FDથી લઈને લોન સુધી AIની બોલબાલા! બેંકિંગમાં અમેરિકા અને બ્રિટન કરતાં ભારત આગળ
મેકકિન્સેના 2026ના રિપોર્ટ મુજબ, ભારતમાં 53% ગ્રાહકો બેંકિંગ અને નાણાકીય માહિતી મેળવવા માટે ChatGPT જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જે વૈશ્વિક સરેરાશ કરતા બમણાથી વધુ છે. જોકે, રોકાણ જેવા મોટા નિર્ણયો માટે લોકો હજુ પણ માનવ નિષ્ણાતો પર જ ભરોસો રાખે છે, જ્યારે ડેટા સુરક્ષા બેંકો માટે સૌથી મોટો પડકાર બની રહી છે.

AI in Indian Banking: આજના ડિજિટલ યુગમાં ભારતીયોની બેંકિંગ કરવાની રીતમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવે નાની-મોટી નાણાકીય માહિતી મેળવવા માટે લોકો બેંકની શાખાઓના ધક્કા ખાવા કે કસ્ટમર કેર પર રાહ જોવાને બદલે સીધા જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો સહારો લઈ રહ્યા છે. તાજેતરમાં જાહેર થયેલા મેકકિન્સેના 2026 ગ્લોબલ બેંકિંગ રિપોર્ટ મુજબ, ભારતમાં 53 ટકા ગ્રાહકો પોતાના બેંકિંગ કામકાજ માટે GenAI નો ઉપયોગ કરી રહ્યા છે, જે વૈશ્વિક સરેરાશ 23 ટકા કરતાં બમણાથી પણ વધુ છે.
વિકસિત દેશોની સરખામણીમાં ભારત ઘણું આગળ
વૈશ્વિક સ્તરે આશરે 46,000 અને ભારતમાં 2,500 ગ્રાહકો પર કરવામાં આવેલા આ અભ્યાસના આંકડા ચોંકાવનારા છે. બેંકિંગમાં GenAI ના ઉપયોગની બાબતમાં ભારતે અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોને પણ પાછળ છોડી દીધા છે. આ યાદીમાં ભારત 53% સાથે ટોચ પર છે, જ્યારે બ્રાઝિલમાં 36%, મેક્સિકોમાં 35%, યુકેમાં 25% અને અમેરિકામાં માત્ર 20% લોકો જ બેંકિંગ માટે AI વાપરે છે. ખાસ વાત એ છે કે 74% ગ્રાહકો પોતાની બેંકના ચેટબોટને બદલે ChatGPT, Gemini અને Cloud જેવા બાહ્ય પ્લેટફોર્મ પર વધુ આધાર રાખે છે.
લોકો કયા કામો માટે AI ની મદદ લઈ રહ્યા છે?
ગ્રાહકોમાં AI ની લોકપ્રિયતા વધવા પાછળનું મુખ્ય કારણ ઝડપી માહિતી અને સરળ તુલના છે. દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિ ₹5 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવવા માંગતી હોય, તો તે AI ની મદદથી અલગ-અલગ બેંકોના વ્યાજ દરો અને વળતરની ગણતરી પળવારમાં કરી શકે છે. આ ઉપરાંત માસિક બજેટ બનાવવા, આવક-ખર્ચનું વિશ્લેષણ કરવા, લોનના EMI ગણવા અને ક્રેડિટ કાર્ડના નિયમો સમજવા માટે AI ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. જોકે, બેંકોના દરો બદલાતા રહેતા હોવાથી અંતિમ નિર્ણય લેતા પહેલા બેંકની સત્તાવાર વેબસાઇટ પર ખાતરી કરવી જરૂરી છે.
શું ભવિષ્યમાં AI જાતે જ નાણાકીય વ્યવહારો કરશે?
મે 2026માં પ્રકાશિત EY ઇન્ડિયાના અહેવાલ મુજબ, 2,030 ગ્રાહકોમાંથી 55% લોકો બેંકિંગ એપ્સ અને ચેટબોટ્સ જેવી ડિજિટલ સેવાઓમાં સુધારો ઈચ્છે છે. ગ્રાહકો હવે એવી સિસ્ટમ ઈચ્છે છે જે તેમની જરૂરિયાતો સમજીને ઝડપથી ઉકેલ લાવે. મેકકિન્સેના રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે 72% યુઝર્સ ઈચ્છે છે કે ભવિષ્યમાં 'એજન્ટિક AI' તેમના વતી કામ કરે. એટલે કે, ગ્રાહકની સ્પષ્ટ પરવાનગી સાથે AI બિલ ભરવાની તારીખો યાદ અપાવે અને ખર્ચ પર નજર રાખે. તેમ છતાં, પૈસાની લેવડદેવડમાં ગ્રાહકનું નિયંત્રણ અને સુરક્ષા તપાસ સૌથી વધુ મહત્વની રહેશે.
રોકાણ માટે માનવ સલાહકાર અને ડેટા સુરક્ષાનું મહત્વ
ભલે AI સામાન્ય માહિતી આપવામાં માહેર હોય, પરંતુ શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, વીમો કે નિવૃત્તિ આયોજન જેવા જટિલ રોકાણના નિર્ણયો માટે વ્યક્તિની ઉંમર, આવક અને જોખમ લેવાની ક્ષમતા સમજવી જરૂરી છે. તેથી, આવા મોટા નિર્ણયો માટે લાયક માનવ નાણાકીય સલાહકારની ભૂમિકા આજે પણ અકબંધ છે.
બીજી તરફ, AI ના વધતા વપરાશ સાથે ડેટા પ્રાઈવસી સૌથી મોટો પડકાર બન્યો છે. 37% ગ્રાહકોને પોતાની અંગત માહિતી લીક થવાનો ડર છે, જ્યારે 62% લોકો ઈચ્છે છે કે બહારના પ્લેટફોર્મને બદલે તેમની પોતાની બેંક જ સુરક્ષિત AI સેવા આપે. નિષ્ણાતોના મતે, ગ્રાહકોએ પણ સાવચેતી રાખીને પોતાનો બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, OTP કે કાર્ડની વિગતો ક્યારેય જાહેર AI ટૂલ્સ સાથે શેર કરવી જોઈએ નહીં.
આ પણ વાંચોઃ Flipkart CEO: ફ્લિપકાર્ટમાં એક યુગનો અંત, 11 વર્ષ બાદ CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિ આપશે રાજીનામું
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Cabinet Meeting: મોદી કેબિનેટે ₹20,000 કરોડના 5 પ્રસ્તાવોને આપી મંજૂરી

દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર-1, દસ વર્ષમાં 69%નો ઉછાળો

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ફૂડમેનુ ફ્લાઈટ જેવું કરવાનો IRCTCનો દાવો

વિશ્વભરમાં છવાઈ ધનુષની 'OM', માત્ર 5 દિવસમાં ₹100 કરોડનો આંકડો પાર

તહેવારોની ખરીદીથી ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 20%નો ઉછાળો, ઓક્ટોબરમાં ₹2.45 લાખ કરોડનો ખર્ચ

નેપાળમાં 'રામાયણ'એ રચ્યો ઇતિહાસ: પુષ્પા અને બાહુબલીને પાછળ છોડી બની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ

ભારતની માત્ર 1.9% ફેક્ટરીઓમાં જ R&D યુનિટ: કર્મચારીઓની તાલીમમાં પણ દેશ પાછળ, સર્વેમાં ઘટસ્ફોટ





