KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મસાલા બજારમાં આગઝરતી તેજી: આ 3 કારણોસર લવિંગના ભાવમાં આવ્યો 25% નો મોટો ઉછાળો

વૈશ્વિક બજારમાં લવિંગનું ઉત્પાદન ઘટવા, ઊંચા નૂર ભાડા અને સિગરેટ ફેક્ટરીઓની વધતી માંગને કારણે છેલ્લા ત્રણ મહિનામાં લવિંગના ભાવમાં 25% નો ઉછાળો આવ્યો છે. ભારતના 24 થી 25 હજાર ટનના વાર્ષિક વપરાશ સામે સ્થાનિક ઉત્પાદન માત્ર 500 ટન હોવાથી બજારમાં તેજીનો માહોલ છે.

Kuberanow DeskPublished On : 19 Nov 2026
Clove Prices Surge
Clove Prices SurgeAI

Clove Price Hike: કોમરોઝ, ઝાંઝીબાર અને મડાગાસ્કર જેવા મુખ્ય વૈશ્વિક ઉત્પાદક મથકો પર લવિંગના ઉત્પાદનમાં થયેલો મોટો ઘટાડો, ઊંચા નૂર ભાડા અને સિગરેટ ફેક્ટરીઓની વધતી માંગને કારણે સ્થાનિક બજારમાં લવિંગના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં લવિંગના ભાવમાં 25 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.


ત્રણ મહિનામાં ભાવ ₹1,075 સુધી પહોંચ્યા

વાશી એપીએમસી સ્થિત લવિંગના આયાતકાર કોમલ સ્પાઇસીસના ગોપાલ આહુજાના જણાવ્યા મુજબ, નૂર ભાડામાં થયેલા વધારા ઉપરાંત પુરવઠાની ખેંચને કારણે બજારમાં આ તેજી આવી છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં જે લવિંગના ભાવ કિલો દીઠ ₹850 થી ₹875 હતા, તે હાલમાં વધીને ₹1,050 થી ₹1,075 સુધી પહોંચી ગયા છે. શ્રીલંકાનો નવો પાક જાન્યુઆરીમાં આવશે, પરંતુ તે પણ સરેરાશ કરતાં ઓછો રહેવાની સંભાવના છે. સામાન્ય રીતે શ્રીલંકાનો મોટો પાક ઊંચી ગુણવત્તા અને ઊંચા ભાવને કારણે યુરોપ અને સાઉદી અરેબિયા તરફ જતો હોય છે.


વૈશ્વિક ઉત્પાદનમાં મોટો ઘટાડો

વાશી સ્થિત એક હોલસેલ વેપારીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્ય ઉત્પાદક દેશોમાં પાકનું ચિત્ર નબળું રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં આવેલો કોમરોઝનો પાક ગત વર્ષના 7,000 ટનની સામે આ વર્ષે ઘટીને માત્ર 2,500 ટન રહ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બરમાં ઝાંઝીબારનો પાક ગત વર્ષના 5,000 ટનની સામે આ વખતે 2,000 ટન જ રહ્યો છે. આ ઉપરાંત ઓક્ટોબરમાં મડાગાસ્કરનો પાક ગત વર્ષના 30,000 ટનની સરખામણીએ આ વર્ષે માંડ 7,000 ટન જેટલો જ ઉતર્યો છે.


વપરાશ સામે નજીવું ઉત્પાદન અને આગામી અંદાજ

લવિંગના હોલસેલ વેપારી રાજુ સંઘવીએ જણાવ્યું હતું કે એક તરફ સિગરેટ કંપનીઓની વિશેષ માંગ નીકળી છે, તો બીજી તરફ ભારતીય બજારોમાં વેચાતા લવિંગનો નવો પુરવઠો આગામી જુલાઈ સુધી આવવાની કોઈ સંભાવના નથી. ઇન્ડોનેશિયાનો પાક એપ્રિલમાં શરૂ થાય છે, પરંતુ ભારતીય ગ્રાહકોને પસંદ આવે તેવી ક્વોલિટી જુલાઈ મહિનામાં જ બજારમાં આવશે. ભારતમાં લવિંગનો કુલ વાર્ષિક વપરાશ 24 થી 25 હજાર ટન જેટલો છે, જેની સામે સ્થાનિક ઉત્પાદન માંડ 500 ટનનું જ થાય છે. પુરવઠાની આ ખેંચને જોતા સ્થાનિક બજારમાં લવિંગના ભાવ ફેબ્રુઆરી-2027 સુધીમાં કિલો દીઠ ₹1,200 સુધી પહોંચી શકે છે.


આ પણ વાંચોઃ Gondal APMC: મરચા, જીરૂ અને ક્લંજીમાં તેજી, જાણો કપાસ-મગફળી સહિત 31 જણસીના ભાવ


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn