KuberaNowLogo
Wednesday, 25/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શેરબજારમાં તેજી, છતાં Gold-Silver ETFમાં કડાકો!

ચાંદીના ETF 5.6% અને સોનાના ETF 3% સુધી તૂટ્યા, મજબૂત ડોલર, Fedના વ્યાજદર વધારાની આશંકા અને ટેરિફ ચિંતાએ કિંમતી ધાતુઓને દબાવ્યાં

Kuberanow DeskPublished On : 25 Nov 2026
GoldSilver ETF.png
AI Generated Image

ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર તેજી જોવા મળી હતી, પરંતુ બીજી તરફ સોના અને ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં ભારે વેચવાલી જોવા મળી હતી. ચાંદીના ETFમાં 5.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સોનાના ETF લગભગ 3 ટકા સુધી તૂટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડાની અસર ભારતીય ETF પર પણ જોવા મળી હતી.


ચાંદીના ETFમાં 5.6 ટકા સુધીનો ઘટાડો

બુધવારે ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETFનો ભાવ 5.6 ટકા ઘટીને રૂ.143.70 થયો હતો. જ્યારે નિપ્પોન ઈન્ડિયા Silver ETF (Silver BeES) 5.5 ટકા ઘટીને રૂ.138.30 પર પહોંચ્યો હતો. આ ઉપરાંત ટાટા સિલ્વર ETFમાં 5.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તેનો ભાવ રૂ.14.10 થયો હતો. SBI સિલ્વર ETF પણ 4.6 ટકા ઘટીને રૂ.142.60 પર ટ્રેડ થયો હતો.


સોનાના ETF પણ દબાણમાં

ચાંદીની સાથે સોનાના ETFમાં પણ નરમાઈ જોવા મળી હતી. ICICI પ્રુડેન્શિયલ ગોલ્ડ ETF 2.7 ટકા ઘટીને રૂ.103.90 થયો હતો. જ્યારે Nippon India ETF Gold BeESમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તેનો ભાવ રૂ.100.50 થયો હતો. Tata Gold ETF પણ 2.2 ટકા ઘટીને રૂ.11.80 પર પહોંચ્યો હતો.


શેરબજારમાં 1.5 ટકાથી વધુની તેજી

એક તરફ સોના-ચાંદીના ETFમાં ઘટાડો થયો હતો, તો બીજી તરફ ભારતીય શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 1,502.29 પોઈન્ટ એટલે કે 1.82 ટકા વધીને 83,938.28ના સ્તરે પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી-50 469.60 પોઈન્ટ એટલે કે 1.85 ટકા વધીને 25,819.25ના સ્તરે બંધ આવ્યો હતો.


સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળનાં કારણો

આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત અમેરિકી ડોલર, ચીન, યુરોપિયન યુનિયન સહિતના દેશો પર સંભવિત અમેરિકી ટેરિફ વધારાની ચિંતા અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો થવાની આશંકાએ કિંમતી ધાતુઓ પર દબાણ વધાર્યું છે. આ ઉપરાંત વૈશ્વિક ટેક્નોલોજી શેરોમાં નબળાઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની તેજી ટકાઉ રહેશે કે નહીં તે અંગેની ચિંતાને કારણે કેટલાક રોકાણકારો અન્ય રોકાણોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા સોનામાંથી પણ નાણાં પાછાં ખેંચી રહ્યા છે. રોકાણકારોની નજર હવે અમેરિકાના ફુગાવાના મહત્વના આંકડા પર છે. આ આંકડાઓ ફેડરલ રિઝર્વની આગામી વ્યાજદર નીતિ અંગે સંકેતો આપી શકે છે.


રેકોર્ડ ઊંચાઈથી સોનાના ભાવમાં મોટો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ જાન્યુઆરીમાં નોંધાયેલા 5,595 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરથી લગભગ 37 ટકા નીચે આવી ગયો છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધી સોનાના ભાવમાં આશરે 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં પણ સોનું લગભગ 7 ટકા ઘટ્યું હતું.


ભારતીય બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે MCX પર સોનાનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 1.88 ટકાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,20,030ના સ્તરે પહોંચ્યો હતો જ્યારે ચાંદીનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 3.19 ટકાના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,40,795ના સ્તરે બંધ આવ્યો હતો. સોનાનો ભાવ આ વર્ષે જાન્યુઆરીમાં લગભગ રૂ.1.80 લાખ પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.


સોનામાં એક મહિનામાં 15 ટકાનો ઘટાડો

છેલ્લા એક મહિનામાં સોનામાં લગભગ 15 ટકા અને છેલ્લા ત્રણ મહિનામાં આશરે 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ડોલરની મજબૂતી અને અમેરિકાની વ્યાજદર નીતિ અંગેની અપેક્ષાઓને કારણે હાલ સોના-ચાંદીના બજારમાં અસ્થિરતા વધી છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn