો, મુગટ, વાંસળી અને વસ્ત્રોની માંગમાં સ્વદેશી ઉત્પાદનોની માંગમાં વધારો જોવા મળ્યો છે. આ વધતી માંગનો સ્થાનિક કારીગરો, કુટિર ઉદ્યોગો, હસ્તકલા ક્ષેત્ર તેમજ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે.

ધાર્મિક પ્રવાસન અને સેવા ક્ષેત્રને વેગ
મથુરા-વૃંદાવન, દ્વારકા, નાથદ્વારા, દિલ્હી, મુંબઈ, જયપુર અને અમદાવાદ જેવા મુખ્ય શ્રીકૃષ્ણ ધામોમાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાથી હોટેલ, રેસ્ટોરન્ટ, ટેક્સી સેવા, સ્થાનિક હસ્તકલા અને પ્રવાસી માર્ગદર્શક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને રોજગાર અને આવકની મોટી તક મળી રહી છે. CAITનું માનવું છે કે ભારતીય તહેવારો માત્ર સાંસ્કૃતિક ઉજવણીઓ નથી, પરંતુ મંદિરથી બજાર અને ખેડૂતથી વેપારી સુધીના લોકોને એક આર્થિક સાંકળમાં જોડે છે. જન્માષ્ટમીનો તહેવાર ભક્તિની સાથે કરોડો લોકોની આજીવિકાને ટેકો આપવા અને દેશના આર્થિક વિકાસને વેગ આપવાનું મોટું માધ્યમ બની રહ્યો છે.
આ પણ વાંચો: વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો


