KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Copper Price Today : 7 મહિનાના તળિયેથી તાંબું ઊછળ્યું, શું ફરી તેજી આવશે

LME Copper 1.3% વધીને $12,636.50 પ્રતિ ટન પહોંચ્યું; ડોલરની મજબૂતી, ચીનની માગ અને AI સેક્ટરની ચિંતા હજુ પડકાર, તાંબાના ભાવમાં 6%ના કડાકા બાદ ઉછાળો, હવે ચીન અને ડોલર પર રહેશે નજર

Kuberanow DeskPublished On : 19 Nov 2026
Copper Price.png
AI Generated Image

લંડન મેટલ એક્સચેન્જ (LME) પર તાંબાના ભાવમાં સતત ઘટાડા બાદ આજે આંશિક રિકવરી જોવા મળી છે. બુધવારે તાંબાના ભાવમાં લગભગ 6 ટકાનો મોટો કડાકો નોંધાયા બાદ ગુરુવારે ભાવમાં સુધારો થયો હતો. જોકે, વૈશ્વિક બજારમાં હજુ પણ તાંબાના ભાવ પર દબાણ યથાવત છે.


LME Copperના આજના ભાવ

LMEના સત્તાવાર ભાવના આંકડા મુજબ ત્રણ મહિનાના તાંબાના વાયદામાં 1.3 ટકાનો વધારો નોંધાયો હતો અને ભાવ પ્રતિ ટન 12,636.50 ડોલર સુધી પહોંચ્યો હતો. અગાઉના સત્રમાં ભાવ એપ્રિલ 2026 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા હતા. 19 નવેમ્બરે કેશ કોપરનો ભાવ પ્રતિ ટન 12,748થી 12,750 ડોલર અને ત્રણ મહિનાના કોન્ટ્રાક્ટનો ભાવ 12,772.50થી 12,773.50 ડોલર નોંધાયો હતો. જ્યારે અગાઉના સત્રનો ત્રણ મહિનાનો ક્લોઝિંગ ભાવ 12,471 ડોલર પ્રતિ ટન રહ્યો હતો.


તાંબાના ભાવમાં ઘટાડા પાછળનાં કારણો

લંડન મેટલ એક્સચેન્જ (LME)માં કોપરના બેન્ચમાર્ક બુધવારે ઘટીને 7 એપ્રિલ પછી સૌથી નીચા સ્તરે પહોંચી ગયો. તાંબાના ભાવમાં તાજેતરના ઘટાડા પાછળ અમેરિકી ડોલરની મજબૂતી, ચીનની ઔદ્યોગિક માંગ અંગેની ચિંતા અને AI સંબંધિત શેરોમાં વેચવાલી મુખ્ય કારણો રહ્યાં છે. ખાસ કરીને AI ડેટા સેન્ટરના વિસ્તરણ અને તેમાં તાંબાની ભવિષ્યની માંગ અંગે રોકાણકારોમાં સાવચેતી જોવા મળી રહી છે. ચીન વિશ્વનો સૌથી મોટો તાંબાનો વપરાશકાર દેશ હોવાથી ત્યાંની આર્થિક સ્થિતિ અને ઔદ્યોગિક માંગની અસર આંતરરાષ્ટ્રીય ભાવ પર સીધી પડે છે. આ કારણોથી કોપરના સપ્લાયમાં અછત અંગેની ચિંતાઓની અસર પણ ઘટી ગઈ. કોપરના ભાવ બુધવારે સાત મહિનાના નીચા સ્તરે પહોંચી ગયા હતા, જે એપ્રિલ 2025માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફની જાહેરાત પછી એક દિવસમાં કોપરના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.


અમેરિકન ડોલરમાં મજબૂતી અને વ્યાજદર વધવાની આશંકા

અમેરિકન ડોલર ગુરુવારે 19 મહિનાના ઊંચા સ્તર નજીક કારોબાર કરી રહ્યો હતો. તેનું એક મોટું કારણ અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સ અને ફેડના અધિકારીઓની ટીપ્પણીઓ છે. તેનાથી સંકેત મળે છે કે આગામી સમયમાં અમેરિકામાં વ્યાજ દરો વધારવામાં આવી શકે છે. હકીતમાં FOMCની મિટિંગ્સની મિનિટ્સથી ખ્યાલ આવે છે કે અમેરિકન કેન્દ્રીય બેન્કના અધિકારીઓની મોંઘવારી અંગેની ચિંતા વધી રહી છે.


અધિકારીઓનું માનવું છે કે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વધુ આકરાં પગલાં ઉઠાવવા પડી શકે છે. જોકે, પાછલી બેઠકમાં ફેડે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નહોતા. ડોલર મજબૂત થવાથી સામાન્ય રીતે કોપર જેવી કોમોડિટીની ખરીદી એવા દેશો માટે મોંઘી થઈ શકે છે, જેમની કરન્સી ડોલરની સરખામણીએ નબળી છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરની માગ પર દબાણ આવી શકે છે. આ કારણથી જ ડોલરની મજબૂતીને કોપરના ભાવમાં ઘટાડાનું એક મહત્વનું કારણ માનવામાં આવે છે.


ચીનના અર્થતંત્ર અંગે વધી ચિંતા

બીજીબાજુ કોપરના ભાવમાં ઘટાડાનું અન્ય એક મહત્વનું કારણ ચીનના અર્થતંત્ર અંગે વધેલી ચિંતા છે. ચીન દુનિયાના મુખ્ય ઔદ્યોગિક બજારોમાંથી એક છે અને ત્યાં કોપરની માગનો મોટો હિસ્સો કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલો છે. વિશ્લેષકોનું માનવું છે કે ચીનમાં પ્રોપર્ટી સેક્ટરમાં લાંબા સમયથી સુસ્તી જોવા મળી રહી છે. તેની અસર કોપરની માગ પર પડી શકે છે. હકીકતમાં કોપરનો ઉપયોગ ઈમારતોના કન્સ્ટ્રક્શન, ઈલેક્ટ્રિકલ વાયરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા કામોમાં મોટાપાયે થાય છે. એવામાં ચીનમાં રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શ એક્ટિવિટીઝમાં નરમાઈ જળવાઈ રહેશે તો કોપરનો વપરાશ પણ ઘટી શકે છે. માગમાં અછતની આશંકાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવ પર દબાણ વધી શકે છે.


AI કંપનીઓના શૅરોમાં વેચવાલીની અસર

કોપરના ભાવમાં ઘટાડાનું એક કારણ એઆઈ સાથે સંકળાયેલી કંપનીઓના શૅરોમાં આવેલી તિવ્ર વેચવાલી પણ છે.તાજેતરના સમયમાં AI ટેક્નોલોજી અંગે રોકાણકારોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કારણે આ કંપનીઓ નવા ડેટા સેન્ટર બનાવવા અને ટેક્નોલોજી સાથે સંકળાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટાપાયે રોકાણ કરી રહી હતી. જોકે, હવે AI સાથે સંકળાયેલી કંપનીઓના શૅરોમાં વેચવાલીના કારણે આ રોકાણની ગતિ અને તેનાથી મળનારા સંભવિત રિટર્ન અંગે ચિંતાઓ વધી ગઈ છે. તેનાથી નવા ડેટા સેન્ટર બનાવવા પર થનારા ખર્ચમાં ઘટાડો આવવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. કોપરનો ઉપયોગ ડેટા સેન્ટરમાં વીજળી પહોંચાડતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં મોટાપાયા પર થાય છે. તેથી AI સાથે સંકળાયેલા રોકાણમાં અછતની આશંકાની અસર પણ કોપરની માગ પર પડી શકે છે.


ભારતીય બજાર પર શું અસર થશે?

આંતરરાષ્ટ્રીય બજારમાં તાંબાના ભાવમાં ઘટાડાની અસર ભારતીય MCX બજાર પર પણ જોવા મળી શકે છે. તાંબાના ભાવ ઘટવાથી કેબલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને એર કન્ડિશનર બનાવતી કંપનીઓના કાચા માલના ખર્ચમાં રાહત મળી શકે છે. જોકે, ભારતીય બજારમાં તાંબાના ભાવ નક્કી કરતી વખતે ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત ખર્ચ અને સ્થાનિક માંગ પણ મહત્વની રહેશે.


બજારના નિષ્ણાતો માટે હવે અમેરિકી ડોલરની ચાલ, ચીનની માંગ અને વૈશ્વિક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ મહત્વના પરિબળો રહેશે. તાજેતરના ઘટાડા બાદ આવેલી રિકવરીને હાલ પૂરતી રાહત તરીકે જોવામાં આવી રહી છે; તેને તેજીના નવા ટ્રેન્ડની શરૂઆત માનવી વહેલી ગણાશે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn