આજે ₹1 લાખનું સોનું ખરીદો છો, તો 2036માં તેની કિંમત કેટલી થશે? જાણો સંપૂર્ણ ગણતરી
સોનાએ છેલ્લા 10 વર્ષમાં 18.6%નું શાનદાર વળતર આપ્યું છે, ત્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ આગામી દાયકાના રોકાણ અને તેના નફાના પાંચ અલગ-અલગ દૃશ્યો વિશે સમજીએ.

Gold Investment: ભારતીય પરિવારોમાં સોનાને (Gold) હંમેશા સૌથી સુરક્ષિત અને વિશ્વાસપાત્ર રોકાણ માનવામાં આવે છે. દીકરીના લગ્ન હોય કે ભવિષ્યની બચત, સોનું હંમેશાં ભારતીયોની પહેલી પસંદ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં જે રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે, તેણે રોકાણકારોના મનમાં એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે: જો આજે સોનામાં ₹1 લાખનું રોકાણ કરવામાં આવે, તો આજથી 10 વર્ષ પછી એટલે કે 2036 માં તેની કિંમત કેટલી થશે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અને ભૂતકાળના વલણો (ટ્રેન્ડ) પર નજર કરીએ તો ભવિષ્યના વળતરનો એક રસપ્રદ અંદાજ મળી શકે છે.
છેલ્લા 10 વર્ષમાં સોનાનું શાનદાર પ્રદર્શન
ભવિષ્યની ગણતરી કરતા પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે છેલ્લા એક દાયકામાં સોનાએ કેવો દેખાવ કર્યો છે. વર્ષ 2016 માં 24 કેરેટ શુદ્ધ સોનાના 10 ગ્રામની સરેરાશ કિંમત માત્ર ₹28,623 હતી, જે આજે 2026 માં વધીને આશરે ₹1,53,250 ની આસપાસ પહોંચી ગઈ છે. આંકડાકીય રીતે જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં સોનાએ રોકાણકારોને 18.6% નો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) આપ્યો છે. એટલે કે માત્ર દસ જ વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 5.35 ગણો માતબર વધારો નોંધાયો છે.
2036 માં ₹1 લાખના રોકાણનું મૂલ્ય શું હશે?
શેરબજાર કે સોનાના બજારનો એ નિયમ છે કે ભૂતકાળનું વળતર ભવિષ્યમાં પણ એવું જ મળશે તેની કોઈ ખાતરી હોતી નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના લોંગ-ટર્મ એક્સપેક્ટેડ રિટર્ન (GLTER) મોડલ અને અન્ય નાણાકીય નિષ્ણાતોના અંદાજ મુજબ, 2036 માં ₹1 લાખના રોકાણ પર મળનારા વળતરના 5 સંભવિત દૃશ્યો નીચે મુજબ છે:
5.2% નું રૂઢિચુસ્ત (Conservative) વળતર: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મોડલ મુજબ, જો 2026 થી 2040 વચ્ચે સોનું વાર્ષિક સરેરાશ 5.2% વળતર આપે, તો 2036 માં તમારા ₹1 લાખનું કુલ મૂલ્ય આશરે ₹1.66 લાખ થશે. એટલે કે ₹66,000 નો ચોખ્ખો નફો.
8% વાર્ષિક વળતર: જો સોનું સામાન્ય ગતિએ વધે તો 2036 માં તેની કિંમત આશરે ₹2.16 લાખ થઈ શકે છે (નફો: ₹1.16 લાખ).
10% વાર્ષિક વળતર: જો બજાર સકારાત્મક રહે તો 10 વર્ષ પછી મૂલ્ય ₹2.60 લાખની આસપાસ જઈ શકે છે (નફો: ₹1.60 લાખ).
12% વાર્ષિક વળતર: જો તેજીનો માહોલ જળવાઈ રહે તો ₹1 લાખ વધીને ₹3.10 લાખ થઈ શકે છે (નફો: ₹2.10 લાખ).
ભૂતકાળના 18.6% વળતરનું પુનરાવર્તન: જો છેલ્લા દાયકા જેવી જ તેજી ચાલુ રહે, તો 2036 સુધીમાં તમારું ₹1 લાખનું રોકાણ સીધું ₹5.50 લાખના આંકડાને સ્પર્શી શકે છે. જોકે, આ એક અત્યંત આશાવાદી ગાણિતિક અંદાજ છે અને તેનું પુનરાવર્તન થવું થોડું મુશ્કેલ છે.
સોનાના ભાવ કયા પરિબળો પર આધાર રાખે છે?
સોનાના ભાવ કોઈ એક જ દેશના નિયમોથી ચાલતા નથી, પરંતુ તે વૈશ્વિક પરિબળો પર આધારિત હોય છે. ખાસ કરીને અમેરિકાની મધ્યસ્થ બેંક (યુએસ ફેડરલ રિઝર્વ) ના વ્યાજ દરના નિર્ણયો, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઇન્ડેક્સની મજબૂતાઈ, ફુગાવાના (મોંઘવારીના) આંકડા, ભૌગોલિક રાજકીય તણાવો અને વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવતી મોટા પાયે સોનાની ખરીદી ભવિષ્યના ભાવ નક્કી કરવામાં મુખ્ય ભાગ ભજવે છે.
ભૌતિક સોનું (Physical Gold) વિરુદ્ધ ડિજિટલ સોનું
જો તમે માત્ર રોકાણ (ઈન્વેસ્ટમેન્ટ) ના હેતુથી ₹1 લાખનું સોનું ખરીદવા માંગતા હો, તો સોનાના દાગીના કે સિક્કા લેવાનું ટાળવું જોઈએ. કારણ કે ભૌતિક સોનું ખરીદવા પર તમારે 3% GST, જ્વેલરના મેકિંગ ચાર્જ (ઘડાઈ), બગાડ અને ભવિષ્યમાં વેચવા જાવ ત્યારે ઝવેરીનું બાય-બેક માર્જિન વહન કરવું પડે છે, જે તમારા વાસ્તવિક નફાને નોંધપાત્ર રીતે ઘટાડી દે છે.
આ પણ વાંચોઃ સોનાના ભાવમાં મોટો ઘટાડો: વિશ્વમાં 21% તૂટ્યું, ભારતમાં કેમ માત્ર 15%? જુઓ રિપોર્ટ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

10 વર્ષ પહેલા સોનામાં 1,00,000 રોક્યા હોત તો આજે કેટલું વળતર મળ્યું હોત? જુઓ ગણિત

ભાઈ બીજ પર સોના-ચાંદીમાં મોટો ભડકો: ચાંદી ₹3,500 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

સોનાના ભાવમાં મોટો ઘટાડો: વિશ્વમાં 21% તૂટ્યું, ભારતમાં કેમ માત્ર 15%? જુઓ રિપોર્ટ

બાજરો મોંઘો થયો, ખરિફ પાક ઓછો અને નિકાસ વધતાં ભાવ ₹600 સુધી ચઢ્યા

સોનું ₹1.44 લાખ અને ચાંદી ₹1.90 લાખ નજીક: નફો બુક કરવો કે રોકાણ જાળવવું?

Crude Oil Outlook: ક્રૂડ 70થી 75 ડોલરે ક્યારે પહોંચશે? Mahindra Noeનું શું છે માનવું?

સોના-ચાંદીના ભાવમાં કડાકો: 10 નવેમ્બરે 24K અને 22K સોનું કેટલું સસ્તું થયું? જુઓ રેટ






