
ચીનની સોનાની ચાલ, ગોલ્ડ ઈમ્પોર્ટમાં શું આ વર્ષે તોડશે 10 વર્ષનો રેકોર્ડ?
ચીન આ વર્ષે 1,700 ટન સોનાની આયાત કરે તેવો અંદાજ, આઠ મહિનામાં 1,141 ટન આયાત કરી

દુનિયાભરમાં ભૂ-રાજકીય સ્થિતિ તણાવભરી છે. એશિયામાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલે છે, પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સાત મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો પૂરવઠો ખોરવી નાંખ્યો છે. વૈશ્વિક સ્તરે આ ભૂ-રાજકીય હિલચાલ અને અનિશ્ચિત ભાવી વચ્ચે ચીને મોટાપાયે સોનાની ખરીદી ચાલુ રાખી છે. ચીને 2026માં સોનાની આયાતમાં આક્રમક વલણ અપનાવ્યું છે. ચીન જે ઝડપે સોનાની ખરીદી કરી રહ્યું છે તે આગામી સમયમાં પણ ચાલુ રહેશે તો તેની આયાત અંદાજે 1700 ટન સુધી પહોંચી શકે છે. હેરિયસ મુજબ આ દાયકામાં અત્યાર સુધીમાં સૌથી ઊંચું સ્તર હશે. ચીને ઓગસ્ટમાં 142 ટન સોનાની આયાત કરી અને પહેલા આઠ મહિનાની કુલ આયાત 1,141 ટન પહોંચી હતી.
હેરિયસના કિંમતી ધાતુના વિશ્લેષકો મુજબ 2026માં ચીનની સોનાની આયાત ગયા વર્ષની સરખામણીમાં બમણી થઈ શકે છે. જેના પગલે તે 2020ના દાયકામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું વાર્ષિક સ્તર બની શકે છે. ચીને ઓગસ્ટમાં 142 ટન સોનાની આયાત કરી હત. તેની સાથે 2026ના પહેલા આઠ મહિનામાં ચીનની સોનાની આયાત 1,141 ટન હતી, જે ગયા વર્ષના સમાન સમયમાં આયાત કરાયેલા 663 ટનથી 72 ટકા વધુ છે. એટલું જ નહીં તે 2025ના આખા વર્ષની 940 ટન આયાતથી પણ વધુ છે.
ઊંચી કિંમતો છતાં સોનાની ખરીદી
હેરિયસ મુજબ સોનાના ભાવ ઐતિહાસિકરૂપે ઊંચા સ્તરે હોવા છતાં ચીનની સોનાની ખરીદી મજબૂત રહી છે. તે સતત બનેલી રોકાણ માગ દર્શાવે છે જ્યારે ચીનમાં ઘરેણાંની માગ તુલનાત્મક રીતે નબળી રહી છે. આ બિન મૌદ્રિક સોનાની આયાત ચીનની કેન્દ્રીય બેન્કની ખરીદીથી અલગ છે. ચીનની કેન્દ્રીય બેન્કે ઓગસ્ટમાં તેના સત્તાવાર ભંડારમાં 20 ટન સોનાનો ઉમેરો કર્યો હતો. ચીનની સોનાની આયાતની ઝડપ 2026ના બાકીના મહિનામાં પણ આ જ રહેશે તો આખા વર્ષની આયાત અંદાજે 1700 ટન હોઈ શકે છે, જે આ દાયકામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર હશે.
ઓસ્ટ્રેલિયામાં સોનાનું ઉત્પાદન 303 ટન
ઓસ્ટ્રેલિયામાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સોનાનું ઉત્પાદન વધતું રહ્યું. ઊંચા ભાવથી ખાણ ક્ષેત્રને સમર્થન મળ્યું. હેરિયસ મુજબ જૂનમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 303 ટન સોનાનું ઉત્પાદન થયું. આ લાંબા સમયના અંદાજે 300 ટન વાર્ષિક ઉત્પાદન સ્તરને અનુરૂપ છે. જૂન ત્રિમાસિકમાં વધુ ખાણોનું ઉત્પાદન સારું થયું. આ સમયમાં અનેક નાની ઉત્પાદક કંપનીઓએ પણ ઉત્પાદન શરૂ કર્યું. ઓસ્ટ્રેલિયાનું 303 ટન ઉત્પાદન 2025માં દુનિયામાં ખાણથી મળેલા કુલ 3,822 ટન સોનાના અંદાજે 8 ટકા હતું.
ઈન્ડોનેશિયામાં ખાનગી સોનાને નાણાકીય વ્યવસ્થામાં લાવવાની યોજના
હેરિયસે કહ્યું કે, ઈન્ડોનેશિયા ખાનગી રીતે રખાયેલા સોનાને ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં લાવવા માટે એક યોજના પર કામ કરી રહ્યું છે. સરકારનું માનવું છે કે દેશના પરિવારો પાસે અંદાજે 1,800 ટન સોનું ઔપચારિક રોકાણ માધ્યમોથી બહાર રખાયેલું છે.સરકારે સરકારી સંસ્થાઓને કહ્યું છે કે આ સોનામાંથી અંદાજે 20 ટકા એટલે કે લગભગ 360 ટનને સોના આધારિત બેન્કિંગ અને નાણાકીય ઉત્પાદનોમાં લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. આ પહેલનો આશય ખાનગીરૂપે રખાયેલા સોનાને જમા, જમાનત અને અન્ય નાણાકીય સંપત્તિઓમાં બદલવાનું છે. તેનાથી ઘરેલુ સોના બજારને મજબૂત કરવા અને પરિવારોની સંપત્તિના વધુ હિસ્સાને નાણાકીય વ્યવસ્થામાં લાવવામાં મદદ મળી શકે છે.
ભારતમાં નબળા ચોમાસાથી ગ્રામિણોની માગ પર દબાણ
હેરિયસના વિશ્લેષકો મુજબ ભારતમાં નબળું મોચાસું આ વર્ષે તહેવાર અને લગ્નની મોસમમાં ગ્રામીણોની માગ પર અસર કરી શકે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસાનો વરસાદ લાંબા સમયની સરેરાશના અંદાજે 15 ટકા ઓછો રહ્યો. તેનાથી સોનાની માગ પર જોખમ પેદા થયું છે, કારણ કે ઓછા વરસાદથી પાકની ઉપજ પર અસર થઈ શકે છે અને ગ્રામીણ આવક ઘટી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઐતિહાસિક વિશ્લેષણ મુજબ સરેરાશ કરતાં એક ટકા વધુ વરસાદ સોનાની માગમાં 0.2 ટકાનો વધારા સાથે સંકળાયેલ છે. એવામાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી સોનાની માગ માટે કેટલુંક દબાણ પેદા કરી શકે છે. ભારતમાં 2025માં સોનાની કુલ માગ 768 ટન રહી હતી, જે દુનિયાની કુલ માગના અંદાજે 15 ટકા જેટલી હતી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See moreEconomy
See more- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
- વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM


