સોના-ચાંદી પર ત્રિપલ દબાણ! માર્જિન વધ્યું, સ્ટોક ઘટ્યો, ભાવમાં કડાકાની આશંકા
Comex પર ગોલ્ડ ફ્યુચર્સનું માર્જિન 5%થી 6% અને સિલ્વરનું 8%થી 9% થયું, જ્યારે સોનું $3,340 સુધી ગગડી શકે

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા મોટા ઘટાડા બાદ હવે બજારમાં થોડી સ્થિરતા જોવા મળી રહી છે. જોકે, કિંમતી ધાતુઓને લઈને એકસાથે ત્રણ મોટા સમાચાર સામે આવ્યા છે, જે આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરી શકે છે. અમેરિકાના બજાર કોમેક્સ (COMEX) એક્સચેન્જે સોના અને ચાંદીના વાયદા સોદા માટેનું માર્જિન વધાર્યું છે. બીજી તરફ, જેપી મોર્ગનના ભંડાર સહિત કોમેક્સના ચાંદીના કુલ સ્ટોકમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે.
સોના-ચાંદીના વાયદા સોદા મોંઘા થયા, COMEXએ માર્જિન વધાર્યું
સોના-ચાંદીના બજારમાં સૌથી મોટો સમાચાર વાયદા વેપારના માર્જિનમાં થયેલા વધારાને લઈને છે. કોમેક્સે ગોલ્ડ ફ્યુચર્સના સામાન્ય સોદા માટેનું માર્જિન 5 ટકાથી વધારીને 6 ટકા કર્યું છે. એટલે કે અગાઉ 100 ડોલરના સોદા માટે રોકાણકારે 5 ડોલર જમા કરાવવા પડતા હતા, હવે તેના માટે 6 ડોલર રાખવા પડશે. આ રીતે માર્જિનમાં 20 ટકાનો વધારો થયો છે.
ચાંદીના સામાન્ય વાયદા સોદા માટેનું માર્જિન પણ 8 ટકાથી વધારીને 9 ટકા કરવામાં આવ્યું છે. એટલે કે 100 ડોલરના સોદા માટે હવે 8 ડોલરના બદલે 9 ડોલર જમા કરાવવા પડશે. આ વધારો આશરે 12.5 ટકા છે. મોટી રકમના સોદા માટે પણ માર્જિન વધારવામાં આવ્યું છે. સોનાનું માર્જિન 5.5 ટકાથી વધારીને 6.6 ટકા અને ચાંદીનું માર્જિન 8.8 ટકાથી વધારીને 9.9 ટકા કરવામાં આવ્યું છે.
માર્જિન વધારાની રોકાણકારો પર શું અસર થશે?
માર્જિન એટલે વાયદા બજારમાં મોટો સોદો કરવા અથવા તેને ચાલુ રાખવા માટે રોકાણકારે એક્સચેન્જ પાસે જમા કરાવવાની જરૂરી રકમ. માર્જિન વધવાથી રોકાણકારોએ હવે વધુ મૂડી રોકવી પડશે. ખાસ કરીને ઓછા પૈસાથી મોટો વાયદા સોદો કરનારા રોકાણકારો પર તેની સીધી અસર થઈ શકે છે. તેમણે વધારાની રકમ જમા કરાવવી પડશે. જો તેઓ જરૂરી રકમ જમા નહીં કરાવી શકે તો તેમને પોતાના સોદા ઘટાડવા અથવા બંધ કરવાની ફરજ પડી શકે છે. પરિણામે બજારમાં વેચવાલીનું દબાણ પણ વધી શકે છે.
જેપી મોર્ગનના ભંડારમાંથી એક જ દિવસમાં 9.15 લાખ ઔંસ ચાંદી ઘટી
ચાંદીના બજારને લગતો બીજો મહત્ત્વનો સમાચાર તેના ભંડારમાં થયેલા ઘટાડાને લઈને છે. મીડિયા અહેવાલ મુજબ, જેપી મોર્ગનના ચાંદીના ભંડારમાં એક જ દિવસમાં આશરે 9.15 લાખ ઔંસ ચાંદી ઘટી છે. આ જ સમયગાળા દરમિયાન કોમેક્સના કુલ ચાંદીના ભંડારમાં પણ લગભગ 9.90 લાખ ઔંસનો ઘટાડો નોંધાયો છે.
એક તરફ ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને બીજી તરફ તેના ઉપલબ્ધ ભંડારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારના જાણકારો આ સ્થિતિને સંભવિત સપ્લાયની અછતના સંકેત તરીકે જુએ છે. ચાંદીની માંગ મજબૂત રહે અને ઉપલબ્ધ ચાંદીનો જથ્થો ઘટે તો ભવિષ્યમાં ભાવને ટેકો મળી શકે છે.
જોકે, આ દરમિયાન કોમેક્સના રજિસ્ટર્ડ સ્ટોકમાં 3.54 લાખ ઔંસનો વધારો નોંધાયો છે. રજિસ્ટર્ડ સ્ટોક એટલે વાયદા સોદાની ડિલિવરી માટે ઉપલબ્ધ અને નોંધાયેલો ચાંદીનો જથ્થો, તેમાં થયેલો વધારો વાયદા સોદાનું સેટલમેન્ટ કરવા માગતા વેપારીઓને થોડી રાહત આપી શકે છે. આમ, ચાંદીના કુલ ભંડારમાં ઘટાડો અને રજિસ્ટર્ડ સ્ટોકમાં વધારો બંને બાબતો બજાર માટે મહત્ત્વપૂર્ણ છે. આગામી દિવસોમાં ચાંદીની વાસ્તવિક ઉપલબ્ધતા અને માંગ વચ્ચેનું સંતુલન ભાવની દિશા નક્કી કરી શકે છે.

સોનું જાન્યુઆરી સુધીમાં 3,340 ડોલર સુધી ઘટી શકે છે!
સોના માટે ત્રીજો અને સૌથી ચિંતાજનક સમાચાર આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના ભાવના અંદાજને લઈને છે. સોનાના ભાવમાં હાલનું દબાણ ચાલુ રહે તો જાન્યુઆરી સુધીમાં તેનો ભાવ ઘટીને પ્રતિ ઔંસ 3,340 ડોલર સુધી આવી શકે છે. અહેવાલ મુજબ, ઓગસ્ટમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આટલા મોટા ઘટાડા છતાં બજારમાં હજુ કેટલાક એવા પરિબળો છે, જે સોનાના ભાવને વધુ નીચે લઈ જઈ શકે છે.
સોનાના ભાવ પર દબાણનાં 5 મુખ્ય કારણો
1. અમેરિકામાં વ્યાજદર વધવાની આશંકા : અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની સંભાવના સોના માટે નકારાત્મક બની શકે છે. વ્યાજદર વધે તો સરકારી બોન્ડ અને બેંક ડિપોઝિટ જેવા વિકલ્પો વધુ આકર્ષક બને છે. સોનામાંથી વ્યાજ મળતું ન હોવાથી રોકાણકારો અન્ય વિકલ્પો તરફ વળી શકે છે.
2. ડોલરની મજબૂતાઈ : અમેરિકાની મધ્યાવધિ ચૂંટણી બાદ ડોલરમાં આશરે 2 ટકાનો વધારો થયાનો અહેવાલ છે. ડોલર મજબૂત બનવાથી અન્ય દેશોના રોકાણકારો માટે સોનું મોંઘું બને છે, જે તેની માંગ પર દબાણ લાવી શકે છે.
3. સેન્ટ્રલ બેંકોની ખરીદીમાં ઘટાડો : છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી હતી, જેના કારણે ભાવને ટેકો મળ્યો હતો. હવે આ ખરીદી ધીમી પડવાની શક્યતા છે. પોલેન્ડની સેન્ટ્રલ બેંકે પોતાના સોનાના ભંડારમાં મોટો વધારો કર્યો છે, જ્યારે કઝાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો 78 ટકાથી ઘટાડીને વર્ષના અંત સુધીમાં 75 ટકા કરવાની યોજના દર્શાવી છે. તેનાથી બજારમાં સોનાના વેચાણની શક્યતા ઊભી થઈ શકે છે.
4. ગોલ્ડ ETFમાંથી નાણાં પાછાં ખેંચાવાની શક્યતા : નિષ્ણાતોના અંદાજ મુજબ, સોનામાં રોકાણ કરતા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માંથી દર મહિને આશરે 20 ટન સોનાની સમકક્ષ રોકાણની નિકાસ થઈ શકે છે. આ ઉપરાંત સોનાની લગડીઓની માંગમાં પણ 10 ટકાનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
5. શેરબજારની વેચવાલી અને રોકડની જરૂરિયાત : શેરબજારમાં મોટો ઘટાડો આવે ત્યારે રોકાણકારો નુકસાનની ભરપાઈ કરવા અથવા અન્ય રોકાણમાં વધારાની મૂડી જમા કરાવવા માટે સોનું પણ વેચી શકે છે. વાયદા બજારમાં માર્જિન વધવાથી પણ રોકાણકારોને રોકડની જરૂર પડી શકે છે. આ સ્થિતિ સોના પર વધારાનું વેચવાલીનું દબાણ ઊભું કરી શકે છે.
ભારતમાં સોનાના ભાવ 1.15 લાખથી 1.24 લાખની રેન્જમાં રહેવાની શક્યતા
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડાની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે. ભારતીય બ્રોકરેજ અને સલાહકાર સંસ્થાઓના કેટલાક અંદાજ મુજબ, સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.15 લાખથી 1.18 લાખ રૂપિયાની સપાટીએ આવી શકે છે. જ્યારે અન્ય અંદાજો મુજબ ભાવ 1.21 લાખથી 1.24 લાખ રૂપિયાની આસપાસ સ્થિર રહી શકે છે અથવા થોડા સમય સુધી આ રેન્જમાં કારોબાર કરી શકે છે. જોકે, ભારતીય બજારમાં સોનાના ભાવ પર આંતરરાષ્ટ્રીય ભાવ ઉપરાંત ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત ખર્ચ, આયાત જકાત અને સ્થાનિક માંગની પણ અસર પડે છે.
હવે રોકાણકારોએ શું ધ્યાન રાખવું?
હાલ સોના અને ચાંદી બંનેમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એક તરફ માર્જિન વધવાથી વાયદા બજારમાં રોકાણકારો પર વધારાનું નાણાકીય દબાણ ઊભું થયું છે, તો બીજી તરફ ચાંદીના ભંડારમાં ઘટાડો તેના ભાવને ટેકો આપી શકે છે. સોનાના કિસ્સામાં અમેરિકાની વ્યાજદર નીતિ, ડોલરની મજબૂતાઈ અને સેન્ટ્રલ બેંકોની ખરીદી આગામી દિવસોમાં નિર્ણાયક બની શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Iran War Effect: ભારત-ચીનની રશિયન ઓઈલની ખરીદી રેકોર્ડ સ્તરે, ભારત દરરોજ મંગાવે છે લગભગ 20 લાખ બેરલ

સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો! COMEX પર સોનું 0.73% અને ચાંદી 3.02% તૂટી

ચણાના ભાવ વધવાના એંધાણ: અલ નિનોની અસરથી ગુજરાતમાં વાવેતર ઘટીને 1.71 લાખ હેક્ટર થયું

ભારત અમેરિકામાં 8,606 ટન કાચી ખાંડની નિકાસ કરશે, જાણો સરકારના આ નિર્ણયથી કેવી રીતે થશે ફાયદો

Gold Import: સોનાની આયાતના બિલમાં 40% ઘટાડો, લગ્નસરામાં સસ્તા ભાવથી રાહતનો CTIનો દાવો

ગુજરાતમાં 30 નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ મળશે ₹8,780

Gold Testing : સોનાની શુદ્ધતા પર સવાલ! BIS હવે કડક કરશે ટેસ્ટિંગ સિસ્ટમ





