FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ
ઘરેલુ બજારમાં ખરીદી અને વિદેશી મૂડી પ્રવાહ વધતાં રૂપિયો મજબૂત થયો, પરંતુ ક્રૂડ ઓઈલ 105 ડોલરથી ઉપર રહેતા અને ભૂ-રાજકીય તણાવનો પડકાર યથાવત્.

ઘરેલુ બજારમાં જોરદાર ખરીદી અને વિદેશી રોકાણકારો તરફથી મૂડી પ્રવાહ વધવાના પગલે મંગળવારે ભારતીય રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 13 પૈસાના ઉછાળા સાથે 94.71 (અસ્થાયી) પર બંધ થયો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને ભૂ-રાજકીય તણાવના કારણે રૂપિયામાં તેજી મર્યાદિત રહી હતી.
ઈન્ટર બેન્ક વિદેશી ચલણ બજારમાં રૂપિયો 94.68 પ્રતિ ડોલર પર ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન તેણે 94.60ની સર્વોચ્ચ સપાટી સર કરી હતી. જોકે, પાછળથી રૂપિયાએ પોતાની કેટલીક લીડ ગુમાવી હતી અને અંતમાં 13 પૈસા મજબૂત થઈને 94.71 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આ પહેલા સોમવારે રૂપિયો અમેરિકન ડોલર સામે 8 પૈસા નબળો થઈને 94.84ના સ્તરે બંધ થયો હતો. બીજબાજુ શુક્રવારે કારોબારી સત્રમાં ભારતીય ચલણમાં 50 પૈસાની જોરદાર તેજી જોવા મળી હતી.
શેરબજારમાં તેજીથી રૂપિયાને મળ્યો ટેકો
ઘરેલુ બજારમાં તેજી અને અમેરિકન ડોલરની નરમાઈથી રૂપિયાને ટેકો મળ્યો. જોકે, ક્રૂડ ઓઈલના ભાવમાં સુધારાએ ભારતીય ચલણની તેજી પર બ્રેક મારી હતી. ઘરેલુ બજારોમાં મજબૂતી અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સમાં સંભવિત ફેરફારની આશાથી રૂપિયામાં સકારાત્મક વલણ બની રહ્યું છે. ડોલરમાં નવી નરમાઈ અને વિદેશી રોકાણકારો તરફથી સતત રોકાણ પણ રૂપિયાને મજબૂતી આપી શકે છે.
જોકે, રશિયા-યુક્રેનના યુદ્ધ અને મધ્ય-પૂર્વમાં ચાલતા હુમલાઓથી રૂપિયાની તેજી અંકુશમાં રહી શકે છે. વેપારીઓની નજર હવે અમેરિકાના ISM મેન્યુફેક્ચરિંગ PMI આંકડા પર છે. નજીકના સમયમાં ડોલરની સરખામણીએ રૂપિયાનો કારોબાર 94.40થી 95.00ના દાયરામાં રહેવાની સંભાવના છે.
ડોલર ઈન્ડેક્સ અને ક્રૂડ ઓઈલમાં તેજી
છ મૂખ્ય વૈશ્વિક ચલણોની સરખામણીમાં અમેરિકન ડોલરની મજબૂતીને માપનારો ડોલર ઈન્ડેક્સ 0.07 ટકાની તેજી સાથે 101.69 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજીબાજુ, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.86 ટકા વધીને 105.67 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા હતા. વિશ્લેષકોનું માનવું છે કે હોર્મુઝની ખાડીમાં ઈરાનના સ્થળો પર અમેરિકાના નવા હુમલાના અહેવાલો પછી ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. તેનાથી વૈશ્વિક વેપાર અને ઓઈલ પુરવઠો ખોરવાઈ જવાની આશંકા વધી ગઈ છે. ઈરાન તરફથી કેટલાક અણેરિકન સ્થળોને નિશાન બનાવવા માટે જમીન પરથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યા પછી આ કાર્યવાહી કરાઈ હોવાનો દાવો અમેરિકાએ કર્યો છે.
ભારતીય શેરબજારમાં FIIની ખરીદી
ભારતીય શૅરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 1225.07 પોઈન્ટ એટલે કે 1.62 ટકા ઊછળીને 76,917.85 પર બંધ થયો જ્યારે એનએસઈ નિફ્ટી-50 370.05 પોઈન્ટ એટલે કે 1.58 ટકા વધીને 23.810.85 પર પહોંચ્યો હતો. શૅરબજારમાં આ મજબૂત તેજીથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને રૂપિયાને પણ સમર્થન મળ્યું છે.
સતત બીજા દિવસે વિદેશી રોકાણકાર બન્યા ખરીદદાર
વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs)એ ઘરેલુ શૅરબજારમાં સતત બીજા દિવસે શુદ્ધ ખરીદી કરી. એક્સચેન્જના આંકડા મુજબ સોમવારે વિદેશી રોકાણકારોએ 3,114.68 કરોડના શૅરોની શુદ્ધ ખરીદી કરી. વિદેશી રોકાણકારો તરફથી વધતા રોકાણને રૂપિયાની મજબૂતીનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. શૅરબજારમાં વિદેશી મૂડીનો પ્રવાહ વધવાથી ડોલરની માગ અને રૂપિયાના વિનિમય દર પર સકારાત્મક અસર પડી શકે છે.
રૂપિયાની આગળની ચાલ
બજાર નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં રૂપિયાની દિશા મુખ્યરૂપે ત્રણ પરિબળો પર નિર્ભર કરશે. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે. ઓઈલ મોંઘું થવાથી ડોલરની માગ વધી શકે છે. FIIsની સતત ખરીદીથી રૂપિયાને મજબૂતી મળી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વમાં અમેરિકા તથા ઈરાનના યુદ્ધની સ્થિતિથી વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી શકે છે. એકંદરે ઘરેલુ શેરબજારમાં તેજી અને વિદેશી રોકાણકારોની ખરીદીએ રૂપિયાને મજબૂતી આપી છે. જોકે, ક્રૂડ ઓઈલનું 105 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહેવું અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ ભારતીય ચલણ માટે પડકારજનક બની શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો

મજબૂત માંગ છતાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં ઘટીને 54.7 થયો

GST Collection: ઑક્ટોબરમાં GST આવક 23% ઉછળી ₹2.31 લાખ કરોડ, સતત ચોથા મહિને ₹2 લાખ કરોડને પાર

પેટ્રોલને રાહત, ડીઝલને ઝટકો! સરકારે નિકાસ ડ્યૂટીમાં કર્યો મોટો ફેરફાર

ભારતમાં બેન્ક ધિરાણમાં વૃદ્ધિ બેન્ક થાપણોની વૃદ્ધિને વટાવી ગઈ





