Sugar Industry: ખાંડના મજબૂત ભાવ છતાં મિલોના નફા પર સંકટ, ઇથેનોલના નિયંત્રણો અને વધતા ખર્ચનો માર
ઇથેનોલ ઉત્પાદન પરનાં નિયંત્રણો, શેરડીની ખરીદીનો વધતો ખર્ચ અને વધુ ઋણની જરૂરિયાતથી ખાંડ મિલોની નફાકારકતા દબાણમાં આવી શકે છે. Crisil Ratingsના અંદાજ મુજબ, ચાલુ નાણાકીય વર્ષે ઉદ્યોગનું ઓપરેટિંગ માર્જિન ઘટીને આશરે 6% રહેશે. ખાંડના મજબૂત ભાવથી આવક વધશે, પરંતુ વધતા ખર્ચની સંપૂર્ણ ભરપાઈ થવાની શક્યતા ઓછી છે.

Sugar Industry: ખાંડના મજબૂત ભાવ પણ આ વખતે સુગર મિલોની કમાણીને પૂરતો ટેકો આપી શકે તેમ નથી. વધુ નફો આપતા ઇથેનોલના વેચાણમાં ઘટાડાની શક્યતા શેરડીની ખરીદીનો વધતો ખર્ચ અને ધંધો ચલાવવા માટે વધુ ઉધાર લેવાની જરૂરિયાત આ ત્રણેય પરિબળો મિલોના નફા પર દબાણ વધારી રહ્યાં છે. પરિણામે, વેચાણમાંથી થતી આવક વધવા છતાં મિલોની નફાકારકતા ઘટી શકે છે.
Crisil Ratingsના અંદાજ મુજબ, ચાલુ નાણાકીય વર્ષે ખાંડ ઉદ્યોગનું ઓપરેટિંગ માર્જિન 140થી 160 બેસિસ પોઇન્ટ, એટલે કે 1.40થી 1.60 ટકા પોઇન્ટ ઘટીને આશરે 6% રહી શકે છે. એજન્સીએ 55 ખાંડ મિલોનું વિશ્લેષણ કર્યું છે. ગત સિઝનમાં દેશના કુલ ખાંડ ઉત્પાદનમાં આ મિલોનો હિસ્સો લગભગ ચોથા ભાગ જેટલો હતો.
શેરડીનું ઉત્પાદન ઘટવાની શક્યતા વચ્ચે દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે લેવાયેલાં નીતિગત પગલાંથી આ દબાણ ઊભું થયું છે. ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2027 માટે શેરડી આધારિત કાચા માલમાંથી ઇથેનોલનું ઉત્પાદન વ્યવહારિક રીતે માત્ર C-heavy molasses સુધી મર્યાદિત કરવામાં આવ્યું છે. આ ખાંડ બનાવવાની પ્રક્રિયામાં મળતું મોલાસિસ છે. અગાઉનાં વર્ષોમાં કુલ ખાંડ ઉત્પાદનના લગભગ 10% જેટલો હિસ્સો નિયમિત રીતે ઇથેનોલ બનાવવા તરફ વાળવામાં આવતો હતો. તેની સરખામણીએ આ મોટો ફેરફાર છે.
બીજી તરફ, મિલોના કાચા માલનો ખર્ચ પણ વધી રહ્યો છે. ખાંડની સિઝન (Sugar Season-SS) 2027 માટે શેરડીનો વાજબી અને વળતરદાયક ભાવ Fair and Remunerative Price (FRP) લગભગ 3% વધારીને પ્રતિ ક્વિન્ટલ ₹365 કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાતા શેરડીના ભાવ (SAP)માં વધારો થશે તો મિલો પર ખર્ચનો વધુ બોજ પડી શકે છે.
મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં હવામાન સંબંધિત ચિંતાઓને કારણે શેરડીની ઉપજને અસર થવાની શક્યતા છે. તેથી Crisilને SS 2027માં કુલ ખાંડ ઉત્પાદન ઘટીને આશરે 29 મિલિયન ટન રહેવાની અપેક્ષા છે. અગાઉની સિઝનમાં ઉત્પાદન 31.1 મિલિયન ટન હતું. વપરાશ પણ લગભગ ઉત્પાદન જેટલો રહેવાની ધારણા હોવાથી માગ અને પુરવઠા વચ્ચેની સ્થિતિ તંગ રહી શકે છે.
સ્થાનિક ઉપલબ્ધતા જાળવવા સરકારે ઑગસ્ટથી ડિસેમ્બર 2026 દરમિયાન 1 મિલિયન ટન ખાંડની આયાતની મંજૂરી આપી છે. આ સાથે ભારત લગભગ એક દાયકા પછી ફરી ખાંડની આયાત તરફ વળ્યું છે. આયાત અને સ્થાનિક પુરવઠો સુરક્ષિત રાખવાનાં અન્ય પગલાંથી ખાંડના ભાવમાં મોટા ઉછાળા પર અંકુશ રહી શકે છે.
સ્થિર માગ અને વેચાણમાંથી મળતા મજબૂત ભાવના આધારે ચાલુ નાણાકીય વર્ષે ખાંડ મિલોની ઓપરેટિંગ આવકમાં 4થી 5% વૃદ્ધિ થવાની અપેક્ષા છે. તેમ છતાં, વધુ માર્જિન આપતા ઇથેનોલ ઉત્પાદનમાંથી દૂર થવું, શેરડીનો વધતો ખર્ચ અને ઓછું માર્જિન આપતા એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA)ના વેચાણનો વધતો ફાળો નફાકારકતાને અસર કરશે. C-heavy molassesમાંથી બનતું ઇથેનોલ પણ મર્યાદિત ટેકો જ આપશે. તેનું કારણ એ છે કે તેના સરકાર દ્વારા નક્કી કરાતા ભાવ છેલ્લાં ત્રણ વર્ષથી બદલાયા નથી.
મિલો માટે પડકાર માત્ર નફામાં ઘટાડા પૂરતો મર્યાદિત નથી. ખાંડના ભાવ મજબૂત હોવાથી સંગ્રહમાં રહેલા જથ્થાનું મૂલ્ય વધશે. આ જથ્થા માટે વધુ નાણાં રોકવાં પડતાં રોજિંદો ધંધો ચલાવવાની મૂડીની જરૂરિયાત વધશે અને મિલોએ વધુ ઋણ લેવું પડી શકે છે. ઓપરેટિંગ નફાકારકતા ઘટવા અને વ્યાજનો ખર્ચ વધવાથી ઋણ તથા વ્યાજ ચૂકવવાની ક્ષમતા નબળી પડી શકે છે.
નાણાકીય વર્ષ 2028માં ઉદ્યોગની સ્થિતિ મુખ્યત્વે શેરડીના ખર્ચની સામે ખાંડના ભાવ કેવી રીતે રહે છે, ઇથેનોલના ભાવમાં શું ફેરફાર થાય છે અને ચોમાસું કેવું રહે છે તેના પર નિર્ભર રહેશે. આ પરિબળો નક્કી કરશે કે મિલો પોતાનું માર્જિન સુધારીને ઋણ ચૂકવવાની સ્થિતિ મજબૂત કરી શકે છે કે નહીં.
આ પણ વાંચો:
આ પણ જુઓ:
Also Read

સોનું નહીં, હળદર બની રોકાણકારો માટે સોનાની ખાણ! એક વર્ષમાં 89% વળતર

અમેરિકા-ઇરાન શાંતિ મંત્રણાના પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 98 ડોલર પર ઊંચામાં ખૂલ્યા પછી ઘટીને 97 ડોલરે પહોંચ્યું

સોના-ચાંદીમાં ફરીથી ઉછાળો, સોનાએ પ્રતિ ઔંસે 4,100 ડોલરની સપાટી વટાવી

દિવાળી પછી સોનું મોંઘું થયું: 9 નવેમ્બરે તમારા શહેરમાં 10 ગ્રામનો શું છે ભાવ?

કપાસના ભાવમાં ₹1500નો કડાકો: ડબલ આવકના દાવા વચ્ચે ખેડૂતો કેમ દેવામાં ડૂબ્યા?

Gold-Silver Price: તેજી પછી ફરી વધશે દબાણ? રોકાણકારો ખાસ રાખે આ 4 બાબતો પર નજર

Gold Price: 25% ઘટ્યા બાદ સોનામાં ફરી તેજી આવશે? WGCના 3માંથી 2 સંકેત સકારાત્મક





