નોકરી છોડી દો - ભારત જાઓ, IBM એ યુએસ વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરી, 31 ડિસેમ્બર સુધીની ડેડલાઇન
ટેક કંપની IBM એ અમેરિકામાં તેના કન્સલ્ટિંગ ડિવિઝનમાં મોટાભાગના હોદ્દા માટે H-1B વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી પ્રભાવિત હજારો ભારતીય કર્મચારીઓ પાસે 31 ડિસેમ્બર, 2026 સુધીમાં અમેરિકા છોડીને અન્ય દેશમાં ટ્રાન્સફર લેવા અથવા નોકરી છોડવાનો વિકલ્પ છે.

IBM H-1B Visa: અમેરિકામાં રહીને સપના સાકાર કરવા મથતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ટેક કંપની IBM એ અમેરિકામાં પોતાના સૌથી મોટા ડિવિઝન 'IBM કન્સલ્ટિંગ'ની મોટાભાગની પોસ્ટ માટે H-1B વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. કંપનીના આ પગલાથી અમેરિકામાં કામ કરતા સેંકડો અને સંભવિત રીતે હજારો ભારતીય ટેક કર્મચારીઓનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.
કર્મચારીઓ સામે બે જ વિકલ્પ: દેશ છોડો અથવા નોકરી
IBM દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ પ્રભાવિત કર્મચારીઓ સામે બે સ્પષ્ટ વિકલ્પો મૂકવામાં આવ્યા છે. કર્મચારીઓએ કાં તો અમેરિકા છોડીને અન્ય કોઈ દેશમાં આવેલી IBM ની ઓફિસમાં ટ્રાન્સફર લેવું પડશે, અથવા તો 31 ડિસેમ્બર, 2026 સુધીમાં કંપનીમાંથી રાજીનામું આપવું પડશે. આ અંગે અંતિમ નિર્ણય લેવા માટે કર્મચારીઓને માત્ર ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જે કર્મચારીઓ કંપની છોડવાનો નિર્ણય લેશે, તેમનો છેલ્લો કામકાજનો દિવસ 31 ડિસેમ્બર રહેશે અને કંપની તરફથી તેમને ત્રણ મહિનાનો પગાર (વિચ્છેદ પગાર) ચૂકવવામાં આવશે. જોકે, આ નિર્ણયથી કુલ કેટલા ભારતીય કર્મચારીઓને અસર થશે તેનો ચોક્કસ આંકડો કંપનીએ જાહેર કર્યો નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આ સંખ્યા હજારોમાં હોઈ શકે છે.
કંપનીએ આ નિર્ણય પાછળ શું કારણ આપ્યું?
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા સત્તાવાર નિવેદનમાં IBM એ સ્પષ્ટતા કરી છે કે, કૌશલ્યની અછતને પહોંચી વળવા માટે IBM કન્સલ્ટિંગ અત્યાર સુધી અમેરિકાના ઉચ્ચ-કુશળ વિઝા પ્રોગ્રામ્સમાં ભાગ લેતું આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં ઘટાડો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, હાલની કૌશલ્યની ઉપલબ્ધતા અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કન્સલ્ટિંગ વિભાગમાં મોટાભાગના હોદ્દા માટે વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે IBM નો કન્સલ્ટિંગ વિભાગ વિશ્વભરમાં 1,50,000 થી વધુ લોકોને રોજગારી આપે છે અને ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવી મહત્વની સેવાઓ પૂરી પાડે છે.
ભારત પરત ફરવા પર પગારમાં 80% સુધીના ઘટાડાનો ડર
કંપનીના આ નિર્ણય બાદ કર્મચારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'બ્લાઇન્ડ' પર કેટલાક ભારતીય IBM કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા ચિંતા વ્યક્ત કરી છે કે, જો તેઓ અમેરિકા છોડીને ભારતમાં ટ્રાન્સફર લેશે, તો ભારતના સ્થાનિક પગાર ધોરણો મુજબ તેમના વર્તમાન પગારમાં 80 ટકા સુધીનો તોતિંગ ઘટાડો થઈ શકે છે, જે તેમની આર્થિક સ્થિતિ પર મોટી અસર કરશે.
અમેરિકાના કડક વિઝા નિયમોની સીધી અસર
IBM નો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે તેની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ હેઠળ વિદેશી કામદારો માટેના વિઝા નિયમો અત્યંત કડક બનાવી દીધા છે. વહીવટીતંત્ર દ્વારા નવી H-1B અરજીઓ પર 1,00,000 ડોલર સુધીની ભારે ફી લાદવામાં આવી છે. આ ઉપરાંત, કાયમી નિવાસ એટલે કે ગ્રીન કાર્ડ માટેની PERM પ્રક્રિયાની ચકાસણી અને શરતો પણ ઘણી સખત બનાવી દેવામાં આવી છે. સતત વધી રહેલી કાનૂની જટિલતાઓ અને આસમાને પહોંચેલા ખર્ચને કારણે હવે અમેરિકન ટેક કંપનીઓ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવાનું ટાળી રહી છે.
આ પણ વાંચોઃ અખાતી યુદ્ધનો ભારતીય કેળાંને મોટો ફટકો! નિકાસ અડધી થવાની ભીતિ, સ્થાનિક ભાવ 30% સુધી ઘટ્યા
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

વિશ્વની 10માંથી 6 ઇલેક્ટ્રિક કાર ચીનમાં વેચાઈ, અમેરિકામાં EV માર્કેટ ઠંડું પડ્યું

અમેરિકામાં 1.6 કરોડ નોકરીઓ AI ખાઈ જશે !

અમેરિકાના દરેક બાળકને ઈલોન મસ્ક આપશે ખાસ ભેટ, જાહેરાત સાંભળીને તમે પણ ચોંકી જશો

અમેરિકાનો નવો ટેરિફ બોમ્બ: ભારત સહિત 7 દેશો પર 25% અને ચીન પર 40% સુધી ટેક્સ લાદવાનો પ્રસ્તાવ

US શેરબજારમાં કડાકો: AI શેરોમાં વેચવાલીથી Nasdaq 1.43% તૂટ્યો, Nvidia અને Anthropic ના શેર ગગડ્યા

Trump Tariff: ભારત અને ચીન સહિત 16 દેશો પર ઝીંકાઈ શકે છે ભારે ટેરિફ, જાણો કોને થશે અસર

US Recessionનો ખતરો? અર્થતંત્ર સામે 4 મોટા પડકાર





