અમેરિકાના 25% ટેરિફ પ્રસ્તાવ વચ્ચે ભારત-US ટ્રેડ ડીલ પર પિયુષ ગોયલનું મોટું નિવેદન
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લાદવાના પ્રસ્તાવ વચ્ચે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલો વેપાર કરાર હવે પૂર્ણ થવાના આરે છે અને આગળનો માર્ગ સ્પષ્ટ થઈ રહ્યો છે. આ ઉપરાંત, તેમણે ભારતના $1 ટ્રિલિયન નિકાસ લક્ષ્યાંક, યુરોપિયન યુનિયન સાથેના કરાર અને બોન્ડ માર્કેટને મજબૂત કરવા અંગે પણ વાત કરી હતી.

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર કરારની વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે (27 નવેમ્બર) સ્પષ્ટ સંકેત આપ્યો છે કે બંને દેશો વચ્ચેનો આ મહત્વપૂર્ણ સોદો હવે પૂર્ણ થવાના આરે છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા દ્વારા ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25% ટેરિફ લાદવાનો નવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વેપાર કરાર અંગે પિયુષ ગોયલે શું કહ્યું?
ઈન્ડિયા ડેટ કેપિટલ માર્કેટ સમિટ 2026 ને ઓનલાઈન સંબોધતા પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં અત્યાર સુધી પ્રક્રિયા અને આગળનો માર્ગ સૌથી મોટો અવરોધ હતા, પરંતુ હવે આ મુદ્દાઓ પર સ્પષ્ટતા આવી રહી છે. ગોયલે અગાઉ પણ કહ્યું હતું કે કરારની શરતો પર સહમતિ સધાઈ ચૂકી છે અને અમેરિકાની ટેરિફ નીતિ સ્પષ્ટ થયા બાદ તેના પર હસ્તાક્ષર કરાશે. ભારતનો મુખ્ય પ્રયાસ એ છે કે આ કરાર બાદ ભારતીય નિકાસકારોને અન્ય દેશોની સરખામણીએ વધુ સારી તક અને ફાયદો મળે.
અમેરિકાના 25% ટેરિફ પ્રસ્તાવની શું અસર થશે?
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ના તાજેતરના રિપોર્ટમાં ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. જોકે, આ રિપોર્ટમાં એવી પણ જોગવાઈ છે કે જો ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર થઈ જાય, તો આ ટેરિફ મહત્તમ 17% સુધી મર્યાદિત રાખી શકાય છે.
જો ટેરિફ 17% સુધી સીમિત રહે તો ભારતીય નિકાસકારોને બાંગ્લાદેશ, વિયેતનામ, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને ચીન જેવા એશિયન સ્પર્ધક દેશો સામે અમેરિકી બજારમાં મોટો ફાયદો મળી શકે છે. વેપાર નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાના આ નવા પ્રસ્તાવને કારણે આગામી અઠવાડિયામાં બંને દેશો વચ્ચેની વાટાઘાટો વધુ ઝડપી બનશે. ખાસ કરીને કાપડ, એન્જિનિયરિંગ માલ અને અન્ય નિકાસલક્ષી ઉદ્યોગોને આ કરારથી સીધો લાભ થવાની આશા છે.
યુરોપિયન યુનિયન સાથેના કરાર અને $1 ટ્રિલિયન નિકાસનો લક્ષ્યાંક
અમેરિકા ઉપરાંત ભારત અન્ય દેશો સાથે પણ વેપાર કરારો ઝડપથી પૂર્ણ કરવા પર કામ કરી રહ્યું છે. ગોયલે માહિતી આપી હતી કે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેનો મુક્ત વેપાર કરાર 2026 ના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે અને તે માર્ચ અથવા એપ્રિલ 2027 સુધીમાં અમલમાં આવવાની શક્યતા છે.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા બે યુદ્ધો, ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ટેરિફની અનિશ્ચિતતા અને દરિયાઈ વેપાર માર્ગો પર થતા હુમલાઓ જેવા પડકારો હોવા છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે. ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8% નો આર્થિક વિકાસ દર નોંધાવનાર ભારત, માલ અને સેવાઓની કુલ નિકાસમાં $1 ટ્રિલિયનના લક્ષ્યાંકને હાંસલ કરવાના ટ્રેક પર છે.
વ્યાજ દર અને બોન્ડ માર્કેટ અંગે મહત્વની વાત
નાણાકીય નીતિ અંગે વાત કરતા વાણિજ્ય મંત્રીએ જણાવ્યું કે દેશમાં હાલ વ્યાજ દરો સંતુલિત સ્તરે છે. આવતા અઠવાડિયે રિઝર્વ બેંકની નાણાકીય નીતિની બેઠક મળવાની છે, જેમાં ઘટાડાને બદલે વ્યાજ દરમાં વધારાની અપેક્ષા વધુ લોકો રાખી રહ્યા છે. તેમણે એ પણ નોંધ્યું કે વિદેશી રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય અને નાના રોકાણકારોએ બજારમાં મોટું રોકાણ કરીને મજબૂતી પૂરી પાડી છે.
આ ઉપરાંત, ગોયલે મોટી કંપનીઓ, જાહેર ક્ષેત્રના એકમો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી કંપનીઓને મૂડી એકત્ર કરવા માટે બોન્ડ માર્કેટનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વીમા કંપનીઓ, પેન્શન ફંડ, પ્રોવિડન્ટ ફંડ અને મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળાના રોકાણના મહત્વના સ્ત્રોત બની રહ્યા છે, તેથી બોન્ડની ખરીદી અને વેચાણની પ્રક્રિયાને પણ શેરબજાર જેવી સરળ અને ઝડપી બનાવવાની જરૂર છે.
આ પણ વાંચોઃ ભારત જાઓ - નોકરી છોડી દો, IBM એ યુએસ વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરી
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

FTAનો લાભ લેવા ભારત કેમ પાછળ? RBI ગવર્નરે ઉદ્યોગોને બતાવ્યો રસ્તો

Interest Rate Hike: હોમ લોન અને કાર લોન થશે મોંઘી? RBI 0.50% વ્યાજદર વધારે તેવી શક્યતા, જાણો શું છે નવો અંદાજ

SME Finance Summit 2026: મુંબઈમાં આજે SME ફાઇનાન્સ સમિટ, RBI ગવર્નર સંજય મલ્હોત્રા સહિત બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજો કરશે ચર્ચા

ડિજિટલ ઈન્ડિયાનો જાદુ ! ડિજિટલ પેમેન્ટમાં UPIનો દબદબો, ક્રેડિટ કાર્ડ ખર્ચ, ATMમાંથી રોકડ ઉપાડ જોજનો પાછળ

ભારતની પેમેન્ટ આદત બદલાઈ : ઈતિહાસમાં પહેલી વખત ATM કેશને પછાડતું ક્રેડિટ કાર્ડ

હવાઈ મુસાફરીની સેવાઓમાં મોંઘવારીનું ટેકઓફ! ભાવવધારો 35.52%, ટેલિકોમ ક્ષેત્ર સ્થિર

બેન્કોની તિજોરીમાં રોકડની તંગી! પાંચ મહિના બાદ ખાધ, RBIનો ₹1 લાખ કરોડનો ટેકો





