Crude Oil Price: મંગળવારની તેજી ગાયબ, ક્રૂડ ફરી લાલ નિશાનમાં
બ્રેન્ટ $90.29 અને WTI $80.89 પર પહોંચ્યા, 2027માં ક્રૂડ ઓઈલના માગ કરતાં વધુ પુરવઠાની ચિંતાએ બજાર પર દબાણ વધાર્યું, હવે OPEC+ બેઠક અને હોર્મુઝની સ્થિતિ પર નજર

ક્રૂડ ઓઈલના ભાવમાં 25 નવેમ્બરને બુધવારે આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક સ્તરે ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 90.290 ડોલર જ્યારે અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિયરી (WTI) 80.890 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે MCX પર ક્રૂડ ઓઈલ 1.27 ટકા ઘટીને રૂ. 7485ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
હોર્મુઝની ખાડીમાં હુમલા અને ઓઈલ સપ્લાયની ચિંતાઓના કારણે મંગળવારે ભાવમાં 2 ટકાની તેજી જોવા મળી હતી, પરંતુ છેલ્લા સત્રની તેજી બુધવારે ખતમ થઈ ગઈ. બુધવારે આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજાર બંનેમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ભારતીય કોમોડિટી બજાર MCXમાં પણ ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. MCX પર 18DEC 2026નો કોન્ટ્રાક્ટ રૂ. 67 એટલે કે 0.88 ટકા ઘટીને ₹7,514 જોવા મળ્યો હતો. બીજીબાજુ ભારતીય સમય મુજબ બુધવારે બપોરે 12.00 કલાકે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ કોન્ટ્રાક્ટનો ભાવ 1.160 ડોલર એટલે કે 1.41 ટકા ઘટીને 90.290 ડોલર જ્યારે 21 ડિસેમ્બરે એક્સપાયર થતા WTI ક્રૂડનો ભાવ 1.010 ડોલર એટલે કે 1.21 ટકા ઘટીને 80.890ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
ઘટાડા પાછળનાં મુખ્ય કારણો
ક્રૂડ ઓઇલના ભાવ પર વૈશ્વિક પુરવઠા અને માંગ વચ્ચેનું સંતુલન અસર કરી રહ્યું છે. Reutersના અહેવાલ અનુસાર વૈશ્વિક બજારમાં પુરવઠો માંગ કરતાં વધી જવાની શક્યતા ભાવ પર દબાણ ઊભું કરી રહી છે. ખાસ કરીને 2027માં સંભવિત વધારાના પુરવઠાની ચિંતાઓને કારણે ટ્રેડર્સ સાવચેત વલણ અપનાવી રહ્યા છે.
બીજી તરફ, મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ પણ બજાર માટે મહત્ત્વનું પરિબળ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક જહાજો પર થયેલા હુમલાઓને કારણે ક્રૂડના પરિવહન અને પુરવઠા અંગે અનિશ્ચિતતા વધી છે. સામાન્ય રીતે આવા તણાવથી ક્રૂડના ભાવમાં તેજી આવી શકે છે, પરંતુ હાલ પુરવઠામાં વધારો થવાની આશંકા આ જોખમની અસરને મર્યાદિત કરી રહી છે. આ ઉપરાંત, અમેરિકાના ક્રૂડ ઇન્વેન્ટરી ડેટા પર પણ બજારની નજર છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ (API)ના પ્રાથમિક આંકડા મુજબ 20 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન અમેરિકાના ક્રૂડ ભંડારમાં 1.26 લાખ બેરલનો વધારો નોંધાયો હતો. જોકે આ વધારો બજારની અગાઉની સરેરાશ અપેક્ષા કરતાં ઓછો હતો.
મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિઓમાં સતત પરિવર્તન
ઓઈલના ભાવમાં ભલે ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ પશ્ચિમ એશિયામાં તણાવ હજુ પણ ખતમ નથી થયો. હોર્મુઝની ખાડીની આજુબાજુ હજુ પણ જહાજો પર હુમલાનું જોખમ બનેલું છે. ઈરાનની સેના તરફથી જણાવાયું છે કે હોર્મુઝમાં નેવલ માઈન્સ સાથે અથડાયા પછી ચાર ઓઈલ ટેન્કરોમાં આગ લાગી ગઈ હતી. ઈરાને ધમકી આપી છે કે તેની માગો માનવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મુખ્ય ઓઈલ પરિવહન માર્ગો પર તેનો પ્રતિબંધ ચાલુ રાખશે. વોશિંગ્ટને પણ ઈરાનને નાણાકીય નેટવર્ક પર ટાર્ગેટ ચાલુ રાખ્યો છે. મધ્ય-પૂર્વમાં વધતા તણાવ છતાં IEAનું માનવું છે કે આ ક્વાર્ટરમાં વૈશ્વિક ઓઈલ માર્કેટ સરપ્લસમાં જઈ શકે છે.
ભારત પર ઓઈલ બજારની અસર
આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી (IEA)નું કહેવું છે કે આ સમયએ ભલે મુખ્ય જળમાર્ગો પર નાકાબંધી ચાલુ છે, પરંતુ ફારસનીખાડી અને અન્ય વૈકલ્પિક માર્ગોથી ક્રૂડ ઓઈલનો સપ્લાય યુદ્ધના પહેલાના સ્તરના લગભગ 74 ટકા નજીક પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલો ઘટાડો ભારત જેવા મોટા ઓઈલ ઉત્પાદક દેશો માટે રાહતપૂર્ણ બની રહેશે. ક્રૂડ ઓઈલના ભાવમાં ભલે હાલ વધુ ઘટાડો જોવા મળે, પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ કોઈ ફેરફાર થવાની સંભાવના ઓછી છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે લાંબા સમયથી ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ભારે નુકસાનનો સામનો કરી રહી છે અને તેઓને તેની ભરપાઈ કરવામાં હજુ ઘણો સમય લાગી શકે છે. ઓક્ટોબરમાં ભારતનું ઓઈલ-ગેસ આયાત બિલ 60 ટકા વધીને 16 અબજ ડોલર થઈ ગયું હતું.
હવે રોકાણકારોની નજર ક્યાં?
આગામી દિવસોમાં OPEC+ દેશોની નીતિ, વૈશ્વિક ક્રૂડ સપ્લાય, અમેરિકાના ઇન્વેન્ટરી આંકડા અને મધ્ય પૂર્વની સ્થિતિ ભાવની દિશા નક્કી કરવામાં મહત્ત્વની રહેશે. 29 નવેમ્બરે યોજાનારી OPEC+ બેઠક પણ બજાર માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. ભારત જેવા મોટા ક્રૂડ આયાતકાર દેશ માટે આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો રાહતરૂપ બની શકે છે. જોકે રૂપિયાની સામે ડોલરના વિનિમય દર, આયાત ખર્ચ અને સ્થાનિક કરવેરાની અસરને કારણે આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો સીધો પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિબિંબિત થાય તે જરૂરી નથી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Palm Oil: પામ ઓઇલના ભાવ ઘટ્યા, FMCG કંપનીઓને ફાયદો; શું ગ્રાહકોને થશે ફાયદો

Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ફરી રિવર્સ ગિયર! સોનું ₹1.22 લાખની નીચે, લગ્નની સિઝનમાં ખરીદી વધી

ખરીફ પાક ઘટતા મકાઈના ભાવમાં 25%નો ઉછાળો: મહારાષ્ટ્રની બે કંપનીઓએ વિદેશથી 1 લાખ ટન મકાઈ આયાત કરી

ચાંદીના ભાવમાં મોટો કડાકો: 3 મહિનામાં ₹1 લાખ તૂટ્યા બાદ શું હવે ભાવ ₹1 લાખ થશે કે આવશે તેજી?

દુષ્કાળની માર વચ્ચે તુવેર દાળના ભાવ ભડકે બળ્યા: દિલ્હી-મુંબઈમાં કિલોનો ભાવ ₹150ને પાર, ઉત્પાદન ઘટવાની દહેશત

સોના-ચાંદી પર ત્રિપલ દબાણ! માર્જિન વધ્યું, સ્ટોક ઘટ્યો, ભાવમાં કડાકાની આશંકા

Iran War Effect: ભારત-ચીનની રશિયન ઓઈલની ખરીદી રેકોર્ડ સ્તરે, ભારત દરરોજ મંગાવે છે લગભગ 20 લાખ બેરલ





