ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં ગુજરાત સરકારનો મેગા રોડ-શો સફળ; સેમિકન્ડક્ટરથી શિપબિલ્ડિંગ અને પોરબંદરના ઇન્ટરનેશનલ રિસોર્ટ સુધી રોકાણની નવી તકો, ધોલેરા બનશે વૈશ્વિક કંપનીઓનું નવું આકર્ષણ

ગુજરાતને વૈશ્વિક રોકાણનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો તેજ કર્યા છે. આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરમાં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS-2027) પહેલાં સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં યોજાયેલા ગુજરાત સરકારના હાઇપ્રોફાઇલ રોડ-શો રોકાણની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. બંને દેશોની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓએ ગુજરાતમાં કરોડોના સંભવિત પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી ભાગીદારી, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે રસ દર્શાવ્યો છે.
સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર જેવા હાઇ-ટેક ઉદ્યોગો સાથે હવે શિપબિલ્ડિંગ, ગ્રીન એનર્જી, હેલ્થકેર અને પોરબંદરના કોસ્ટલ ટુરિઝમમાં પણ વિદેશી કંપનીઓની નજર ગુજરાત પર છે. દક્ષિણ કોરિયાની HJ હેવી ઇન્ડસ્ટ્રીઝે તો પોરબંદરમાં કોસ્ટલ ટુરિઝમ, હોસ્પિટાલિટી અને આંતરરાષ્ટ્રીય સ્તરના રિસોર્ટ પ્રોજેક્ટ્સ વિકસાવવામાં રસ દાખવ્યો છે.
મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં આઠ દિવસનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 19થી 26 ઓક્ટોબર, 2026 દરમિયાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ, રોકાણલક્ષી નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવાનો તેમજ VGGS-2027માં આંતરરાષ્ટ્રીય કંપનીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
પ્રતિનિધિમંડળમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનાં સચિવ તથા નોડલ ઓફિસર પી. ભારતી (IAS), પ્લાનિંગ વિભાગનાં સચિવ આદ્રા અગ્રવાલ (IAS), DSTના જોઈન્ટ ડાયરેક્ટર વસીમ મન્સુરી, GIFT સિટીના નિસર્ગ આચાર્ય સહિત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન, FICCI અને KPMGના પ્રતિનિધિઓ જોડાયા હતા.

સિંગાપોરમાં 20 બેઠકો, સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટા સહયોગની શક્યતા
સિંગાપોર પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે કુલ 20 બેઠકો અને મુલાકાતો યોજી હતી. જેમાં 9 વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, 2 સરકારી G2G બેઠકો, 5 રાઉન્ડટેબલ બેઠકો અને 4 ઔદ્યોગિક સ્થળોની મુલાકાતનો સમાવેશ થાય છે.
સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી ગન સિઓવ હુઆંગ સાથે પણ પ્રતિનિધિમંડળે મુલાકાત કરી હતી. આ ઉપરાંત સિંગાપોરમાં ભારતના હાઇકમિશનર ડૉ. શિલ્પક અંબુલે દ્વારા આયોજિત ડિનરમાં ભાગ લઈને દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો થયા હતા. SSIA, SICCI, AIBP, TiE Singapore અને Singapore Gujarati Society સાથેની બેઠકોમાં સેમિકન્ડક્ટર, ઇનોવેશન, GIFT સિટી અને ટેલેન્ટ ડેવલપમેન્ટ અંગે ચર્ચા થઈ હતી. પ્રતિનિધિમંડળે Micron Semiconductor Facility, Global Tech Solutions, ASMPTની Yishun Facility અને A*STAR Fusionopolisની મુલાકાત લઈને અદ્યતન ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રની વૈશ્વિક કામગીરીનો અભ્યાસ કર્યો હતો.
ધોલેરા-સાણંદ બનશે સેમિકન્ડક્ટર રોકાણનું હબ?
સિંગાપોરની મુલાકાત દરમિયાન અનેક કંપનીઓએ ગુજરાતમાં રોકાણની સંભાવનાઓ રજૂ કરી હતી. સિંગાપોર મુલાકાતથી જે મુખ્ય રોકાણ આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે, તેના પર નજર કરીએ તો, ગ્લોબલ ટેક સોલ્યુશન્સએ ધોલેરા ખાતે ઇક્વિપમેન્ટ રિફર્બિશમેન્ટ અને ક્વાર્ટઝ મેન્યુફેક્ચરિંગમાં રસ દર્શાવ્યો છે. તો ભારત સેમિટેકે સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં રસ બતાવ્યો છે. તો માઇક્રોન ટેકનોલોજી દ્વારા એસેમ્બલી અને ટેસ્ટિંગમાં વિસ્તરણ, ASMPT દ્વારા પેકેજિંગ ઇકોસિસ્ટમ, ઓટોડેસ્ક (AutoDesk) દ્વારા GIFT સિટીમાં ઓફિસ શરૂ કરવાની ઉત્સુકતા બતાવી છે, જયારે રેડવુડ ઇન્ટિરિયર દ્વારા પોરબંદરમાં ફર્નિચર ઉત્પાદન, ગાર્ડન્ટ AMEA દ્વારા આરોગ્ય ક્ષેત્રે કૅન્સર નિદાન માટે GBU, GBRC, GCRI, GSBTM સાથે પ્રસ્તાવિત સહયોગને લઈ ચર્ચા કરવામાં આવી હતી.
કેપેલ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા ગુજરાતમાં ડેટા સેન્ટરો અને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે પાણી, ઊર્જા, કૂલિંગ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સની તકો અંગે રસ બતાવ્યો હતો. તો SMIT સેવવેજ દ્વારા MERC દ્વારા ગુજરાતમાં ઓપરેશનલ બેઝ સ્થાપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, જેમાં રિસ્પોન્સ ઇક્વિપમેન્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે. ડે નોરાનું હાલમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સાથે કામ કરી રહ્યું છે, જેમણે સેમિકન્ડક્ટર-ગ્રેડ વોટર અને વેસ્ટવોટર સોલ્યુશન્સમાં રસ બતાવ્યો છે. તો A*STARએ સિલિકોન ફોટોનિક્સ અને SiC ટેકનોલોજીમાં R&D સહયોગ કરવા માટે રસ બતાવ્યો છે. ખાસ કરીને સિંગાપોરની મુલાકાત દરમિયાન GIFT સિટીને ASEAN દેશો સાથેના વેપાર અને રોકાણનું કેન્દ્ર બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ માટે સિંગાપોરમાં 'ગુજરાત સપોર્ટ ઓફિસ' અથવા GIFT સિટીનું પ્રતિનિધિ કાર્યાલય શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ કોરિયામાં 25 કાર્યક્રમો, શિપબિલ્ડિંગથી બાયોટેક સુધી રસ
સિંગાપોર બાદ પ્રતિનિધિમંડળે દક્ષિણ કોરિયામાં રોકાણકારો અને ઔદ્યોગિક જૂથો સાથે બેઠકો યોજી હતી. અહીં કુલ 25 કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 15 વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, 3 રાઉન્ડટેબલ બેઠકો અને 7 સાઇટ વિઝિટ્સનો સમાવેશ થયો હતો. ભારતીય દૂતાવાસ અને 'મેક ઇન ઇન્ડિયા કોરિયા'ના સહયોગથી કોરિયન બિઝનેસ લીડર્સ રાઉન્ડટેબલ યોજાઈ હતી. ICCKના સભ્યો સાથે પણ રોકાણ અને ઔદ્યોગિક સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળે HJ Heavy Industries, Hanwha Ocean, Hanyang Engineering, GnBS Eco, Gachon University MRI Research Centre, Dawon Medax BNCT Centre અને Seoul Semiconductor જેવી કંપનીઓ તથા ટેકનોલોજી સંસ્થાઓની મુલાકાત લીધી હતી. સેમિકન્ડક્ટર, ડિસ્પ્લે ટેકનોલોજી, ડેટા સેન્ટર, શિપબિલ્ડિંગ, કેમિકલ્સ, બાયોટેકનોલોજી, ક્લીન એનર્જી, રોબોટિક્સ અને એગ્રીટેક ક્ષેત્રે ગુજરાતમાં રોકાણની શક્યતાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
દક્ષિણ કોરિયાની કંપનીઓની ગુજરાતમાં રોકાણ માટેની મોટી યોજનાઓ
દક્ષિણ કોરિયાની મુલાકાતથી ગુજરાતમાં આવનાર સંભવિત મુખ્ય રોકાણ પર નજર કરીએ તો GnBS Eco દ્વારા ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ માટે 12 એકર જમીનની માંગ કરવામાં આવી છે. સિલિકોન ડિસ્પ્લેએ 12-ઈંચ TFT ફિંગરપ્રિન્ટ-સેન્સર સેમિકન્ડક્ટર ફેબમાં રસ બતાવ્યો છે. LAMKO & ડોંગવૂ ફાઇન-કેમએ ધોલેરા અથવા વડોદરામાં સેમિકન્ડક્ટર કેમિકલ્સ અને મટીરિયલ્સ ઉત્પાદનમાં રસ દાખવ્યો છે. સિઓલ સેમિકન્ડક્ટરએ LED અને માઇક્રો LED ઉત્પાદનમાં રસ બતાવ્યો છે જયારે NOVA Data Centersએ ઈનફિક્સઝોન ટેકનોલોજીસ અને ફ્યુચરોટેક સોલ્યુશન્સ સાથે મળીને ગુજરાતમાં હાઇપરસકેલ ડેટા સેન્ટર વિકસાવવાની યોજના બનાવી છે. હાનવા અને દાસુન શિપબિલ્ડિંગએ મેરીટાઇમ ઇન્ડસ્ટ્રી અને શિપબિલ્ડિંગમાં પીપાવાવ અને ગુજરાતની સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારીની ઈચ્છા દર્શાવી છે. HJ હેવી ઇન્ડસ્ટ્રીઝએ પોરબંદરમાં કોસ્ટલ ટુરિઝમ, હોસ્પિટાલિટી અને આંતરરાષ્ટ્રીય રિસોર્ટ પ્રોજેક્ટ્સ અંગે રસ બતાવ્યો હતો. આ ઉપરાંત SOFTPV સાથેની બેઠકમાં દક્ષિણ કોરિયાની કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે માર્ગદર્શન અને પ્રોજેક્ટની મંજૂરીઓમાં સુવિધા આપવા સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો હતો.
રોકાણકારો માટે સિંગલ વિન્ડો જેવી વ્યવસ્થા પર ભાર
આ મુલાકાતો દરમિયાન માત્ર રોકાણની તકો જ નહીં, પરંતુ વિદેશી કંપનીઓને ગુજરાતમાં વ્યવસાય સ્થાપવામાં સરળતા રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સિંગાપોરમાં ગુજરાત સપોર્ટ ઓફિસ અથવા GIFT સિટીનું ASEAN પ્રતિનિધિ કાર્યાલય અને દક્ષિણ કોરિયાની કંપનીઓ માટે SPOCની વ્યવસ્થા જેવા સૂચનો આ દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે.

VGGS-2027 પહેલાં ગુજરાતની વૈશ્વિક બ્રાન્ડિંગને નવી ગતિ
સિંગાપોર અને દક્ષિણ કોરિયાના આઠ દિવસીય પ્રવાસ દરમિયાન થયેલી બેઠકો અને ઔદ્યોગિક મુલાકાતોએ ગુજરાત માટે રોકાણની નવી સંભાવનાઓ ઊભી કરી છે. ખાસ કરીને ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ, ગુજરાતમાં હાઇપરસ્કેલ ડેટા સેન્ટર્સ, પીપાવાવમાં શિપબિલ્ડિંગ અને પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય ટુરિઝમ પ્રોજેક્ટ્સ આ પ્રવાસનાં મુખ્ય આકર્ષણો બન્યાં છે.
જોકે, હાલ આ તમામ દરખાસ્તો અને ચર્ચાઓ રોકાણની સંભાવનાઓ તથા કંપનીઓ દ્વારા દર્શાવાયેલા પ્રાથમિક રસના તબક્કે છે. અંતિમ રોકાણ, જમીન ફાળવણી અને પ્રોજેક્ટ અમલીકરણ અંગેના નિર્ણયો આગળની પ્રક્રિયા પર નિર્ભર રહેશે.
તેમ છતાં, સેમિકન્ડક્ટરથી લઈને ગ્રીન હાઇડ્રોજન, હેલ્થકેર, AI, ડિજિટલ ટેકનોલોજી અને મેરીટાઇમ ક્ષેત્ર સુધી વિસ્તરતી આ ભાગીદારી ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવી શકે છે. હવે સૌની નજર જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પર છે, જ્યાં આ પ્રાથમિક ચર્ચાઓ નક્કર રોકાણ દરખાસ્તો અને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થાય તેવી અપેક્ષા છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત




