કેટરિનાની Kay Beautyનું વેચાણ ₹350 કરોડને પાર: મહિલાઓને આપ્યો Finacial Freedomનો મંત્ર
2019માં Nykaa સાથે શરૂ કરાયેલી Kay Beautyનું વેચાણ ₹350 કરોડને પાર પહોંચ્યું છે. થોડા દિવસો અગાઉ લંડનના પ્રીમિયમ બ્યુટી રિટેલર Space NKમાં બ્રાન્ડનું લોન્ચિંગ કરી આંતરરાષ્ટ્રીય વિસ્તરણ તરફ વધુ એક પગલું ભર્યુ છે. કેટરિના કૈફએ મહિલા ઉદ્યોગસાહસિકોને પોતાના રસને વ્યવસાયમાં બદલવા, પોતાની નિર્ણયશક્તિ પર વિશ્વાસ રાખવા અને પોતાને પ્રોત્સાહિત કરવાની સલાહ આપી છે.

Kay Beauty: બોલિવૂડમાં પોતાના અભિનય, ડાન્સ દ્વારા સૌને પોતાના દિવાના કરી દેતી અભિનેત્રી કેટરિના કૈફની બ્યુટી બ્રાન્ડ Kay Beautyએ ₹350 કરોડથી વધુનું વેચાણ નોંધાવ્યા બાદ લંડનના Space NKમાં પ્રવેશ કર્યો છે. Nykaa સાથે ઑક્ટોબર, 2019માં શરૂ થયેલી આ બ્રાન્ડ કેટરિનાના મેકઅપ પ્રત્યેના રસમાંથી જન્મી છે. લંડનના લોન્ચિંગ પ્રસંગે અભિનેત્રીએ ઉદ્યોગસાહસિકતા, નાણાકીય સ્વતંત્રતા, નિર્ણયોની જવાબદારી અને ઑનલાઇન ટીકાઓ વચ્ચે આત્મવિશ્વાસ જાળવવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે.
પડદા પરના મેકઅપથી પોતાના બિઝનેસ સુધી
ફિલ્મના સેટ પર મેકઅપનો હેતુ કોઈ પાત્રને પડદા પર જીવંત કરવાનો હોય છે. પરંતુ કેટરિના કૈફ માટે મેકઅપ સાથેનો સંબંધ અભિનય પૂરતો મર્યાદિત રહ્યો નથી. વર્ષો સુધી મેકઅપ આર્ટિસ્ટ, સ્ટાઇલિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ સાથે કામ કરવાના અનુભવે તેમને આ ક્ષેત્રની સમજ આપી. એ જ રસ આગળ જતાં પોતાના વ્યવસાયનો આધાર બન્યો. આજે અભિનેત્રી કમ ઉદ્યોગસાહસિક બ્યુટી બ્રાન્ડ Kay Beautyનું વેચાણ ₹350 કરોડને પાર પહોંચ્યું છે. હવે બ્રાન્ડે લંડનના Space NKમાં લોન્ચિંગ સાથે પોતાના વિસ્તરણમાં વધુ એક સીમાચિહ્ન ઉમેર્યું છે.
એક તરફ સોશિયલ મીડિયા પર તેમના દેખાવ અને પ્રસૂતિ પછી વધેલા વજન અંગે ચર્ચા તથા અનિચ્છનીય ટિપ્પણીઓ થઈ રહી હતી, ત્યારે બીજી તરફ કેટરિના પોતાના વ્યવસાયને આગળ વધારવામાં વ્યસ્ત હતાં. લંડનના કાર્યક્રમમાં પણ તેમની વાતોના કેન્દ્રમાં ઉદ્યોગસાહસિકતા, નાણાકીય સ્વતંત્રતા અને પોતાની ક્ષમતા પર વિશ્વાસનો મુદ્દો રહ્યો.
Nykaa સાથે શરૂઆત, હવે વિદેશી ગ્રાહકો સુધી પહોંચવાની તક
Kay Beautyની શરૂઆત ઑક્ટોબર, 2019માં Nykaa સાથે ભાગીદારીમાં થઈ હતી. સેલિબ્રિટીના સમર્થનવાળી કોસ્મેટિક્સ બ્રાન્ડ તરીકે શરૂ થયેલો આ વ્યવસાય કેટરિનાના મેકઅપ, સૌંદર્ય અને પોતાની આગવી ઓળખ વ્યક્ત કરવા પ્રત્યેના રસ સાથે જોડાયેલો છે. ₹350 કરોડથી વધુના વેચાણ સુધી પહોંચ્યા બાદ હવે Space NKમાં પ્રવેશ બ્રાન્ડને ભારતની બહારના ગ્રાહકો સુધી પહોંચવાની તક આપે છે. Space NK બ્રિટનનું બ્યુટી રિટેલર છે, જે પસંદગીના પ્રીમિયમ બ્યુટી અને સ્કિનકેર ઉત્પાદનો માટે જાણીતું છે. આવી રિટેલ ચેઇનમાં સ્થાન મેળવવું ભારતીય બ્યુટી બ્રાન્ડ માટે નવા બજારમાં ગ્રાહકો સુધી પહોંચવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે.

‘જે કામ પ્રત્યે લગાવ હોય, તેને વ્યવસાયમાં બદલો’
બિઝનેસ ઊભો કરવા માટે જાણીતા ચહેરાની ઓળખ સાથે પ્રતિબદ્ધતા, બજારની સમજ અને પરિસ્થિતિ યોજના પ્રમાણે ન ચાલે ત્યારે નિર્ણય લેવાની ક્ષમતા પણ જરૂરી બને છે. વ્યવસાય શરૂ કરવા ઇચ્છતી મહિલાઓ માટે કેટરિનાની સલાહ પોતાના સાચા રસને ઓળખવાથી શરૂ થાય છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, “તમે જે કામ પ્રત્યે ખરેખર ઉત્સાહી હો તેને તમારા વ્યવસાયમાં બદલી શકો, તો હું માનું છું કે સફળતા મળશે, કારણ કે તમે જે કરો છો તેમાં તમને આનંદ મળશે.” માત્ર રસ કે ઉત્સાહથી વ્યાવસાયિક સફળતાની ખાતરી મળતી નથી. જોકે, રોજના લાંબા કામકાજ, અનિશ્ચિતતા અને કંપની ચલાવવાની જવાબદારીઓ વચ્ચે પોતાના કામ પ્રત્યેનો લગાવ આગળ વધવામાં મદદરૂપ બની શકે છે. કેટરિનાની પોતાની સફરમાં પણ આ જોડાણ જોવા મળે છે. ફિલ્મોમાં કામ કરતાં તેમને મેકઅપ, બ્યુટી પ્રોડક્ટ્સ અને કેમેરા સામેની જરૂરિયાતોની સમજ મળી. આ અનુભવને તેમણે પોતાની બ્રાન્ડ વિકસાવવામાં ઉપયોગમાં લીધો છે.
અભિનેત્રી અને ઉદ્યોગસાહસિકની જવાબદારીમાં શું ફરક છે?
કેમેરા સામે કામ કરવાનો લાંબો અનુભવ હોવા છતાં કેટરિના માને છે કે કંપની ચલાવવાની જવાબદારી અલગ છે. ફિલ્મના સેટ પર સર્જનાત્મક પ્રક્રિયાનું નેતૃત્વ ડિરેક્ટર કરે છે. પોતાના વ્યવસાયમાં રોજિંદી પસંદગીઓ અને નિર્ણયોની જવાબદારી પોતે લેવી પડે છે. અભિનેત્રીએ સમજાવ્યું કે, “અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક વચ્ચેનો મુખ્ય ફરક એ છે કે અભિનેત્રી તરીકે તમે સેટ પર જાઓ ત્યારે ડિરેક્ટર સમગ્ર કામનું નેતૃત્વ કરે છે. ઉદ્યોગસાહસિક તરીકે તમે દરરોજ પસંદગીઓ કરો છો અને નિર્ણયો લો છો. તેમાં ઘણી જવાબદારી હોય છે. તેથી તમારે તમારી અંદરની સમજ પર ખરેખર વિશ્વાસ રાખવો પડે છે.”
અભિનયમાં પાત્રને સમજવું અને ડિરેક્ટર સાથે મળીને કામ કરવું મહત્વનું છે. ઉદ્યોગસાહસિકતામાં નિર્ણયોની અસર કંપનીની દિશા, ઉત્પાદનો અને વૃદ્ધિ પર પડી શકે છે. કેટરિના માટે પોતાની નિર્ણયશક્તિ પર વિશ્વાસ રાખવો વ્યવસાયિક સફરનો મહત્વપૂર્ણ ભાગ બન્યો છે. જાણીતા વ્યવસાયમાંથી નવા ક્ષેત્રમાં પ્રવેશ કરતી વખતે વિચારવાની રીત પણ બદલવી પડે છે.

દેખાવ પરની ટીકાઓ વચ્ચે કામ પર ધ્યાન
Kay Beautyની આ વ્યવસાયિક સિદ્ધિ એવા સમયે સામે આવી છે, જ્યારે કેટરિનાને પ્રસૂતિ પછી વધેલા વજન અંગે સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક યુઝર્સે તેમના દેખાવ વિશે અનિચ્છનીય ટિપ્પણીઓ કરી હતી. કેટરિનાએ આ ચર્ચાને પોતાની કામગીરીની દિશા નક્કી કરવા દેવાને બદલે કંપની અને કામ પર ધ્યાન ચાલુ રાખ્યું છે. ઇન્ટરનેટ પર ખાસ કરીને મહિલા સેલિબ્રિટીઓના દેખાવ, વ્યક્તિગત પસંદગીઓ અને વ્યવસાયિક નિર્ણયો અંગે સતત અભિપ્રાયો વ્યક્ત થતા રહે છે. લંડનમાં Kay Beautyના લોન્ચિંગ પ્રસંગે કેટરિનાએ જણાવ્યું કે આવી ટીકાઓને પોતાના નિર્ણયો પર હાવી થવા દેવાથી આગળ વધવું મુશ્કેલ બની શકે છે.
કેટરિના કૈફએ મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપતા જણાવ્યું કે, “જો હું બીજાને મારા નિર્ણયો નક્કી કરવા દઉં, તો મને લાગે છે કે હું ડરથી એવી જકડાઈ જાઉં કે જીવનમાં કે તેના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી જ ન શકું. તમારે પોતાને સૌથી વધુ પ્રોત્સાહન આપનાર વ્યક્તિ બનવું પડે.”
વ્યવસાયિક જીવનમાં નવી તક અજમાવતી મહિલાઓ માટે તેમનો આ સંદેશ આત્મવિશ્વાસ સાથે જોડાયેલો છે. ટીકા વચ્ચે પણ પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો અને નિર્ણય લેવાની હિંમત જાળવવી—કેટરિનાની ઉદ્યોગસાહસિક સફરમાં આ વિચારને મહત્વનું સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો: Paris Fashion Weekમાં ઐશ્વર્યા રાયનો Luxury અવતાર, L’Oréal માટે ભારત બન્યું મોટું માર્કેટ
આ પણ જુઓ:







