KuberaNowLogo
Wednesday, 25/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમેરિકાનો નવો ટેરિફ બોમ્બ: ભારત સહિત 7 દેશો પર 25% અને ચીન પર 40% સુધી ટેક્સ લાદવાનો પ્રસ્તાવ

અમેરિકાએ ભારત અને ચીન સહિતના મુખ્ય વેપારી ભાગીદાર દેશો પર નવા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવની નવી યોજના મુજબ ભારત સહિત સાત દેશો પર 25% સુધી અને ચીન પર સૌથી વધુ 40% સુધી ટેરિફ લાદવાની તૈયારી છે. વિદેશી સબસિડી સામે સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવા અને વેપાર ખાધ ઘટાડવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

Kuberanow DeskPublished On : 25 Nov 2026
US Proposes 25% Tariff on India, 40% on China Goods
US Proposes 25% Tariff on India, 40% on China GoodsAI

US Tariff Policy: વૈશ્વિક વેપાર ક્ષેત્રે મોટી હલચલ મચાવતા યુનાઇટેડ સ્ટેટ્સે ભારત અને ચીન સહિત અનેક મુખ્ય અર્થતંત્રો પર ભારે ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રોઇટર્સ દ્વારા ટાંકવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ (USTR) ની નવી યોજના હેઠળ ભારતીય માલસામાન પર 25% સુધીનો ટેરિફ લાદવાની તૈયારી કરવામાં આવી છે. આ પ્રસ્તાવમાં ભારત ઉપરાંત અન્ય છ દેશોનો પણ સમાવેશ થાય છે, જ્યારે ચીન માટે આ દર વધારીને 40% સુધી કરવાનું આયોજન છે.


કયા દેશો પર કેટલો ટેરિફ લાગશે?

યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવની યોજના મુજબ, 25% ટેરિફની યાદીમાં ભારતની સાથે કંબોડિયા, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, મલેશિયા, તાઇવાન અને થાઇલેન્ડ સામેલ છે. જોકે, USTR એ સ્પષ્ટતા કરી છે કે કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને બાંગ્લાદેશ માટે ટેરિફ દર મહત્તમ 18% સુધી મર્યાદિત રાખવામાં આવશે. બીજી તરફ, બાંગ્લાદેશ, યુરોપિયન યુનિયન (EU), જાપાન, સ્વિટ્ઝર્લૅન્ડ અને સિંગાપોર માટે 20% સુધી અને વિયેતનામ માટે 35% સુધીના ટેરિફ દરનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.


અન્ય દેશો માટેના નિયમો અને બ્રાઝિલ અંગે સુનાવણી

આ નવા પ્રસ્તાવ હેઠળ દક્ષિણ કોરિયા, તાઇવાન, EU, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ માટે મોસ્ટ ફેવર્ડ નેશન ડ્યુટી સિવાયનો દર 15% રહેશે. ચીન પર પહેલાથી જ લાગુ ટેરિફ ઉપરાંત વધારાના 20% ટેરિફ લાદીને તેને 40% સુધી લઈ જવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત, બ્રાઝિલ માટે પ્રસ્તાવિત ટેરિફ ફેરફારો અંગે આગામી 14 જાન્યુઆરી, 2027 ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.


અમેરિકા શા માટે લાદી રહ્યું છે આ ટેરિફ?

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એવા દેશો સામે કડક વલણ અપનાવી રહ્યું છે જેઓ સબસિડી અને સરકારી સહાય દ્વારા પોતાના સ્થાનિક ઉદ્યોગોને ટેકો આપે છે. ઔદ્યોગિક સબસિડી અંગે મહિનાઓ સુધી ચાલેલી તપાસ બાદ અમેરિકાએ આ નિર્ણય લીધો છે. અમેરિકાનો આરોપ છે કે સરકારી નાણાકીય સહાય મળવાથી વિદેશી ઉત્પાદકો ખૂબ જ સસ્તા ભાવે માલ તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પાયે વેચે છે. આ અન્યાયી સ્પર્ધાને કારણે અમેરિકન કંપનીઓ ટકી શકતી નથી અને સ્થાનિક ઉત્પાદન નબળું પડે છે. તેથી, વેપાર ખાધ ઘટાડવા અને પોતાના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે અમેરિકાએ આ ટેરિફ લાદવાનું પગલું ભર્યું છે.


આ પણ વાંચોઃ ચીનની મનમાનીનો આવશે અંત! દેશમાં જ ભારે મશીનરી બનાવવા મોદી સરકારની ₹11,000 કરોડની મેગા યોજના


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn