KuberaNowLogo
Saturday, 28/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Crude ક્રૂડમાં ફરી ‘તેલની આગ’! સાઉદી પર હુમલાથી ભાવમાં ભડકો, હવે OPEC+ પર નજર

હોર્મુઝની ખાડીમાં તણાવ અને સપ્લાયના ડરથી WTI 3% ઉછળ્યું, Brent $97ની પાર, OPEC+ની 29 નવેમ્બરની બેઠક બની મહત્વની

Kuberanow DeskPublished On : 27 Nov 2026
Crudeoill27.png
AI Generated Image

હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કર પર હુમલાની ઘટનાઓ અને સાઉદી અરેબિયાની ઓઇલ રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં વધતા સપ્લાય અને માંગમાં નરમાઈને કારણે ભાવ પર દબાણ રહેવાની પણ શક્યતા છે. 29 નવેમ્બરે યોજાનારી OPEC+ની બેઠક પર હવે બજારની નજર છે.


વૈશ્વિક કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને ઓઇલ સપ્લાય ખોરવાઈ જવાની આશંકાએ રોકાણકારોની ચિંતા વધારી છે. ખાસ કરીને સાઉદી અરેબિયાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલા અને હોર્મુઝની ખાડી નજીક ટેન્કર પર હુમલાની ઘટનાઓએ ક્રૂડ ઓઇલના બજારમાં નવી અનિશ્ચિતતા ઊભી કરી છે.


27 નવેમ્બરને શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજાર COMEXમાં ક્રૂડ ઓઇલનો ભાવ 3.02 ટકા વધીને 86.210 ડોલર પ્રતિ બેરલ થયો છે. એક જ સેશનમાં તેમાં 2.530 ડોલરનો વધારો નોંધાયો છે. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડનો ભાવ 1.11 ટકા વધીને 97.640 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય વાયદા બજાર MCX પર પણ તેજી જોવા મળી રહી છે. 18 ડિસેમ્બર 2026ના એક્સપાયરી કોન્ટ્રાક્ટમાં ક્રૂડ ઓઇલનો ભાવ 8,034 રૂપિયા પર પહોંચ્યો છે, જેમાં 2.06 ટકાનો વધારો નોંધાયો છે.


સાઉદી અરેબિયાની રિફાઇનરીઓ પર હુમલાથી સપ્લાયની ચિંતા

ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં વધતો તણાવ છે. હુથી બળવાખોરએ સાઉદી અરેબિયાની રાસ તનુરા રિફાઇનરી પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો તિવ્ર હતો કે તેમાંથી ઉઠેલા આગના ગોળા અવકાશમાંથી પણ સેટેલાઈટ મારફત જ઼લ આ ઉપરાંત સાઉદી અરામકોની જઝાન રિફાઇનરી પર પણ હુમલો થયો હોવાના અહેવાલો છે, જેના કારણે કેટલીક કામગીરી અસ્થાયી રૂપે અટકાવવી પડી હતી.


બીજી તરફ, હોર્મુઝની ખાડી નજીક બે ટેન્કર દરિયાઈ સુરંગ સાથે અથડાયાં હોવાના ઈરાનના અહેવાલોએ પણ ચિંતા વધારી છે. હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્ત્વના ઓઇલ પરિવહન માર્ગોમાંથી એક છે. વિશ્વના કુલ પેટ્રોલિયમ વપરાશનો આશરે પાંચમો ભાગ આ માર્ગેથી પસાર થાય છે. આ વિસ્તારમાં લાંબા સમય સુધી તણાવ રહે અથવા જહાજોની અવરજવર ખોરવાય તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના સપ્લાય પર ગંભીર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં માત્ર ઓઇલ ઉત્પાદન જ નહીં, પરંતુ પરિવહન, વીમા ખર્ચ અને જહાજોની અવરજવર પણ ભાવની દિશા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.


29 નવેમ્બરની OPEC+ બેઠક પર નજર

હવે બજારની નજર 29 નવેમ્બરને રવિવારે યોજાનારી OPEC+ની બેઠક પર છે. બજારની અપેક્ષા મુજબ, સંગઠન ઓછામાં ઓછા 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી વર્તમાન ઉત્પાદન લક્ષ્યાંકો યથાવત્ રાખી શકે છે. OPEC+ સામે હાલમાં બેવડો પડકાર છે. એક તરફ મધ્ય પૂર્વમાં સપ્લાય ખોરવાઈ જવાનું જોખમ છે, તો બીજી તરફ વૈશ્વિક બજારમાં ઓઇલના વધતા જથ્થાને કારણે ભાવ પર દબાણ ઊભું થઈ શકે છે.


ઉત્પાદન વધારવા અંગે સભ્ય દેશોના હિતો પણ અલગ-અલગ છે. કેટલાક દેશો વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા અને ક્વોટા મેળવવા માગે છે, જ્યારે વધતા સરપ્લસને ધ્યાનમાં રાખીને ઉત્પાદન નિયંત્રણ જાળવવું જરૂરી બની શકે છે. OPEC+ ઉત્પાદન વધારવાનો નિર્ણય ટાળે તો ક્રૂડના ભાવને ટેકો મળી શકે છે. જોકે, ઉત્પાદન અને નિકાસમાં વધારો થાય તો બજારમાં સપ્લાય વધવાની આશંકા ફરી મજબૂત બની શકે છે.


Crudeoill27 Info.png


વૈશ્વિક બજારમાં સરપ્લસનો ખતરો પણ યથાવત્

ક્રૂડ ઓઇલમાં હાલની તેજી વચ્ચે વૈશ્વિક બજારનું એક બીજું ચિત્ર પણ સામે આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના અંદાજ મુજબ, 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં ઓઇલનો વૈશ્વિક સપ્લાય માંગ કરતાં આશરે 17 લાખ બેરલ પ્રતિદિન વધુ રહી શકે છે. ઓક્ટોબરમાં વૈશ્વિક ઓઇલ ઉત્પાદન વધીને 10.54 કરોડ બેરલ પ્રતિદિન થયું હતું. બીજી તરફ, ઊંચા ઇંધણના ભાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે વપરાશની માંગ પર દબાણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, ઓક્ટોબરમાં વૈશ્વિક ઓઇલ ઇન્વેન્ટરીમાં 5.2 કરોડ બેરલનો વધારો નોંધાયો હતો. જૂન પછીનો આ પ્રથમ માસિક વધારો હતો. એટલે કે, એક તરફ ભૌગોલિક રાજકીય તણાવને કારણે સપ્લાયમાં અછત ઊભી થવાનું જોખમ છે, તો બીજી તરફ ઉત્પાદન વધવા અને માંગ નબળી રહેવાને કારણે બજારમાં સરપ્લસની સ્થિતિ સર્જાઈ શકે છે.


બ્રેન્ટ અને ક્રૂડ વચ્ચે ભાવનો તફાવત કેમ મહત્ત્વનો?

હાલ બ્રેન્ટ ક્રૂડ અને અમેરિકન ક્રૂડ વચ્ચે નોંધપાત્ર ભાવનો તફાવત જોવા મળી રહ્યો છે. COMEX પર બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 97.640 ડોલર છે, જે 1.11 ટકાનો વધારો દર્શાવે છે. બીજીબાજુ WTI 86.210 ડોલર પ્રતિ બેરલના સ્તરે છે, જે 3.02 ટકાનો વધારો દર્શાવે છે. આમ બંને ક્રૂડ ઓઈલ વચ્ચે આશરે 11.43 ડોલર પ્રતિ બેરલનો ભાવ તફાવત છે. બ્રેન્ટ ક્રૂડ આંતરરાષ્ટ્રીય સમુદ્રી ઓઇલ સપ્લાય અને મધ્ય પૂર્વની સ્થિતિ પ્રત્યે વધુ સીધી સંવેદનશીલતા ધરાવે છે. જ્યારે અમેરિકન ક્રૂડ (WTI)ના ભાવ પર સ્થાનિક ઉત્પાદન, સ્ટોક અને રિફાઇનરીની માંગની પણ અસર થાય છે. આથી આ તણાવ વધે તો બ્રેન્ટ ક્રૂડમાં વધુ તેજી જોવા મળી શકે છે, જ્યારે અમેરિકાના ઇન્વેન્ટરી ડેટા WTI અને COMEX ક્રૂડની દિશાને અસર કરી શકે છે.


હવે ક્રૂડ ઓઇલમાં આગળ શું?

આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવની દિશા મુખ્યત્વે ચાર પરિબળો પર નિર્ભર રહેશે. મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. સાઉદી અરેબિયાની ઓઇલ સુવિધાઓ અથવા હોર્મુઝ સ્ટ્રેટમાં વધુ હુમલા થાય તો ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે. બીજીબાજુ OPEC+ ઉત્પાદન લક્ષ્યાંકોમાં ફેરફાર નહીં કરે તો બજારમાં ભાવને ટેકો મળી શકે છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધે અને માંગ નબળી રહે તો ભાવ પર દબાણ વધી શકે છે. ઉપરાંત અમેરિકામાં ક્રૂડના ભંડારમાં સતત વધારો થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી મર્યાદિત થઈ શકે છે.


MCX ક્રૂડ ઓઇલ રોકાણકારો માટે શું સંકેત?

MCX પર ક્રૂડ ઓઇલનો 18 ડિસેમ્બર 2026નો કોન્ટ્રાક્ટ 8,034 રૂપિયા પર પહોંચ્યો છે અને તેમાં 2.06 ટકાની તેજી નોંધાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં COMEX ક્રૂડના 3 ટકાથી વધુના ઉછાળાની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જોકે, હાલની તેજી માત્ર સપ્લાયની ચિંતાને કારણે છે કે પછી બજારમાં લાંબા ગાળાની તેજીનો નવો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે, તે નક્કી કરવા માટે OPEC+ની બેઠક અને મધ્ય પૂર્વની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.


ક્રૂડ ઓઇલના બજારમાં અત્યારે બે પરિબળો વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. એક તરફ સાઉદી અરેબિયા પરના હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા જોખમને કારણે સપ્લાયની ચિંતા ભાવને ઉપર લઈ જઈ રહી છે, તો બીજી તરફ વૈશ્વિક બજારમાં વધતા ઓઇલ સરપ્લસની આશંકા તેજી પર બ્રેક લગાવી શકે છે. 29 નવેમ્બરની OPEC+ બેઠક ક્રૂડ ઓઇલના આગામી ટ્રેન્ડ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read