Bitcoinમાં 5 વર્ષનો ખેલ! ક્રિપ્ટો કરન્સી $59,000 પર પહોંચતા રોકાણકારોનું રિટર્ન થયું ઝીરો
2021માં $59,000 નજીક ખરીદનારાઓ ફરી એ જ સપાટીએ, 2025ના $1,26,198ના રેકોર્ડથી Bitcoinમાં 53%નો કડાકો

બિટકોઇનમાં લાંબા ગાળાના રોકાણકારો માટે ફરી એકવાર ધીરજની કસોટી શરૂ થઈ છે. એક સમયે રોકાણકારોને જંગી વળતર આપનાર વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન 25 નવેમ્બર, 2026ના રોજ આશરે $59,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઑક્ટોબર 2025માં નોંધાયેલા $1,26,198ના સર્વોચ્ચ સ્તરથી તેમાં આશરે 53 ટકાનો ઘટાડો થયો છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે માર્ચ 2021માં બિટકોઇન પ્રથમ વખત $59,000ની આસપાસ પહોંચ્યો ત્યારે ખરીદી કરીને અત્યાર સુધી હોલ્ડ કરનારા રોકાણકારોનો ડોલર આધારિત ભાવવધારો લગભગ શૂન્ય થઈ ગયો છે. એટલે કે પાંચ વર્ષથી વધુ સમય સુધી ભારે ઉતાર-ચઢાવ સહન કર્યા બાદ પણ રોકાણકારો ફરી લગભગ એ જ ભાવની સપાટીએ આવી પહોંચ્યા છે.
સંસ્થાકીય રોકાણકારોનો વિશ્વાસ પણ ડગમગ્યો?
2024 અને 2025 દરમિયાન બિટકોઇનની તેજી પાછળ અમેરિકામાં શરૂ થયેલા Spot Bitcoin ETF અને મોટી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી બિટકોઇનની ખરીદીનો મોટો ફાળો માનવામાં આવતો હતો. રોકાણકારોને આશા હતી કે વોલ સ્ટ્રીટની સંસ્થાકીય મૂડી બિટકોઇનના ભાવને મજબૂત ટેકો આપશે. પરંતુ નવેમ્બર 2026ના આંકડા અલગ જ ચિત્ર રજૂ કરે છે. Spot Bitcoin ETFમાંથી અબજો ડોલરનું રોકાણ પાછું ખેંચાયું છે. 24 નવેમ્બર સુધી અમેરિકાના Spot Bitcoin ETFમાંથી નવેમ્બર મહિનામાં કુલ આશરે $4.94 અબજનો નેટ આઉટફ્લો નોંધાયો છે. 17 ટ્રેડિંગ સેશનમાંથી 15 દિવસ આઉટફ્લો રહ્યો હતો.
BlackRockના ETF પર પણ દબાણ : BlackRockના IBIT ફંડમાંથી નવેમ્બર દરમિયાન આશરે $4.17 અબજનું નેટ રોકાણ બહાર ગયું છે.
એક જ દિવસમાં મોટો આઉટફ્લો : 20 નવેમ્બરે ETFમાંથી $669.2 મિલિયન અને 23 નવેમ્બરે $569.7 મિલિયનનું નેટ આઉટફ્લો નોંધાયું હતું.
આ આંકડા દર્શાવે છે કે સંસ્થાકીય રોકાણકારો પણ બજારની અનિશ્ચિતતા વચ્ચે પોતાની પોઝિશન ઘટાડી રહ્યા છે. ETFની હાજરી હોવા છતાં ભાવમાં ઘટાડો અટક્યો નથી. ક્રિપ્ટો Fear & Greed Index 25 નવેમ્બરે 18 પર રહ્યો હતો, જે Extreme Fearની સ્થિતિ દર્શાવે છે. આનો અર્થ એ છે કે બજારમાં રોકાણકારોની જોખમ લેવાની તૈયારી નબળી પડી છે. જોકે, બિટકોઇન નેટવર્ક પરની પ્રવૃત્તિ સંપૂર્ણપણે ઘટી ગઈ હોય એવું નથી. 24 નવેમ્બરે આશરે 6.91 લાખ Active Addresses નોંધાયા હતા. આ આંકડો 25 ઑક્ટોબરના 5.39 લાખની સરખામણીએ લગભગ 28.2 ટકા વધારે છે. અહીં ધ્યાનમાં રાખવું જરૂરી છે કે Active Addresses એટલે વાસ્તવિક રોકાણકારોની સંખ્યા નહીં, પરંતુ એક દિવસમાં બિટકોઇન મોકલનારા કે પ્રાપ્ત કરનારા અલગ-અલગ એડ્રેસની સંખ્યા છે.

ડેરિવેટિવ્સ માર્કેટમાં શું સંકેત મળી રહ્યા છે?
25 નવેમ્બરના આંકડા મુજબ બિટકોઇન વાયદામાં ઓપન ઈન્ટરેસ્ટ આશરે $38.76 અબજ હતું. છેલ્લા 24 કલાકમાં ઓપન ઈન્ટરેસ્ટમાં આશરે 1.73 ટકાનો ઘટાડો થયો હતો. Weighted Funding Rate આશરે 0.0014 ટકા હતો, જે સટ્ટાકીય તેજીની નબળી સ્થિતિ દર્શાવે છે. છેલ્લા 24 કલાકમાં વાયદા બજારમાં આશરે $102.7 મિલિયનની પોઝિશન Liquidate થઈ હતી. આ સંકેતો દર્શાવે છે કે બજારમાં લિવરેજ આધારિત સટ્ટાકીય પ્રવૃત્તિ પર દબાણ છે. જોકે, આ આંકડાઓના આધારે બજારની આગામી દિશા નક્કી થઈ શકે નહીં.
2017થી 2023ના ઇતિહાસનું પુનરાવર્તન?
બિટકોઇનના રોકાણકારો માટે આવી સ્થિતિ નવી નથી. આ પહેલાં ડિસેમ્બર 2017માં બિટકોઇન લગભગ $20,000ની સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ 2018માં તેનો ભાવ ઘટીને આશરે $3,200 થયો હતો. 2021માં ફરી તેજી આવી અને બિટકોઇન લગભગ $69,000 સુધી પહોંચ્યો હતો. પરંતુ 2022ની મંદી બાદ માર્ચ 2023માં તેનો ભાવ ફરી $20,000ની આસપાસ આવી ગયો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન અનેક વખત જંગી તેજી અને ઘટાડા છતાં લાંબા ગાળાના ખરીદદારો માટે ભાવની શરૂઆત અને અંતની સપાટી વચ્ચે ખાસ તફાવત રહ્યો નહોતો.
બિટકોઈનના રોકાણકારો માટે સૌથી મોટો પાઠ
Price Correction કરતાં Time Correction વધુ મુશ્કેલ!
સામાન્ય રીતે રોકાણકારો બજારમાં 20, 30 કે 50 ટકાના ઘટાડા માટે તૈયાર રહેતા હોય છે. પરંતુ બિટકોઇનમાં જોવા મળતું Time Correction વધુ મુશ્કેલ સાબિત થઈ શકે છે. Time Correction એટલે કોઈ એસેટના ભાવમાં લાંબા સમય સુધી ખાસ પ્રગતિ ન થવી. આ દરમિયાન રોકાણકારોએ મોટા ઉતાર-ચઢાવ સહન કરવા પડે છે, પરંતુ અંતે તેમનું રોકાણ લગભગ એ જ ભાવની આસપાસ આવી જાય છે જ્યાંથી તેમણે શરૂઆત કરી હતી.
બિટકોઇનના વર્તમાન ઘટાડા વચ્ચે એક રસપ્રદ બાબત એ છે કે 25 નવેમ્બર સુધી તેનો ભાવ 2025ના ઑક્ટોબરના સર્વોચ્ચ સ્તરથી લગભગ 53 ટકા નીચે છે. બીજી તરફ, નવેમ્બરમાં ETFમાંથી મોટા પાયે નાણાં બહાર નીકળ્યાં છે અને બજારનો Fear Index પણ Extreme Fear દર્શાવે છે. બિટકોઇનનો લાંબા ગાળાનો ઇતિહાસ જંગી તેજી માટે જાણીતો છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ રોકાણકારોને યાદ અપાવે છે કે લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવાથી નફાની કોઈ ગેરંટી મળતી નથી. પાંચ વર્ષનો સમયગાળો પણ ક્રિપ્ટો માર્કેટમાં રોકાણકારોને ઝીરો રિટર્ન આપી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Stock Market updates | 25 November: બજારની ધુઆંધાર બેટિંગ, BSE Sensex 1,500 પોઇન્ટ ઉચકાયો, નિફ્ટી 469 પોઇન્ટ વધ્યો

FMCG શેરોમાં જોરદાર તેજી, Nifty FMCG ઇન્ડેક્સ ત્રણ મહિનાથી વધુ સમયની ઊંચી સપાટીએ

2 ડિસેમ્બરથી ખુલશે ₹175.50 કરોડનો Monomark Engineering IPO, જાણો સંપૂર્ણ વિગતો

Hyundai Motor India: ભાવ વધારાની જાહેરાત બાદ હ્યુન્ડાઇના શેરમાં 2%નો કડાકો

Jupiter Wagonsના શેરમાં તેજીનું તોફાન, આંતરરાષ્ટ્રીય કરારથી 20%નો ઉછાળો

APL Apollo Tubessના શેરમાં 15% લોઅર સર્કિટ, 2 દિવસમાં શેર 33% તૂટ્યો

Insurance Stocks: વીમા શેરોમાં તેજીનો ડોઝ! IRDAIની સમીક્ષા સમિતિ બનતાં 6.5% સુધી ઉછાળો





