KuberaNowLogo
Thursday, 08/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

GST Councilનો મોટો નિર્ણય: નાના વેપારીઓથી નિકાસકારો સુધી અનેક રાહતો

57મી GST Council બેઠકમાં વ્યવસાય માટે GST પ્રક્રિયા સરળ બનાવવા મોટા સુધારા મંજૂર થયા છે. ધરપકડની સત્તા દૂર કરવા, ફોજદારી કાર્યવાહીની મર્યાદા ₹5 કરોડ કરવા, રિફંડ ઝડપી બનાવવા, ITCનો વ્યાપ વધારવા અને નાના વેપારીઓ માટે અનુપાલન સરળ બનાવવાના નિર્ણયો લેવાયા છે.

kuberanowPublished On : 8 Oct 2026
gst

57મી GST Council બેઠકમાં GST દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વખતે કાઉન્સિલે મુખ્ય ફોકસ GSTની પ્રક્રિયા સરળ બનાવવા, વેપારીઓની મુશ્કેલી ઘટાડવા અને રિફંડ ઝડપથી આપવા પર રાખ્યો છે.


ધરપકડની સત્તા દૂર થશે

GST અધિકારીઓની સીધી ધરપકડ કરવાની સત્તા દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની મર્યાદા ₹1 કરોડથી વધારી ₹5 કરોડ કરવામાં આવશે. જ્યાં ચોક્કસ દંડ નક્કી ન હોય ત્યાં સામાન્ય દંડ ₹25,000થી ઘટાડીને ₹10,000 કરવાનો પણ નિર્ણય લેવાયો છે.


રિફંડ હવે વધુ ઝડપથી મળશે

GST રિફંડ અરજી સ્વીકારવાની સમયમર્યાદા 15 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવશે. જો 10 દિવસમાં અરજી સ્વીકારવામાં ન આવે અથવા કોઈ ખામીની નોટિસ ન આપવામાં આવે તો અરજી આપમેળે સ્વીકારાયેલી ગણાશે. જોખમના આધારે પાત્ર રિફંડના 90% સુધીનો ભાગ સિસ્ટમથી મંજૂર થઈ શકશે. રિફંડ ઓર્ડર પણ સ્વીકૃતિ બાદ ત્રણ કામકાજના દિવસમાં જારી કરવાનો નિર્ણય લેવાયો છે.


નાના વેપારીઓ માટે નિયમો સરળ

ઓછા જોખમવાળા નવા અરજદારોને ત્રણ કામકાજના દિવસમાં GST રજીસ્ટ્રેશન આપવાની વ્યવસ્થા વધુ વિસ્તૃત થશે. ₹5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા અને માત્ર ગ્રાહકોને વેચાણ કરતા નાના વેપારીઓને ત્રિમાસિક ટેક્સ ચુકવણી સાથે વર્ષમાં એક વખત રિટર્ન ભરવાનો વિકલ્પ મળી શકે છે.


ITCમાં પણ રાહત

કર્મચારીઓ માટે લેવાતા આરોગ્ય અને જીવન વીમા પર ચૂકવેલા GSTનો Input Tax Credit મળશે. તે ઉપરાંત કેટલીક અન્ય કેટેગરીમાં પણ ITCનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવાયો છે, જેમાં ટેલિકોમ ટાવર અને કેટલીક ઉત્પાદન સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય છે.


રસ્તામાં વારંવાર ચેકિંગ નહીં

માલવાહક વાહનને હવે માત્ર ચોક્કસ માહિતી અને વરિષ્ઠ અધિકારીની મંજૂરી બાદ જ રોકી શકાશે. માલની તપાસ મુખ્યત્વે જ્યાંથી માલ નીકળે છે અને જ્યાં પહોંચે છે તે રાજ્યોમાં જ થશે. વચ્ચે આવતા રાજ્યોમાં વારંવાર ચેકિંગ ઘટાડવાનો હેતુ છે.


આ પણ વાંચો: રૂપિયો 97ના ઐતિહાસિક તળીયે, RBI માટે નવો પડકાર


ઓનલાઇન વેચાણકારોને પણ રાહત

E-commerce પ્લેટફોર્મ મારફતે વેચાણ કરતા નાના વેપારીઓ માટે બીજા રાજ્યમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. કેટલાક મામલામાં વેપારી e-commerce કંપનીના વેરહાઉસને પણ વ્યવસાય સ્થળ તરીકે જાહેર કરી શકશે.


GST દરોમાં ફેરફાર નહીં

57મી બેઠકમાં કોઈ GST દર બદલવામાં આવ્યો નથી. સરકારનો ફોકસ હવે દરોમાં વારંવાર ફેરફાર કરતાં વધુ રજીસ્ટ્રેશન, રિફંડ, ITC અને અમલીકરણને સરળ બનાવવા પર છે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn