Expert Speaks : સોનાની ચમક ફીકી, ફોર્સ્ડ સેલિંગ, મોંઘવારી અને ફેડના સંકેતોથી ભાવમાં તીવ્ર ઘટાડો
Fedના 0.50% વ્યાજવધારાના સંકેત, ડોલર-બોન્ડ યીલ્ડમાં તેજી અને ભૂ-રાજકીય તણાવે કિંમતી ધાતુઓને સપોર્ટ સ્તરથી નીચે ધકેલ્યા, CPI અપેક્ષા કરતાં વધુ, ડોલર મજબૂત અને ETFમાં મિશ્ર પ્રવાહ; ટૂંકાગાળે વધુ ઘટાડાની શક્યતા, સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી છતાં બજારમાં વેચવાલી, ટેકનિકલી $3,700-$3,500 સુધી ગગડવાનો ખતરો.

ગયા સપ્તાહે સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળ્યું. અમેરિકામાં અપેક્ષા કરતાં વધુ મોંઘવારીના આંકડાએ ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવામાં આવે તેવી આશંકાઓને મજબૂત કરી દીધી છે. ફેડરલ ગવર્નર ક્રિસ્ટોફર વોલરે અડધા ટકા (0.50 ટકા)ના વધારાનો વિચાર કરવાની વાત કરી છે. અમેરિકન ટ્રેઝરી બોન્ડના યીલ્ડ અને ડોલરમાં તેજી આવી, જેથી નબળા બોન્ડ હરાજીથી પણ સમર્થન મળ્યું. બીજીબાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા ઘટતા ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહ્યા છે. તેનાથી મોંઘવારીની ચિંતા વધી અને સોનાને સુરક્ષિત રોકાણરૂપે મળનારું સમર્થન નબળું પડી ગયું. બજારમાં ડોલરની રોકડ એકત્ર કરવા માટેની મજબૂરીમાં સોનામાં વેચવાલીના સંકેત વધી રહ્યા છે. બીજીબાજુ ચીન સહિત દુનિયાની સેન્ટ્રલ બેન્કો સતત સોનાની ખરીદી કરી રહી છે અને ગોલ્ડ ETFમાં રોકાણ વધી રહ્યું છે જ્યારે સટ્ટાબાજોએ સોનામાં તેમની લોન્ગ પોઝિશન ઘટાડી છે. ભારતમાં તહેવારો દરમિયાન કિંમતી ધાતુઓી માગ મજબૂત રહી અને ઘરેલુ બજારમાં પ્રીમિયમ વધ્યું હતું. ચાંદીના પૂરવઠામાં ઘટાડાનું અંતર ઓછું થવાથી પણ ભાવને વધુ ટેકો મળ્યો નથી. હવે ફેડરલ રિઝર્વના નિવેદનો અને વ્યાજદરો અંગે તેની નીતિઓ પર ઘણે અંશે સોના અને ચાંદીની દિશા નક્કી થશે.
લિક્વિડિટી
આ સમયે સોના અને ચાંદીમાં લિક્વિડિટી એટલે કે રોકડની ઉપલબ્ધથા સાથે જોડાયેલા તર્કોને જોવા પણ ઘણા મહત્વના છે. સોનાના ભાવમાં બે કારણોથી ઘટાડો આવી શકે છે. પહેલું કારણ ડોલરમાં રોકાણકારોનો વિશ્વાસ વધે છે. બીજું કારણ છે ફોર્સ્ડ સેલિંગ. એટલે કે રોકાણકારો માર્જિન કોલ અથા ફન્ડિંગની જરૂરિયાત પૂરી કરવા માટે સોનામાં વેચવાલીનું દબાણ વધે છે. વર્તમાન વિશ્લેષણમાં અનેક એવા સંકેત જોવા મળી રહ્યા છે, જે લિક્વિડિટીના દબાણ તરફ ઈશારો કરે છે. રાજકોષીય ચિંતાઓના કારણે લાંબી મુદતના બોન્ડના યીલ્ડ વધી રહ્યા છે. જુલાઈ અને ઓગસ્ટમાં ચીન અને જાપાનના અમેરિકન ટ્રેઝરી હોલ્ડિંગ્સમાં કથિત રીતે કુલ 91 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકન ડોલર સામે જાપાનનો યેન ફરી 160 નજીક પહોંચી ગયું છે. 3 નવેમ્બર સુધીમાં લીવરેજ્ડ ફંડ્સની યેન વાયદામાં 21,213 કોન્ટ્રાક્ટની નેટ શોર્ટ પોઝિશન હતી. તેનાથી કેરી ટ્રેડના પલટાઈ જવાનું જોખમ છે. એઆઈ સાથે સંકળાયેલી કંપનીઓના શૅરોમાં પણ નરમાઈના સંકેત મળી રહ્યા છે. ગયા સપ્તાહે Nvidiaના CEO જેન્શેન હુઆંગે રાજીનામું આપી દીધા પછી કંપનીના શૅરોમાં કડાકો બોલાયો હતો. આ સિવાય GATA દ્વારા પ્રકાશિત રોબર્ટ લૈમ્બોર્નના અંદાજ મુજબ બેન્ક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS)માં ગોલ્ડ સ્વેપર ઓગસ્ટમાં લગભગ 141 ટનથી વધીને ઓક્ટોબરમાં અંદાજે 218 ટન થઈ ગયું છે, જે સંકેત આપે છે કે ડોલર એકત્ર કરવા માટે સોનાનો ઉપયોગ કોલેટરલ સંપત્તિ તરીકે કરવામાં આવી રહ્યો છે.
જોકે, અમારું માનવું છે કે આ સંકેતો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કે બજારમાં વ્યાપક સ્તરે લિક્વિડેશન થઈ રહ્યું છે. અમેરિકન બજારના મુખ્ય સૂચકાંકો પાછલા સપ્તાહની તેજી સાથે બંધ થયા છે, જે વ્યાપક વેચવાલીની આશંકાથી મેળ ખાતા નથી. પરંતુ ગુરુવારે સોના અને અમેરિકન ટ્રેઝરી બોન્ડ બંનેમાં એક સાથે વેચવાલી જોવા મળી હતી. મિટ્રેડ દ્વારા રિપોર્ટ કરાયેલા ગોલ્ડમેન સાશના ડેસ્ક અનુમાન મુજબ સપ્ટેમ્બરના અંતથી અત્યાર સુધીમાં સોનાના વાયદા બજારમાં લગભગ 19.5 અબજ ડોલરની વેચવાલી થઈ, જેમાં અંદાજે 95 ટકા હિસ્સો હેજ ફંડ શ્રેણીની બહારના રોકાણકારોનો હતો. આ હકીકતમાં ડોલર એકત્ર કરવા માટે મજબૂરીમાં કરવામાં આવેલી વેચવાલી હોય તો તેનાથી સોનાની લાંબા સમયના રોકાણની સંભાવના સમાપ્ત થતી નથી. ઐતિહાસિકરૂપે આવા સંકટો પછી કેન્દ્રીય બેન્કો તરફથી લિક્વિડિટી વધારવાના પગલાં લેવાતા રહ્યા છે. જોકે, ટંકાગાળા માટે સોનાના ભાવમાં વધુ ઘટાડાની સંભાવના છે.
વૈશ્વિક આર્થિક પૃષ્ઠભૂમિ અને ફેડ નીતિ :
ગયા સપ્તાહની શરૂઆત સોમવારે સોના માટે સકારાત્મક રહી. અમેરિકા અને ઈરાન વચ્ચે કૂટનીતિક વાતચીત ફરીથી શરૂ થવાની આશાથી WTI ક્રૂડ ઓઈલ લગભગ 6 ટકા તૂટ્યો હતો. ડોલરમાં પણ નરમાઈ આવી અને સોનું ફરીથી 4,100 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયું. આ તેજી એવા સમયે આવી હતી જ્યારે ઓક્ટોબરના મજબૂત રોજગાર આંકડાએ ડિસેમ્બરમાં ફેડની વ્યાજદર વૃદ્ધિની સંભાવના પહેલાથી જ 84 ટકા સુધી પહોંચાડી દીધી હતી.
જોકે, મંગળવારે બજારનું વલણ બદલાઈ ગયું. અમેરિકામાં ઓક્ટોબરનો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) 0.4 ટકા વધ્યો જ્યારે બજારને 0.3 ટકાના વધારાની આશા હતી. કોર CPI પણ સતત ત્રીજા મહિને 0.3 ટકા રહ્યો, જે 0.2 ટકા રહેવાનો અંદાજ હતો. તેના થોડા કલાકો પહેલા જ ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વોલરે લંડનમાં કહ્યું હતું કે, કોર મોંઘવારી લગભગ 0.3 ટકા અથવા તેનાથી વધુ રહે તો ડિસેમ્બરમાં અડધા ટકાનો વ્યાજદર વૃદ્ધિ પર વિચાર કરવો જોઈએ. મોંઘવારીના આંકડા તેમણે જણાવેલી સરહદે જ આવ્યા અને ત્યાર પછી સોનાના ભાવમાં એક જ દિવસમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બુધવારે સોનું પહેલી વખત 4,000 ડોલર નીચે બંધ થયું હતું. ગુરુવારે વેચવાલી વધુ તિવ્ર થઈ હતી. અમેરિકાના 10 વર્ષીય ટ્રેઝરી યીલ્ડ વધીને લગભગ 5.15 ટકા નજીક પહોંચી ગયા. ડોલર ઈન્ડેક્સ 19 મહિનાના ઊંચા સ્તરે 103થી ઉપર જતો રહ્યો અને સોનાના ભાવમાં 2.8 ટકાનો ઘટાડો આવ્યો હતો. શુક્રવારે જાહેર કરાયેલા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ (PPI)ના આંકડાથી થોડીક રાહત મળી. માસિક આધારે PPIમાં 0.3 ટકાનો વધારો થયો, જે 0.4 ટકાના અંદાજ કરતાં ઓછો હતો. જોકે, મોંઘવારી દર વધીને 6.5 ટકાએ પહોંચ્યો હતો, જે નવેમ્બર 2022 પછી સૌથી ઊંચા સ્તરે છે. આમ છતાં સોનામાં માત્ર 0.2 ટકાનો જ વધારો થયો હતો.
શુક્રવાર સુધમાં વાયદા બજાર ડિસેમ્બરની 8-9 તારીખે થનારી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરોમાં વધારાની લગભગ 89 ટકા સંભાવના દર્શાવે છે. તેમાં 0.25 ટકાની વૃદ્ધિની સંભાવના 89 ટકા અને 0.50 ટકાની વૃદ્ધિની સંભાવના 11 ટકા હતી. ન્યૂયોર્ક ફેડના અધ્યક્ષ જોન વિલિયમ્સે કહ્યું કે આગળ વ્યાજદર વધારવાની જરૂર પડી શકે છે. સાન ફ્રાન્સિસ્કો ફેડનાં મેરી ડેલીએ કહ્યું કે, કંપનીઓ હજુ પણ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાંખી રહી છે. બીજીબાજુ બોસ્ટન ફેડનાં સુસાન કોલિન્સે ચેતવણી આપી કે મોંઘવારીનું દબાણ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ફેલાઈ રહ્યું છે. અન્ય આર્થિક આંકડાઓએ પણ વ્યાજદરોમાં વધારાની આશંકાને મજબૂત કરી. સાપ્તાહિક બેરોજગારીના દાવા ઘટીને 2,00,000 રહ્યા જ્યારે વર્તમાન ઘરોનું વેચાણ ઘટીને વાર્ષિક આધારે 37.5 લાખ યુનિટ રહી ગયું.7 ટકાથી વધુ મોર્ગેજ દરો ઘર ખરીદારો પર દબાણ બનાવી રહ્યું છે. સોનું વ્યાજ નહીં આપતી સંપત્તિ હોવાના કારણે તેના માટે આ સ્થિત પડકારપૂર્ણ છે. વિશેષરૂપે ફેડ વ્યાજદર વધારવાના સંકેત આપે છે અને 10 વર્ષના અમેરિકન બોન્ડ યીલ્ડ 5 ટકાથી ઊપર છે તેવા સમયે આ સ્થિતિ પડકારજનક છે.
ભૂ-રાજકીય તણાવ : ઓઈલમાં તેજી, સોનામાં કડાકો
સોમવારે અમેરિકા-અને ઈરાન વચ્ચે ઊભી થયેલી શાંતિ સમજૂતીની આશા અલ્પજીવી નીકળી. ઈરાનના સુરક્ષા વડા મોહસેન રેઝાઈએ કહ્યું કે, તહેરાન તેની સાત શરતો અંગે વોશિંગ્ટનના જવાબની રાહ જોઈ રહ્યું છે અને ત્યા સુધી હોર્મુઝની ખાડી બંધ જ રહેશે. IRGCએ હોર્મુઝની ખાડીમાં ત્રણ જહાજો પર હુમલા કર્યા હોવાના અહેવાલ છે. ગુરુવારે પ્રમુખ ટ્રમ્પે કહ્યું, અમેરિકાને ઈરાન સાથે કોઈ ડીલ કરવાની જરૂર નથી. બીજીબાજુ હુથી બળવાખોરોએ સાઉદીમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા ચાલુ રાખ્યા હતા. જેથી બ્રેન્ટ ક્રૂડ 3.3 ટકા ઉછળ્યો હતો અને સપ્તાહના અંતે 95.41 ડોલર પ્રતિ બેરલના સ્તરે સ્થિર થયો હતો, જે અગાઉના શુક્રવાર કરતાં 2.4 ટકા નીચા સ્તરે છે. વર્તમાન યુદ્ધ અને ભૂ-રાજકીય તણાવ સોના માટે બે રીતે કામ કરી રહ્યું છે. એક તરફ તે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માગ વધારે છે, પરંતુ બીજીબાજુ ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી મોંઘવારી વધે છે અને ફેડને વ્યાજ દર વધારવાનું કારણ મળે છે. ગયા સપ્તાહે બીજા પ્રભાવની અસર વધુ જોવા મળી.
રોકાણ અને રીટેલ માગ
દુનિયાની કેન્દ્રીય બેન્કો તરફથી સોનાની ખરીદી સતત ચાલુ છે. ચીનની કેન્દ્રીય બેન્ક પીપુલ્સ બેન્ક ઓફ ચાઈના (PBOC)એ ઓક્ટોબરમાં લગભગ 25.8 ટન સોનું ખરીદ્યું. આ સતત 24મા મહિને ચીને તેનું ગોલ્ડ રિઝર્વ વધાર્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ત્રીજા ક્વાર્ટરમાં કેન્દ્રીય બેન્કોએ કુલ 321 ટન સોનું ખરીદ્યું, જે પાછલા વર્ષના સમાન સમયથી 42 ટકા વધુ છે. આ વર્ષે અત્યાર સુધી કેન્દ્રીય બેન્કોની કુલ ખરીદી લગભગ 675 ટન રહી છે. ઓક્ટોબરમાં વૈશ્વિક ગોલ્ડ ETFમાં 2.7 અબજ ડોલર એટલે કે લગભગ 19 ટનનું રોકાણ આવ્યું. આ સતત ચોથા મહિને ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું. તેમાં યુરોપીયન ફંડ્સની મુખ્ય ભૂમિકા રહી. જોકે, મેટલ્સ ડેઈલીએ પાછલા સપ્તાહે ભાવમાં ઘટાડા સમયે SPDR ગોલ્ડ શૅર્સથી નવા રોકાણના આઉટફ્લોની માહિતી આપી હતી.
બીજીબાજુ સટ્ટાબાજોએ સોનામાં તેમની ખરીદી ઘટાડી છે. 3 નવેમ્બર સુધીના ઉપલબ્ધ લેટેસ્ટ CFTCના આંકડા મુજબ Comex ગોલ્ડમાં નોન ફાઈનાન્સિયલ નેટ લોન્ગ પોઝિશન 6,903 કોન્ટ્રાક્ટ ઘટીને 1,79,548 રહી ગઈ. સપ્ટેમ્બરની શરૂઆતમાં તે લગભગ 2,32,000 કોન્ટ્રાક્ટ હતી. ત્યાર બાદ સતત દરેક સપ્તાહે તેમાં ઘટાડો નોંધાયો. મેનેજ્ડ મનીની નેટ લોન્ગ પોઝિશન પણ ઘટીને લગભગ 1,04,300 કોન્ટ્રાક્ટ રહી ગઈ. ચાંદીમાં સટ્ટાબાજોની નેટ લોન્ગ પોઝિશનમાં 1,548 કોન્ટ્રાક્ટનો મામૂલી વધારો થયો અને તે 21,251 કોન્ટ્રાક્ટ પર પહોંચી ગયો. જોકે, આ આંકડો પણ આ વર્ષના સૌથી નીચા સ્તરો નજીક છે. 10 નવેમ્બરના આંકડા કે જેમાં CPI પછી થયેલી વેચવાલીની અસર સામેલ હોવા જોઈએ તે ઉપલબ્ધ સ્રોતોમાં નથી મળ્યા.
સપ્તાહમાં હવે શું?

આ સપ્તાહ આર્થિક આંકડા અને ફેડ અધિકારીઓના નિવેદનોની દૃષ્ટિએ ઘણું મહત્વપૂર્ણ રહશે. સોમવારે ફેડ ચેરમેન કેવિન વોર્શનું ભાષણ છે. મંગળવારે ઓક્ટોબરના અમેરિકન રિટેલ સેલ્સના આંકડા આવશે. બુધવારે ફેડરલ રિઝર્વની ઓક્ટોબરની બેઠકની મિનિટ્સ જાહેર થશે. બજારનું વર્તમાન સેન્ટિમેન્ટ નબળું બનેલું છે. Kitcoના સાપ્તાહિક સર્વેક્ષણમાં વોલ સ્ટ્રીટના 62 ટકા વિશ્લેષકોએ સોના અંગે મંદીનું વલણ દર્શાવ્યું છે જ્યારે માત્ર 15 ટકા વિશ્લેષકોને તેજીની આશા છે. ગોલ્ડમેન સાશે પણ 2026ના અંત સુધીમાં સોનાનું તેનું લક્ષ્ય ઘટાડીને 4,150 ડોલર પ્રતિ ઔંસ કરી દીધું છે. સોમવારની શરૂઆતના કારોબારમાં જ સ્પોટ ગોલ્ડ અંદાજે 3,845 ડોલર અને ચાંદી લગભગ 47.30 ડોલર પ્રતિ ઔંસ સુધી ગગડ્યા છે.
ટેકનિકલ આઉટલૂક
સોના અને ચાંદીમાં મહત્વનું સપોર્ટ લેવલ્સ તૂટ્યું હોવાથી વધુ ઘટાડાની સંભાવના નકારી શકાય નહીં. સ્પોટ ગોલ્ડ માટે પ્રતિ ઔંસ 3,850 ડોલર પહેલો સપોર્ટ છે. ત્યાર પછી પ્રતિ ઔંસ 3,700 ડોલર સુધી ભાવ ગગડી શકે છે, તેનાથી નીચે સાપ્તાહિક બંધ આવતા ભાવ પ્રતિ ઔંસ 3,500 ડોલર સુધી જઈ શકે છે. પ્રતિકારક સ્તર 4,000 ડોલર છે અને ત્યાર પછી ઉપરની તરફ પ્રતિ ઔંસ 4,200 ડોલર મહત્વનું સ્તર છે. MCX પર ટેકારૂપ સ્તર પ્રતિ 10 ગ્રામ રૂ. 1,30,000 અને રૂ. 1,25,000 છે જ્યારે પ્રતિકારક સ્તર પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,000 અને રૂ. 1,45,000 છે. ચાંદીમાં પ્રતિ ઔંસ 47 ડોલર અને 45 ડોલર ટેકારૂપ સ્તર છે જ્યારે પ્રતિકારક સ્તર પ્રતિ ઔંસ 50.70 ડોલર છે. MCX પર ટેકારૂપ સ્તર પ્રતિ કિલો રૂ. 1,68,000 અને રૂ. 1,60,000 જ્યારે પ્રતિકારક સ્તર રૂ. 1,80,000 અને રૂ. 1,90,000 છે.
નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદી અંગે સાવધ રહેવાની જરૂર છે. ફેડરલ રિઝર્વની વ્યાજદરો અંગેની સ્થિતિ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી સોનામાં તેજી સમયે 4,000 ડોલરની આજુબાજુના સ્તરે વેચવાલીની તક મેળવી શકાય છે. લાંબાગાળાના રોકાણકારો પ્રત્યેક ઘટાડે તબક્કાવાર ખરીદી કરી શખે છે, કારણ કે સેન્ટ્રલ બેન્કોની ખરીદી ચાલુ છે અને રાજકોષીય ખાધ તથા વૈશ્વિક નાણાકીય અનિશ્ચિતતા એવા ફંડામેન્ટલ છે, જે લાંબાગાળે સોનાના ભાવને મજબૂતી આપી શકે છે.
લેખિકા : ડો. રેનિશા ચૈનાની
ચીફ રિસર્ચ ઓફિસર, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલ
આ પણ જૂઓ
Disclaimer - ડો. રેનિશા ચૈનાની, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલના ચીફ રિસર્ચ ઓફિસર છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price: સપ્લાય વધવાની આશા, બ્રેન્ટ $95.53 અને WTI $88.52

Hallmarked Gold Scam: હોલમાર્ક છતાં સોનાની શુદ્ધતાની નથી ગેરંટી, CAG રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Gold price drop: સોનાના ભાવમાં મોટો કડાકો, $3,900 ની નીચે સરક્યું, જાણો શું છે મોટું કારણ?

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 24K, 22K અને 18K સોનાના લેટેસ્ટ રેટ

કપાસિયા ખોળમાં તેજી: દોઢ મહિનામાં રોકાણકારોને 20% થી વધુ વળતર, જિનરોને મોટો ટેકો

10 દિવસમાં સોનું ₹8660 અને ચાંદી ₹15000 તૂટ્યા: જાણો તમારા શહેરમાં આજે શું છે લેટેસ્ટ ભાવ

તેલિયા રાજાઓ બેફામ: મગફળીનું મબલખ ઉત્પાદન હોવા છતાં સિંગતેલનો ડબ્બો ₹3,110ની ઐતિહાસિક ટોચે





