KuberaNowLogo
Thursday, 12/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રસોડાથી રસ્તા સુધી મોંઘવારીનો માર: દૂધ, ઘી, સાબુથી લઈને CNG અને LPG સુધી બધું જ થયું મોંઘું, જાણો નવા ભાવ

અમૂલ, મધર ડેરી અને HUL જેવી કંપનીઓએ કર્યા ભાવ વધારા; રસોડાથી લઈને રસ્તા સુધી તમામ વસ્તુના ભાવ વધતા સામાન્ય લોકો માટે ઘર ચલાવવું અઘરું બન્યું છે.

desk@kuberanowPublished On : 12 Nov 2026
Milk Ghee Soap LPG and Adani CNG Prices Hike in India
AI

Inflation News India: સામાન્ય માણસના ઘરનું બજેટ ફરી એકવાર ખોરવાઈ ગયું છે. રસોડાથી લઈને બાથરૂમ સુધી વપરાતી રોજિંદી ચીજવસ્તુઓ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. છેલ્લા બે મહિનામાં અનેક જીવનજરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. એક તરફ અમૂલ, મધર ડેરી અને નંદિની જેવી મોટી બ્રાન્ડ્સે દૂધ, દહીં, ઘી અને માખણના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે, તો બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર (HUL) દ્વારા સાબુ અને ડિટર્જન્ટ મોંઘા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સિગારેટ અને કોમર્શિયલ LPG સિલિન્ડર પણ હવે વધુ ખર્ચાળ બન્યા છે. ચાલો વિગતવાર જાણીએ કે કઈ વસ્તુમાં કેટલો વધારો થયો છે.


દૂધના ભાવમાં કમરતોડ વધારો

દિલ્હી-NCR વિસ્તારમાં મધર ડેરીએ 12 નવેમ્બરથી દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 થી 4 રૂપિયાનો વધારો લાગુ કર્યો છે. કંપનીનું કહેવું છે કે દૂધની ખરીદી અને ખેડૂતોના ખર્ચમાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, મધર ડેરી દિલ્હી-NCRમાં રોજનું 3.5 મિલિયન લિટર અને દેશભરમાં 5 મિલિયન લિટરથી વધુ દૂધ વેચે છે. આ અગાઉ કંપનીએ 14 મે, 2026 ના રોજ ભાવ વધાર્યા હતા.


આ સાથે જ દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ 'અમૂલ'એ પણ 12 નવેમ્બરથી પેકેજ્ડ દૂધના ભાવમાં લિટરે 2 થી 4 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. અમૂલ ગોલ્ડ દૂધમાં 5.5% (પ્રતિ લિટર 4 રૂપિયા) અને અમૂલ તાજા દૂધમાં 3.3% (પ્રતિ લિટર 2 રૂપિયા) નો વધારો થયો છે. પશુ આહાર, પેકેજિંગ અને ઇંધણ મોંઘુ થવાથી આ ભાવ વધારો કરાયો છે, જેનો મોટો હિસ્સો દૂધ ઉત્પાદક ખેડૂતોને મળશે.


કર્ણાટકમાં નંદિની દૂધ અને દહીંના નવા ભાવ

કર્ણાટકમાં 1 નવેમ્બરથી નંદિની દૂધના ભાવમાં સીધો 8 થી 12 રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. ટોન્ડ દૂધ 46 રૂપિયાથી વધીને 54 રૂપિયા, ગાયનું દૂધ 50 રૂપિયાથી 58 રૂપિયા અને સ્પેશિયલ ટોન્ડ દૂધ 52 રૂપિયાથી વધીને 64 રૂપિયા થઈ ગયું છે. હોમોજનાઇઝ્ડ શુભમ દૂધનો નવો ભાવ 65 રૂપિયા થયો છે. દહીંની વાત કરીએ તો, 500 ગ્રામ દહીં 28 થી 34 રૂપિયા અને 1 લિટરનું પેકેટ 54 થી 68 રૂપિયા થઈ ગયું છે. રાજ્યમાં 10 લાખ લિટર દૂધની અછત અને દુષ્કાળને કારણે આ પગલું લેવાયું છે, જેમાં ખેડૂતોને પ્રતિ લિટર 7 રૂપિયા વધુ મળશે.


ઘી અને માખણ પણ ન રહ્યા બાકાત

અમૂલ ઘીના 1 કિલોના પેકેટનો ભાવ 630 રૂપિયાથી વધીને 680 રૂપિયા થઈ ગયો છે, જ્યારે 500 ગ્રામનો પાઉચ 325 રૂપિયાથી 345 રૂપિયાનો થયો છે. અમૂલ માખણનું 100 ગ્રામનું પેકેટ 63 ના બદલે 66 રૂપિયામાં અને 500 ગ્રામનું પેકેટ 310 ની જગ્યાએ 325 રૂપિયામાં મળશે. બેંગલુરુમાં બામુલે પણ 4 નવેમ્બરથી નંદિની બ્રાન્ડના ઘી, માખણ અને ચીઝના ભાવ વધાર્યા છે.


સાબુ, ડિટર્જન્ટ અને સિગારેટના ભાવમાં ઉછાળો

FMCG સેક્ટરમાં HUL કંપનીએ પોતાના લોકપ્રિય ઉત્પાદનો જેવા કે સર્ફ એક્સેલ, રિન, વ્હીલ અને મોતી સાબુના ભાવમાં 1 થી 10 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. કેટલાક પેકિંગ તો 11% જેટલા મોંઘા થયા છે. બીજી તરફ, ITC કંપનીએ પોતાની ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ સિગારેટ (10 ના પેક) ના ભાવ બીજી વાર વધાર્યા છે. જૂનમાં 115 થી 125 રૂપિયા કર્યા બાદ, અત્યાર સુધીમાં કુલ 20 રૂપિયા (આશરે 17.4%) નો વધારો ઝીંકાયો છે.


કોમર્શિયલ LPG અને CNG ના ભાવમાં આગ

દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઓક્ટોબરમાં 62.50 રૂપિયા અને નવેમ્બરમાં વધુ 10 રૂપિયાનો વધારો કરાયો છે. સપ્ટેમ્બરમાં જે ભાવ 2747.50 રૂપિયા હતો, તે હવે 72.50 રૂપિયા વધુ મોંઘો થઈ ગયો છે. 1 નવેમ્બરની સ્થિતિએ મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર 2775 રૂપિયા, કોલકાતામાં 2971 રૂપિયા અને ચેન્નાઈમાં 2994.50 રૂપિયાના ભાવે મળી રહ્યો છે. જોકે, રાહતની વાત માત્ર એટલી જ છે કે દિલ્હીમાં ઘરગથ્થુ વપરાશના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 942 રૂપિયા પર યથાવત છે.


આ ઉપરાંત, અદાણી કંપનીએ 6 નવેમ્બર, 2026 ના રોજ CNG ના ભાવમાં પ્રતિ કિલો 2.30 રૂપિયાનો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે નવો ભાવ 98.47 થી વધીને 100.77 રૂપિયા પહોંચી ગયો છે. આ પૂર્વે 23 ઓક્ટોબરના રોજ પણ CNG ના ભાવમાં 4.45 રૂપિયાનો મોટો વધારો કરાયો હતો. આમ, દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNG નો ભાવ 100 રૂપિયાની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે.


આ પણ વાંચોઃ Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn