Crypto Currency Platforms : વિદેશી ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મ્સ પર સરકારની તવાઈ
કેન્દ્ર સરકારે 15 વિદેશી પ્લેટફોર્મને ફટકારી નોટિસ, એપ્સ અને વેબસાઈટ્સ કરવા પડશે બંધ

નવી દિલ્હી : ભારત સરકારે મની લોન્ડરિંગ કાયદાનો ભંગ કરનારા વિદેશી ક્રિપ્ટો પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. નાણામંત્રાલય હેઠળ કામ કરતા ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયા (FIU-IND)એ બુધવારે 15 વિદેશી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઈડર્સને મની લોન્ડરિંગ વિરોધી કાયદાનું પાલન નહીં કરવા બદલ નોટિસ ફટકારી છે. તેમના પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA હેઠળ જરૂરી નિયમોનું પાલન નહીં કરવાનો આરોપ છે. આ સાથે ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ(IT ACT) હેઠળ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ આ બધા જ વિદેશી પ્લેટફોર્મ્સને તેમની એપ્લિકેશન્સ અથવા વેબસાઈટ્સ જાહેર એક્સેસ માટે બંધ કરવા નિર્દેશ આપ્યા છે.
FIU-INDએ જે પ્લેટફોર્મ્સને નોટિસ ફટકારી છે તેમાં વીક્સ (Weex), બ્લોફિન (Blofin), રેઝોરેક્સ (Rezorex), બિટયુનિક્સ (Bitunix), ડિજિફાઈનેક્સ (DigiFinex), ટૂ-બિટ (Toobit), એક્સટી ડોટ કોમ (XT.com), લાટોકન (Latoken), વૂ એક્સ (WOO X), પિઓનેક્સ (Pionex), ચેન્જનાઉ (ChangeNow), સિમ્પલસ્વેપ (SimpleSwap), ફિક્સફ્લોટ (FixedFloat), વ્હાઈટબિટ (WhiteBIT) અને ગાર્ડિયન (Guardarian)નો સમાવેશ થાય છે.
વિદેશી પ્લેટફોર્મ્સ પર સરકારી કાર્યવાહીનું કારણ
માર્ચ 2023માં ભારત સરકારે બધા જ ક્રિપ્ટો અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઈડર્સને એન્ટી-મની લોન્ડરિંગ અને આતંકવાદ ફન્ડિંગ વિરોધ માળખાના દાયરામાં લાવી દીધા હતા. નિયમો મુજબ ભારતીય વપરાશકારોને સેવાઓ આપતા દરેક એક્સચેન્જે FIU-IND સાથે રિપોર્ટિંગ એન્ટીટી તરીકે રજિસ્ટર થવું જરૂરી હતું. ભારતમાં હોય કે વિદેશમાં બધી જ એન્ટીટી માટે આ નિયમ ફરજિયાત હતો. આ પ્લેટફોર્મ્સ માટે કેવાયસી (KYC) રેકોર્ડ રાખવા, શંકાસ્પદ નાણાકીય પ્રવૃત્તિઓની માહિતી આપવી અને લેવડ-દેવડની વિગતો સુરક્ષિત રાખવી ફરજિયાત હતા, જેનું પાલન આ 15 પ્લેટફોર્મ કરતા નહોતા.
નાણામંત્રાલયની ભારતીયોને ચેતવણી
નાણામંત્રાલયે ફરી એક વખત જનતા અને રોકાણકારોને ચેતવણી આપતા કહ્યું કે ક્રિપ્ટો સંપત્તિઓ અને એનએફટી (NFTs) સંપૂર્ણપણે અનિયંત્રિત અને અત્યાધિક જોખમવાળા ઉત્પાદનો છે. આવા ગેરકાયદે અથવા અનિયમિત પ્લેટફોર્મ્સ પર લેવડ-દેવડ કરવાથી થતા કોઈપણ નુકસાનની ભરપાઈ માટે કોઈ કાયદાકીય અથવા નિયામક સુરક્ષા ઉપલબ્ધ નથી.
ભારતમાં વેબસાઈટ-એપ થશે બ્લોક
FIU-INDની આ કાર્યવાહીનો મુખ્ય આશય આ 15 વિદેશી એક્સચેન્જોને ભારતીય ઈન્ટરનેટ નેટવર્ક (URLs) અને સ્થાનિક એપ સ્ટોર્સ (ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર) પર બ્લોક કરવાનો છે. સરકારે પ્રત્યક્ષરૂપે કોઈપણ ભારતીય યુઝરના ફંડને ફ્રીઝ અથવા જપ્ત નથી કર્યા. જોકે, પાછલા મામલાઓના આધારે ભારતીય રોકાણકારોના ફંડ્સ અને વીથડ્રોઅલ પર વ્યાવહારિક અસર જોવા મળી શકે છે.
ભારતીય રોકાણકારોનું ફંડ્સ સુરક્ષિત, પરંતુ એક્સેસ મુશ્કેલ
ક્રિપ્ટો કરન્સીના આ 15 વિદેશી એક્સચેન્જોમાં રોકાણ કરનારા ભારતીય રોકાણકારોના ફંડ્સ સુરક્ષિત છે, પરંતુ તેમનું એક્સેસ મુશ્કેલ થઈ જશે. સરકારે એક્સચેન્જોને ભારતમાં તેમની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે તેનાથી રોકાણકારોના નાણાં ડૂબી જતા નથી. હકીકતમાં રોકાણકારોના નાણઆં અથવા ક્રિપ્ટો ટોકન બ્લોકના કારણ દૂર થતા નથી. તે એક્સચેન્જના વોલેટમાં જ રહે છે. જોકે તેના સુધી તેમની પહોંચ મુશ્કેલ થઈ જાય છે. સરકારના નિર્દેશથી એરટેલ, જિયો જેવા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ આ URLsને બ્લોક કરે અને એપ સ્ટોર્સ પરથી એપ હટી જાય પછી ભારતીય આઈપી એડ્રેસથી પ્લેટફોર્મ ખોલવા અથવા લોગ-ઈન કરવાનું બંધ થઈ જશે.
વિદેશી એક્સચેન્જમાંથી વીથડ્રો મુશ્કેલ થઈ જશે
વધુમાં અનરજિસ્ટર્ડ વિદેશી એક્સચેન્જો પરથી સીધા જ ભારતીય બેન્ક ખાતામાં રૂપિયા વીથડ્રો કરવાની સુવિધા હોતી નથી. એવામાં વેબસાઈટ બ્લોક થઈ જાય અને એપ સ્ટોરમાંથી એપ હટી જાય પછી તેને વીથડ્રો કરવા મુશ્કેલ થઈ જાય છે. અનેક યુઝર્સ એક્સેસ બ્લોક થઈ ગયા પછી VPNનો ઉપયોગ કરતા હોય છે. જોકે,અનેક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ VPN ઉપયોગ પર વધારાનું સુરક્ષા વેરિફિકેશન લગાવી દે છે, જેનાથી એકાઉન્ટ અસ્થાયીરૂપે લોક થઈ શખે છે. નાણાંમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ પ્લેટફોર્મ્સ પર કોઈપણ વીથડ્રો વિવાદ અથવા નુકસાન માટે ભારત સરકાર અથવા કોઈપણ નિયામક તરફથી કોઈ મદદ નહીં મળે.
ભારતીય રોકાણકારો આ જરૂરી પગલાં લઈ શકે
આ વિદેશી પ્લેટફોર્મ્સ સંપૂર્ણપણે બ્લોક થઈ જાય તે પહેલાં ભારતીય રોકાણકારો તુરંત લોગિન કરીને તેમનું એકાઉન્ટ ચેક કરી શકે છે અને નાણાં ટ્રાન્સફ કરી શકે. ફંડ્સને એક્સચેન્જના વોલેટમાં રાખવાના બદલે તુરંત પોતાના અંગત હાર્ડવેર વોલેટ, નોન-કસ્ટોડિયલ વોલેટ અથવા કોઈ પ્લેટફોર્મ પર વીથડ્રો કરી શકે છે. જોકે, ભારતીય યુઝર્સે અત્યારે આ પ્લેટફોર્મ્સ પર P2P ટ્રેડિંગ કરવાનું ટાળવું જોઈએ. તેનાથી બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવા અથવા સાઈબર ક્રાઈમ નોટિસ આવવાનું જોખમ વધી જાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે સેન્સેક્સ 813 પોઇન્ટ અને નિફ્ટી 204 પોઇન્ટ તૂટ્યા
- ઓપી ભટ્ટનું રાજીનામુઃ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટરનું ટર્મ પૂરી કર્યા વગર રાજીનામુ આપવાનું ચલણ વધ્યું
- Crude Oil Price : ક્રૂડ ઓઈલ 100 ડોલર નજીક પહોંચ્યું
- આઇટી શેરોમાં સળંગ છઠ્ઠા દિવસે વેચવાલીઃ કોફોર્જ 9 ટકા, TCS 6 ટકા તો ઇન્ફોસિસ 4 ટકાથી વધુ તૂટ્યો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
