મોંઘવારીએ તોડ્યો 23 મહિનાનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54% અને ખાદ્ય ફુગાવો 7.74% થયો
મોંઘવારીનો મોટો ઝટકો, ઘરનું બજેટ ફરી બગડ્યું, શહેર કરતાં ગામમાં મોંઘવારીનો માર વધુ, સપ્ટેમ્બરમાં ગ્રામીણ મોંઘવારી 6.08% અને ખાદ્ય ફુગાવો 8.06% નોંધાયો, સપ્ટેમ્બરમાં દેશમાં મોંઘવારીનું દબાણ વધ્યું, ખાવા-પીવાની વસ્તુઓથી લઈ કપડાં સુધી બધાના ભાવ વધ્યા છે.

દેશમાં સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર વધીને 5.54 ટકા થઈ ગયો છે, જ્યારે ઓગસ્ટમાં તે 4.83 ટકા હતો. એટલે કે એક મહિનામાં તેમાં 0.71 ટકાનો વધારો થયો છે તેમ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલય (MoSPI)એ સોમવારે જાહેર કરેલા આંકડા પરથી જણાયું છે. મોંઘવારી વધવાનો અર્થ છે કે સામાન્ય લોકોએ દૈનિક જરૂરિયાતો પર પહેલા કરતાં વધુ ખર્ચ કરવો પડશે. ખાદ્ય મોંઘવારીમાં પણ તિવ્ર ઊછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર 5.97 ટકો હતો, જે સપ્ટેમ્બરમાં વધીને 7.74 ટકા થઈ ગયો છે. ડૂંગળી, લસણ, આદુ, લિંબુના ભાવમાં થયેલા વધારાએ ખાદ્યાન્નના ભાવ વધારામાં મહત્વનું યોગદાન આપ્યું છે. બીજીબાજુ ખાવા-પીવાની વસ્તુઓ સાથે સંકળાયેલો મોંઘવારી દર 5.66 ટકાથી વધીને 7.36 ટકાએ પહોંચી ગયો છે. આ વધારાની સીધી અસર ઘરના માસિક બજેટ પર પડી શકે છે.
શહેર અને ગામ - બંને જગ્યાએ દબાણ વધ્યું
મંત્રાલય મુજબ લેટેસ્ટ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આંકડાની ગણતરી સુધારવામાં આવેલા 2024ના બેઝ વર્ષના આધારે કરવામાં આવે છે, જે દર્શાવે છે કે મોંઘવારીમાં વધારો માત્ર શહેરો સુધી મર્યાદિત નથી રહ્યો, ગામડામાં વસ્તુઓ વધુ મોંઘી થઈ છે. શહેરી ક્ષેત્રોમાં રીટેલ મોંઘવારી દર ઓગસ્ટના 4.31 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 4.88 ટકા થયો છે. ગ્રામીણ વિસ્તારમાં તે 5.24 ટકાથી વધીને 6.08 ટકાએ પહોંચ્યો છે. ગ્રામીણ ભારતમાં ખાદ્ય ફુગાવો 8.06 ટકા થયો છે જ્યારે શહેરી વિસ્તારોમાં 7.18 ટકા છે. આ આંકડાઓથી ખ્યાલ આવે છે કે ગામોમાં મોંઘવારીનું દબાણ શહેરોની સરખામણીએ વધુ છે.
ટ્રાન્સપોર્ટથી લઈને કપડાં સુધી વધી મોંઘવારી
સપ્ટેમ્બરમાં ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલો મોંઘવારી દર 4.60 ટકાથી વધીને 5.01 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય સંબંધિત મોંઘવારી 1.34 ટકાથી વધીને 1.40 ટકા થઈ છે. હાઉસિંગ યુટિલિટીનો મોંઘવારી દર પણ 2.61 ટકાથી વધીને 2.74 ટકાએ પહોંચી ગયો છે.
કપડાં અને જૂતા-ચપ્પલોનો મોંઘવારી દર 3.56 ટકાથી વધીને 3.93 ટકા થઈ ગયો છે. પાન અને તમાકુ સાથે સંકળાયેલો મોંઘવારી દર 4.71 ટકાથી વધીને 4.8 ટકા થયો છે. બીજીબાજુ ફર્નિશિંગ અને ઘરેલુ ઉપકરણોનો મોંઘવારી દર 3.11 ટકા નોંધાયો છે. એકંદરે સપ્ટેમ્બરના આંકડા જણાવે છે કે મોંઘવારીનું દબાણ વધ્યું છે. આગામી સમયમાં ખાવા-પીવાની અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવ પર લોકોની નજર રહેશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય

શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ

ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર; IMFએ GDP વૃદ્ધિ અંદાજ વધારી 7% કર્યો

બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ સેક્ટરના ડીલના વેલ્યુમાં જંગી વધારોઃ 129 ટકા વધી 7.3 અબજ ડોલર

સોના-ચાંદીમાં ફરી તેજી, પણ ‘ફેડ’નો ડર યથાવત્




