ટાટા ગ્રુપના વિવાદમાં બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય, ટાટા સન્સની બોર્ડ બેઠકને લીલી ઝંડી
ટાટા ગ્રુપમાં ચાલી રહેલા નેતૃત્વના વિવાદ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે Tata Trustsની અરજીઓ પર સુનાવણી કરતાં 30મી નવેમ્બર, 2026ના રોજ યોજાનારી Tata Sonsની બોર્ડ બેઠક પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. જોકે, બેઠકમાં લેવાયેલા નિર્ણયો કોર્ટના અંતિમ ચુકાદાને આધીન રહેશે. હવે આ કેસની આગામી સુનાવણી 21મી જાન્યુઆરી 2027ના રોજ થશે.

Tata Sons Bombay High Court: દેશના સૌથી મોટા બિઝનેસ સમૂહોમાંથી એક ટાટા ગ્રુપમાં નેતૃત્વ અને નિર્ણય લેવાના અધિકારો અંગે ચાલી રહેલો વિવાદ હવે બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. શુક્રવારે (27મી નવેમ્બર) કોર્ટે Tata Trustsની બે અરજીઓ પર સુનાવણી કરી હતી. આ અરજીઓમાં Tata Sonsના એક્ઝિક્યુટિવ ચેરમેન એન. ચંદ્રશેખરનની પુનઃનિમણૂક અને ચેરમેનના વિશેષ મતાધિકાર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
30મી નવેમ્બરની બેઠકને કોર્ટની મંજૂરી
Tata Trustsએ આગામી બોર્ડ બેઠક મોકૂફ રાખવા અથવા તેના પર વચગાળાની રોક લગાવવાની માગ કરી હતી. જોકે,બોમ્બે હાઈકોર્ટે આ તબક્કે કોઈ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. તેના કારણે 30મી નવેમ્બરની બેઠક નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાઈ શકશે. કોર્ટે સાથે સ્પષ્ટ કર્યું છે કે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો કોર્ટમાં પડતર કેસના અંતિમ ચુકાદાને આધીન રહેશે. એટલે બેઠક યોજવાની મંજૂરીને વિવાદનો અંતિમ ઉકેલ માનવો યોગ્ય નથી.
ચંદ્રશેખરનની નિમણૂક સામે વાંધો કેમ?
Tata Sonsના બોર્ડે 17મી સપ્ટેમ્બર, 2026ના રોજ એન. ચંદ્રશેખરનને ફરી એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. પરંતુ Sir Dorabji Tata Trust અને RD Tata Trustએ આ નિર્ણયની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. ટ્રસ્ટ્સનું કહેવું છે કે કંપનીના નિયમો પ્રમાણે કેટલાક મહત્ત્વર્ણ નિર્ણયો માટે ટ્રસ્ટ્સ દ્વારા નિયુક્ત ડિરેક્ટર્સની જરૂરી સંમતિ હોવી જોઈએ. તેનો દાવો છે કે સંબંધિત ઠરાવમાં આ શરતનું યોગ્ય પાલન થયું નથી.
કાસ્ટિંગ વોટનો વિવાદ શું છે?
બોર્ડ બેઠકમાં મતદાન દરમિયાન સમાન મતો પડે ત્યારે ચેરમેનને મળતા વધારાના નિર્ણાયક મતને ‘કાસ્ટિંગ વોટ’ કહેવામાં આવે છે. Tata Trustsના વકીલોનો દાવો છે કે 17 સપ્ટેમ્બરની બેઠકમાં આ અધિકારનો ઉપયોગ કરીને ટ્રસ્ટ્સ દ્વારા નિયુક્ત ડિરેક્ટર્સની જરૂરી સંમતિ વગર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમના મતે, Tata Sonsના Articles of Associationની કલમ 121 હેઠળ ટ્રસ્ટ્સના નોમિની ડિરેક્ટર્સને મળેલા અધિકારોનું પાલન કરવું જરૂરી છે. બીજી તરફ Tata Sonsના પક્ષની દલીલ છે કે નિયમો હેઠળ ચેરમેનને મતદાનમાં સમાન સ્થિતિ સર્જાય ત્યારે નિર્ણાયક મત આપવાનો અધિકાર છે. આ બંને અર્થઘટનો અંગે અંતિમ નિર્ણય કોર્ટ કરશે.
30 નવેમ્બરની બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા?
આગામી બોર્ડ બેઠકમાં 17મી સપ્ટેમ્બરની બેઠકની કાર્યવાહી નોંધને મંજૂરી આપવાનો મુદ્દો સામેલ છે. આ ઉપરાંત અસાધારણ સામાન્ય સભા (EGM) બોલાવવી અને Tata Sonsના સંભવિત શેરબજાર લિસ્ટિંગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. Tata Trustsને આશંકા છે કે અગાઉની જેમ નિર્ણાયક મતનો ઉપયોગ કરવામાં આવશે તો તેમના નોમિની ડિરેક્ટર્સના અધિકારોને અસર થઈ શકે છે.
નોએલ ટાટાના વકીલે શું રજૂઆત કરી?
નોએલ ટાટા તરફથી હાજર વરિષ્ઠ વકીલ જનક દ્વારકાદાસે ટ્રસ્ટ્સના અધિકારો અંગે દલીલો રજૂ કરી હતી. તેમણે આગામી બેઠક પહેલાં વચગાળાની રાહત આપવાની જરૂરિયાત દર્શાવી હતી. પરંતુ હાઈકોર્ટે હાલ કોઈ રોક લગાવી નથી. કોર્ટે પક્ષકારોને જવાબ રજૂ કરવા માટે સમય આપ્યો છે.
હવે આગળ શું થશે?
આ કેસની આગામી સુનાવણી 21મી જાન્યુઆરી, 2027ના રોજ નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી 30મી નવેમ્બરની બોર્ડ બેઠક યોજી શકાશે, પરંતુ તેના નિર્ણયો કોર્ટના અંતિમ ચુકાદાને આધીન રહેશે. નોંધનીય છે કે, Tata Sonsને બોર્ડ બેઠક યોજવાની મંજૂરી મળી છે, પરંતુ ચંદ્રશેખરનની પુનઃનિમણૂક અને મતાધિકાર અંગેનો કાનૂની વિવાદ હજુ પૂર્ણ થયો નથી.
આ પણ વાંચો: IPOમાં ₹2 લાખથી વધુ રોકાણ કરી શકાશે?, રિટેલ રોકાણકારો માટે મોટો ફેરફાર કરવાની તૈયારી!
Also Read

ભારતમાં એનર્જી અને પ્રોટીન ડ્રિંક્સનો ક્રેઝ!, ₹2.56 લાખ કરોડ સુધી પહોંચી શકે બજાર

મેગી બનાવતી નેસ્લે ઇન્ડિયાની મુશ્કેલી વધી, EPFOએ ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

Gold Import in India: ભારત કયા દેશો પાસેથી ખરીદે છે સૌથી વધુ સોનું? જાણો ટોપ-6 દેશોની યાદી

સસ્તા રિચાર્જ પ્લાનને લઈને Jio-Airtel અને TRAI વચ્ચે વિવાદ, ગ્રાહકોને સૌથી પહેલાં બતાવવા પડશે આ ખાસ પ્લાન

YouTube, Instagram કે Facebook: 1 મિલિયન વ્યૂઝ પર કયું પ્લેટફોર્મ આપે છે સૌથી વધુ કમાણી? જાણો સંપૂર્ણ ગણિત

મુંબઈના વિકાસમાં સામાન્ય લોકો પણ કરી શકશે રોકાણ!, પહેલીવાર બોન્ડ લાવવાની તૈયારી, જાણો કેવી રીતે થશે કમાણી

સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો, RBIના આંકડાએ વધારી ચિંતા




