KuberaNowLogo
Thursday, 05/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

ડેમોક્રેટ્સની જીતથી ઈરાન સાથે યુદ્ધ વહેલું ખતમ થવાની આશા, હોર્મુઝમાંથી સપ્લાય વધવાની શક્યતાથી ક્રૂડના ભાવ પર દબાણ વધ્યું, Saudi Aramcoના વધતા ઉત્પાદનથી વૈશ્વિક ઓઈલ માર્કેટમાં વધારાના સપ્લાયની ચિંતા.

kuberanow deskPublished On : 5 Nov 2026
CrudeOill
AI Generated Image

અમેરિકામાં મધ્યવર્તિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની ભવ્ય વિજય પછી ઈરાન સાથે યુદ્ધ વહેલી તકે પૂરું થવાની આશા વધી છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર કડાકો બોલાયો છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ બે મહિનાના નીચા સ્તરે પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે આવેલા મોટા કડાકાની અસર ગુરુવારે પણ જોવા મળી છે.


બ્રેન્ટ ક્રૂડ વાયદો બુધવારે અંદાજે 10 ટકા ગગડીને પ્રતિ બેરલ 100 ડોલર નીચે આવી ગયો હતો જ્યારે કારોબાર સમયે તેના ભાવ ઘટીને પ્રતિ બેરલ 93.22 ડોલરે ગગડ્યા હતા, જે પાછલા બે મહિનાનું સૌથી નીચલું સ્તર છે. ગુરુવારે પણ બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડાની અસર ચાલુ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજાર Comex પર બ્રેન્ટ ક્રૂડ ગુરુવારે 94.620ના સ્તરે ખૂલ્યો હતો અને આ લખાય છે ત્યારે 0.47 ટકાના ઘટાડા સાથે 94.180 ડોલરે ટ્રેડ થઈ રહ્યો છે. એ જ રીતે અમેરિકન ક્રૂડ ઓઈલ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) પણ બુધવારે પ્રતિ બેરલ 90 ડોલર નીચે ગગડ્યો હતો. ગુરુવારે WTI 88.050ના સ્તરે ખૂલ્યો હતો અને આ લખાય છે ત્યારે 1.09 ટકાના ઘટાડા સાથે 87.160ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલમાં આ કડાકો અમેરિકાના મધ્યવર્તિ ચૂંટણીના પરિણામો પછી આવ્યો છે. રોકાણકારોને આશા છે કે ડેમોક્રેટિક પાર્ટીના વિજયથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન સાથે ચાલતું યુદ્ધ ખતમ કરવાનું દબાણ વધી શકે છે. આવું થશે તો પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઈલના સપ્લાયમાં વધુ સુધારો થઈ શકે છે.


અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં આવ્યો કડાકો

અમેરિકામાં મધ્યવર્તિ ચૂંટણી સમયે મોંઘવારી અને ઈરાન સાથે ચાલતા યુદ્ધ મોટા મુદ્દા હતા. અનેક મહિનાઓથી ચાલી રહેલા આ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે રિપબ્લિકન પાર્ટીના પરાજય માટે વિદેશમાં ચાલતા યુદ્ધને જવાબદાર ઠેરવ્યા. તેમના આ નિવેદન પછી ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો વધુ તિવ્ર થયો હતો.


બીજીબાજુ અમેરિકન સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા ચક શૂમરે યુદ્ધ ખતમ કરવાની દિશામાં પગલાં ઉઠાવવાની વાત કરી છે. તેમનો દાવો છે કે કેટલાક રિપબ્લિકન સાંસદ પણ આ પ્રયત્નનું સમર્થન કરી શકે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે, હાલ પશ્ચિમ એશિયામાં સૈન્ય કાર્યવાહી વધારવાની તેમની કોઈ યોજના નથી. આ ઘટનાક્રમોથી રોકાણકારોને લાગે છે કે ઈરાન સાથે યુદ્ધ આશા કરતાં વહેલું ખતમ થઈ શકે છે.


હોર્મુઝની ખાડીમાંથી સપ્લાય વધવાની આશા

ઈરાન યુદ્ધસમયે હોર્મુઝની ખાડીમાંથી ઓઈલના પરિવહન પર અસર થઈ હતી, જે સમુદ્રી માર્ગ વૈશ્વિક ઓઈલ સપ્લાય માટે અત્યંત મહત્વનો છે. યુદ્ધ ખતમ કરવાની દિશામાં કોઈ સમજૂતી થાય છે તો આ માર્ગથી ક્રૂડ ઓઈલનું પરિવહન વધી શકે છે. તેનાથી વૈશ્વિક બજારમાં સપ્લાય અંગે ચિંતા ઘટી જશે. ઊર્જા બજાર સાથે સંકળાયેલી કંપની આઈસીઆઈએસના નિર્દેશક અજય પરમારે કહ્યું કે, અમેરિકન ચૂંટણીના પરિણઆમો અને ઈરાનની આર્થિક સ્થિતિ જોતા હવે બંને દેશ વચ્ચે સમજૂતીની સંભાવના વધુ જોવા મળી રહી છે. ચૂંટણી પછી ટ્રમ્પની રાજકીય તાકાત ઘણી નબળી થઈ ગઈ છે.જોકે, યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલમાં આ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 50 ટકાની તેજી આવી ગઈ હતી. એવામાં તણાવ ઘટવાની આશાથી ભાવ પર દબાણ વધ્યું છે.


મોટા રોકાણકારોની વેચવાલીથી કડાકો તિવ્ર બન્યો

ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકાનું મહત્વનું કારણ મોટા રોકાણકારો અને કમ્પ્યુટર આધારિત ટ્રેડિંગ સિસ્ટમની વેચવાલી પણ રહી. કેપ્લરના બ્રિજટન રિસર્ચ ગ્રૂપના આંકડા મુજબ બજારના ટ્રેન્ડના આધારે કારોબાર કરનારા કોમડિટી ટ્રેડિંગ એડવાઈઝર્સે બ્રેન્ટ ક્રૂડમાં તેજીની આશાવાળા પોતાના સોદાનો હિસ્સો કારોબારી સત્રની શરૂઆતમાં 73 ટકા ઘટાડીને અંદાજે 55 ટકા કરી નાંખ્યો. આ પ્રકારના ટ્રેડિંગમાં ભાવ ઘટાડા પર વેચવાલી વધી શકે છે. તેનાથી બજારમાં ઉતાર-ચઢાવ તિવ્ર થઈ જાય છે.


Crude Oil infog


વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય વધવાની આશા

છેલ્લા કેટલાક સમયમાં ક્રૂડ ઓઈલની વાસ્તવિક ખરીદી-વેચાણવાળા બજારમાં પણ ભાવમાં નરમાઈ જોવા મળી છે. હોર્મુઝમાંથી ઓઈલનું પરિવહન યુદ્ધ પહેલાના સ્તર નજીક પહોંચી ગયું છે. પશ્ચિમ એશિયાના ઓઈલ બજાર સાથે સંકળાયેલા આંકડા સંકેત આપે છે કે જુલાઈ પછી પહેલી વખત નજીકના સમયમાં સપ્લાય માગ કરતાં વધુ થઈ રહી છે. ઉત્તરી સાગરથી આવતા ક્રૂડ ઓઈલના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. જેપી મોર્ગન ચેઝના રિપોર્ટ મુજબ પશ્ચિમ એશિયાથી સપ્લાયમાં સુધારના કારણે વૈશ્વિક ઓઈલ બજાર ફરીથી વધુ પડતા પૂરવઠાની સ્થિતિમાં પહોંચી ગયું છે. ઓક્ટોબરમાં બજારમાં માગની સરખામણીમાં દૈનિક અંદાજે 14 લાખ બેરલ વધારાનું ઓઈલ ઉપલબ્ધ હતું.


સાઉદી અરબની સરકારી ઓઈલ કંપની સાઉદી અરામકો પણ ઉત્પાદન વધારવાની તૈયારીમાં છે. કંપનીના સીઈઓ અમીન નાસિરે મંગળવારે ત્રિમાસિક પરિણામો પછી કહ્યું કે કંપની વર્તમાન ત્રિમાસિકમાં ઓઈલ ઉત્પાદન મહત્તમ સ્તર સુધી લઈ જશે. ઓક્ટોબરમાં કંપનીની ઓઈલ નિકાસ યુદ્ધ પહેલાના સ્તરની નજીક પહોંચી ગઈ હતી. બીજીબાજુ સંયુક્ત આરબ અમીરાત (UAE) હોર્મુઝની ખાડી બહારથી ઓઈલ નિકાસ કરવા માટે ત્રીજી પાઈપલાઈન બનાવવાની સંભાવના પર વિચાર કરી રહ્યું છે.


ક્રૂડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તુરંત રાહત નહીં

ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તુરંત મોટી રાહત મળવાની શક્યતા ઓછી છે. ઈરાન યુદ્ધના કારણે ફારસની ખાડીમાંથી ઓઈલના સપ્લાય પર અસર થઈ હતી. આ સિવાય રશિયાની રિફાઈનરીઓ પર યુક્રેનના વધતા હુમલાથી પણ વૈશ્વિક ઈંધણ બજાર પર દબાણ થયું છે. અમેરિકામાં મંગળવારે મતદાન સમયે પેટ્રોલના સરેરાશ ભાવ પ્રતિ ગેલન 4 ડોલરથી વધુ હતા. અમેરિકન ચૂંટણીમાં પહેલી વખત મતદાનના દિવસે પેટ્રોલના ભાવ આટલા ઊંચા સ્તરે હતા. અમેરિકન એનર્જી ઈન્ફર્મેશન ઓથોરિટીના આંકડા મુજબ દેશમાં ડીઝલનો ભંડાર ઘટીને 10 કરોડ બેરલથી નીચે પહોંચી ગયો છે. વર્ષ 2003 પછી પહેલી વખત આવું થયું છે. તેનાથી સંકેત મળે છે કે યુદ્ધવિરામ થવા છતાં વૈશ્વિક ઈંધણ બજારમાં સપ્લાયની અછત તૂરંત દુર નહીં થાય.


આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ પર હવે અસર

નિષ્ણાતો મુજબ આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવની દિશા ઘણે અંશે અમેરિકાની ઈરાન નીતિ અને પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ પર નિર્ભર કરશે. રિસ્ટૈડ એનર્જીના મુખ્ય અર્થશાસ્ત્રી ક્લાઉડિયો ગૈલિમ્બર્ટીએ કહ્યું કે, અમેરિકન સંસદના બંને ગૃહોમાં યુદ્ધ સંબંધિત પ્રસ્તાવો પસાર કરવા, સૈન્ય ખર્ચ રોકવા અને મહત્વની નિમણૂકોમાં વિલંબ કરવાની ક્ષમતા હોવાથી ટ્રમ્પ સરકાર પર દબાણ વધી શકે છે. તેનાથી અમેરિકન સરકાર પાસે યુદ્ધ ચાલુ રાખવા માટે રાજકીય સંભાવનાઓ ઘટી જશે અને હોર્મુઝ સાથે સંકળાયેલી સમજૂતી કરવાનું દબાણ વધશે. હાલ બજારની નજર એ બાબત પર રહેશે કે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાની દિશામાં કેટલીક પ્રગતિ થાય છે. યુદ્ધ ખતમ થવાની સંભાવના મજબૂત થશે અને ઓઈલ સપ્લાય વધશે તો ક્રૂડ ઓઈલના ભાવમાં આગળ પણ દબાણ રહી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn