ગુજરાતમાં વીજકાપનું ગ્રહણ! ગામડાંથી ઉદ્યોગો સુધી વીજકાપ, કોલસા માટે દિલ્હીમાં બેઠકો
ગુજરાતમાં વીજ માગ વધતા અને વીજ ઉત્પાદન ઓછું પડતાં ગ્રામ્ય વિસ્તારો તથા ઔદ્યોગિક એકમોમાં વીજકાપની સ્થિતિ સર્જાઈ છે. કોલસાના પુરવઠા સહિતના મુદ્દે ગુજરાતના ઊર્જા વિભાગના અધિકારીઓએ દિલ્હીમાં બેઠકો કરી છે, જ્યારે જામનગરમાં ઉદ્યોગો માટે 7 કલાકના વીજકાપના આદેશો અપાયા છે.

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ગરમી વધતા અને નવરાત્રિના ગરબા આયોજનોને કારણે વીજ માગમાં વધારો થયો છે. બીજી તરફ વીજ ઉત્પાદન ખપત કરતાં ઓછું હોવાના કારણે રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક એકમોમાં વીજકાપની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે રાજ્યથી લઈને દિલ્હીના સ્તર સુધી બેઠકોનો દોર શરૂ થયો છે.
વધતી વીજ માગ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપ
રાજ્યના ગ્રામ્ય વિસ્તારો અને ખેતી ક્ષેત્રમાં વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામડાઓમાં સાંજના સમયે પણ વીજકાપ થવાથી સામાન્ય લોકો અને ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવતા કિસાન સંઘ દ્વારા આ અઘોષિત વીજકાપ સામે તાત્કાલિક અસરકારક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, શહેરોમાં આવો વીજકાપ જોવા મળતો ન હોવાની અને મોટાભાગના ધારાસભ્યો શહેરોમાં રહેતા હોવાની ચર્ચા પણ સામે આવી છે.
કોલસાના પુરવઠા માટે દિલ્હીમાં બેઠકો
ગુજરાતમાં વધી રહેલા વીજકાપને પહોંચી વળવા ગુજરાત ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દિલ્હીમાં પહોંચ્યા છે. પાવર સહિતના વિભાગો સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યને કોલસાનો પુરતો પુરવઠો મળી રહે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. જામનગર, દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ અને પાટણ સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોમાં વીજકાપથી ઉત્પાદન પર અસર થઈ રહી છે. નવરાત્રિના સમયગાળામાં અન્ય વિસ્તારોમાં પણ વીજકાપને કારણે ગરબા અને માતાજીની ભક્તિ દરમિયાન લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
જામનગરના ઉદ્યોગો માટે 7 કલાકનો વીજકાપ
જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં વીજ વપરાશ પર અંકુશ મૂકવા માટે નવા આદેશો આપવામાં આવ્યા છે. પીક અવર્સ દરમિયાન વીજળીની માગમાં મોટો વધારો થતાં પાવર ગ્રીડની સુરક્ષા અને લોડ મેનેજમેન્ટ જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. નિયમ મુજબ દર શુક્રવારે બપોરે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી સતત 7 કલાક તમામ ઔદ્યોગિક પ્લાન્ટ ફરજિયાતપણે બંધ રાખવાના રહેશે. નિયમોનું પાલન નહીં કરનારા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. PGVCLના અધિકારીઓ સાથેની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ શુક્રવારે સાંજે 4થી 11 વાગ્યા દરમિયાન કોઈ કારખાનું ચાલુ જોવા મળશે તો તેને બંધ કરાવવામાં આવશે. આગામી શુક્રવારે પણ યુનિટ ચાલુ જોવા મળે તો PGVCL કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પાટણમાં વીજકાપ મુદ્દે સાંસદની રજૂઆત
પાટણ જિલ્લામાં ગંભીર વીજકાપના મુદ્દે ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. સાંસદે ખાસ કરીને સાંજના સમયે કરવામાં આવતા અઘોષિત વીજકાપને તાત્કાલિક અને કાયમી ધોરણે દૂર કરવાની માંગ કરી છે. પત્રમાં નવરાત્રિ દરમિયાન પણ મોટા પાયે વીજકાપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીજકાપના કારણે જિલ્લાના નાના-મોટા વેપારીઓ, દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે.
વિસનગર અને બનાસકાંઠામાં પણ મુશ્કેલી
મહેસાણાના વિસનગરમાં નવરાત્રિ દરમિયાન સાંજના સમયે 3થી 4 વખત ટ્રિપિંગ થતાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. દૂધ મંડળીઓમાં વીજળી ન હોવાથી પશુપાલકોની લાંબી કતારો લાગતાં મુશ્કેલી વધી હતી અને વહેલી તકે નિરાકરણની માંગ કરવામાં આવી હતી. બનાસકાંઠાના ઓગડના થરા વિસ્તારમાં પણ પૂરતી વીજળી ન મળતાં ખેડૂતો પરેશાન થયા હતા. એક ખેડૂતે થરા સબ સ્ટેશનમાં ફોન કરીને રજૂઆત કરી હતી. ત્યાંથી યોગ્ય જવાબ ન મળતાં તેમણે ઝેટકોમાં સીનાડ સબ સ્ટેશનમાં ફોન કર્યો હતો. ખેડૂતે વીજળી કેમ કાપવામાં આવી તે અંગે પૂછતાં અધિકારીએ આગળથી જ વીજળી બંધ કરાવાતી હોવાનું જણાવ્યું હતું. ખેડૂતે પોણા બે કલાક ઓછી વીજળી આપવામાં આવી હોવા અંગે લેખિત જવાબ માંગ્યો હતો, પરંતુ અધિકારી દ્વારા જવાબ આપવામાં ગલ્લાં-તલ્લાં કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે.
આ પણ વાંચો : NEWS IN BRIEF: ગ્લોબલ ડિફેન્સ IPOથી Polycabના Q2 સુધીના મોટા અપડેટ
આ પણ જુઓ:
Also Read

નડાબેટમાં બોર્ડર ટૂરિઝમથી સ્થાનિક બિઝનેસને વેગ, ફૂડ અને ટ્રાન્સપોર્ટમાં રોજગારીની તક

ગુજરાતના યાત્રીઓને ખુશખબર! સાબરમતી-જમ્મુ તાવી એક્સપ્રેસ હવે સીધી વૈષ્ણોદેવી-કટરા સુધી જશે

NPK ખાતર મોંઘું થતાં ખેડૂતોનો ખર્ચ વધ્યો, ભાવવધારો પાછો ખેંચવા અને રાહત પેકેજની માગ

સોમનાથ સ્ટેશનના બીજા એક્ઝિટ માટે જમીન સંપાદન જાહેર, સ્થાનિક વેપારને મળશે વેગ

GIFT Cityમાંથી Aditya Birla Sun Lifeના 2 નવા ફંડ, $500થી રોકાણની શરૂઆત

નવ દિવસના ઉપવાસ પહેલાં ડાયાબિટીસ-થાઇરોઇડ હોય તો આ બ્લડ ટેસ્ટ્સ કરાવો

ધોલેરા બનશે ભારતની પ્રથમ ‘સેમિકોન સિટી’, CM ભૂપેન્દ્ર પટેલે મોટા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી





