બજેટ પહેલાં 200થી વધુ નિષ્ણાતોએ સરકારને આપ્યાં સૂચનો, AI, રોજગાર અને ખેડૂતો માટે શું છે ખાસ?
કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથેની બજેટ પૂર્વ બેઠકો પૂર્ણ કરી છે. 16મીથી 26મી નવેમ્બર દરમિયાન યોજાયેલી 13 બેઠકોમાં 200થી વધુ નિષ્ણાતો અને પ્રતિનિધિઓએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. તેમાં ખેડૂતો, નાના ઉદ્યોગો, AI ટેક્નોલોજી, રોજગારી, શિક્ષણ અને સસ્તાં મકાનો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ છે.

Union Budget 2027-28: આગામી કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, યુવાનો, નાના ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને શું રાહત મળશે તેના પર દેશની નજર છે. આ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2027-28 માટેની પરામર્શ પ્રક્રિયા પૂર્ણ કરી છે. 16મીથી 26મી નવેમ્બર દરમિયાન યોજાયેલી 13 બેઠકોમાં 200થી વધુ પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ અર્થતંત્રને મજબૂત બનાવવા વિવિધ સૂચનો મૂક્યા હતા.
13 ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા
અહેવાલો અનુસાર, બેઠકોમાં કૃષિ, ઉત્પાદન, MSME, સ્ટાર્ટઅપ, બેન્કિંગ, વીમા, IT, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા, રોજગાર, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો જોડાયા હતા. ઉદ્યોગ સંગઠનો, અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદો અને વ્યવસાયિક આગેવાનોએ આર્થિક વૃદ્ધિ વધારવા તથા નવી તકો ઊભી કરવા પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ચર્ચામાં આર્થિક બાબતોના વિભાગનાં સચિવ અનુરાધા ઠાકુર અને મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન પણ હાજર રહ્યા હતા.
ખેડૂતો માટે શું સૂચનો આપવામાં આવ્યા?
કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ઉપજ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રતિનિધિઓએ દેશમાં જ જૈવિક ખાતર અને બાયોટેક્નોલોજી આધારિત કૃષિ સામગ્રીનું ઉત્પાદન વધારવાની ભલામણ કરી હતી. આ પગલાંથી ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો અને સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી શકે છે.
AI અને નાના ઉદ્યોગો માટે ખાસ માગ
ટેક્નોલોજી ક્ષેત્રના પ્રતિનિધિઓએ ભારતીય હાર્ડવેરને અનુરૂપ વિવિધ ઉદ્યોગો માટે ખાસ AI મોડેલ વિકસાવવાનું સૂચન કર્યું છે. નાના ઉદ્યોગો અને નાની નાણાકીય સંસ્થાઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાની પણ ભલામણ થઈ હતી.આ સૂચનોનો હેતુ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની સાથે ડિજિટલ છેતરપિંડીનાં જોખમો ઘટાડવાનો છે.
ગામડાંના યુવાનોને રોજગારીની તક
ગ્રામીણ વિસ્તારોમાં ખેતી સિવાયના ક્ષેત્રોમાં રોજગાર ઊભો કરવાના સૂચનો રજૂ થયા હતા. યુવાનોને નવા વ્યવસાય અને ટકાઉ ઉદ્યોગસાહસિકતા તરફ વાળવા માટે ખાસ કાર્યક્રમોની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. રોજગાર વધારવા સાથે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
પાંચમા ધોરણ સુધી વાંચનની ક્ષમતા
શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખો પ્રસ્તાવ રજૂ થયો હતો. પ્રતિનિધિઓએ દેશવ્યાપી વાંચન અભિયાન શરૂ કરવાની ભલામણ કરી હતી, જેથી દરેક બાળક પાંચમું ધોરણ પૂર્ણ કરે ત્યાં સુધીમાં અખબાર વાંચી અને તેની માહિતી સમજી શકે. આ ઉપરાંત સંશોધન, ઉચ્ચ શિક્ષણ અને નવીનતા માટે વધુ સારી સુવિધાઓ વિકસાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.
સસ્તાં મકાનો અને નાના શહેરોના વિકાસ પર ભાર
શહેરી વિસ્તારોમાં સસ્તાં ભાડાનાં મકાનોની ઉપલબ્ધતા વધારવાનું સૂચન કરવામાં આવ્યું હતું. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં શિક્ષણ, રોજગાર અને વ્યવસાયની તકો વધારવા માટે વિકાસ ઝડપી કરવાની ભલામણ પણ થઈ હતી.
પહેલીવાર યુવાનો સાથે ખાસ બેઠક
26મી નવેમ્બરે નાણામંત્રીએ યુવા પ્રતિનિધિઓ સાથે 13મી અને અંતિમ બેઠક યોજી હતી. બજેટ પૂર્વ પરામર્શમાં યુવાનો માટે અલગ બેઠક યોજવાની આ નવી પહેલ હતી. તેનો ઉદ્દેશ્ય નવી પેઢીની જરૂરિયાતો અને અપેક્ષાઓને બજેટની ચર્ચામાં સ્થાન આપવાનો હતો.
ઉલ્લેખનીય છે કે, બજેટ 2027-28 પહેલાં વિવિધ ક્ષેત્રોના સૂચનો સરકાર સુધી પહોંચ્યા છે. જોકે, આ ભલામણોમાંથી કયા મુદ્દાઓને અંતિમ બજેટમાં સ્થાન મળશે તે હજુ નક્કી થયું નથી.
આ પણ વાંચો: મોદી કેબિનેટમાં સીમાંકન અને મહિલા અનામત સુધારા બિલને મંજૂરી, હવે સંસદમાં રજૂ થશે બિલ
Also Read

ભારતમાં એનર્જી અને પ્રોટીન ડ્રિંક્સનો ક્રેઝ!, ₹2.56 લાખ કરોડ સુધી પહોંચી શકે બજાર

મેગી બનાવતી નેસ્લે ઇન્ડિયાની મુશ્કેલી વધી, EPFOએ ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

Gold Import in India: ભારત કયા દેશો પાસેથી ખરીદે છે સૌથી વધુ સોનું? જાણો ટોપ-6 દેશોની યાદી

ટાટા ગ્રુપના વિવાદમાં બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય, ટાટા સન્સની બોર્ડ બેઠકને લીલી ઝંડી

સસ્તા રિચાર્જ પ્લાનને લઈને Jio-Airtel અને TRAI વચ્ચે વિવાદ, ગ્રાહકોને સૌથી પહેલાં બતાવવા પડશે આ ખાસ પ્લાન

YouTube, Instagram કે Facebook: 1 મિલિયન વ્યૂઝ પર કયું પ્લેટફોર્મ આપે છે સૌથી વધુ કમાણી? જાણો સંપૂર્ણ ગણિત

મુંબઈના વિકાસમાં સામાન્ય લોકો પણ કરી શકશે રોકાણ!, પહેલીવાર બોન્ડ લાવવાની તૈયારી, જાણો કેવી રીતે થશે કમાણી




