SEBI KYC Update: નાણાકીય સંસ્થાઓ માટે નવા ટેક્સ રિપોર્ટિંગ નિયમો, Form 166માં અધૂરી વિગતો હશે તો આવશે એરર
SEBIએ નોંધાયેલા બજાર મધ્યસ્થીઓને નવા આવકવેરા નિયમો મુજબ KYC અને આંતરરાષ્ટ્રીય ટેક્સ રિપોર્ટિંગ સિસ્ટમ અપડેટ કરવા જણાવ્યું છે. FATCA અને CRS હેઠળ ગ્રાહકોની માહિતી, ખાતાનું વર્ગીકરણ અને Form 166ના ફરજિયાત વિગતોવાળા ખાના સુધારવા પડશે. પ્રમાણપત્રો મેળવવા અને રિપોર્ટિંગની જવાબદારી સંબંધિત મધ્યસ્થીની જ રહેશે.

SEBI KYC Update: શેરબજાર સાથે જોડાયેલી નાણાકીય સંસ્થાઓ, બ્રોકરો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય રજીસ્ટર્ડ માર્કેટ ઈન્ટરમીડિયરીઝએ હવે ગ્રાહકોની ઓળખ ચકાસવાની સાથે આંતરરાષ્ટ્રીય ટેક્સ રિપોર્ટિંગની પ્રક્રિયા પણ નવા નિયમો પ્રમાણે ગોઠવવી પડશે. SEBIએ રજીસ્ટર્ડ બજાર મધ્યસ્થીઓને (માર્કેટ ઈન્ટરમીડિયરીઝ) તેમની KYC અને ટેક્સ રિપોર્ટિંગ સિસ્ટમ અપડેટ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્દેશો હેઠળ તમામ સંબંધિત સંસ્થાઓએ આવકવેરાના નવા નિયમો અનુસાર તેમની પ્રણાલીઓ અને પ્રક્રિયાઓને અપડેટ કરવી આવશ્યક છે.
નવા નિયમો હેઠળ શું બદલાશે?
SEBIએ બુધવારે બહાર પાડેલા સર્ક્યુલરમાં ગ્રાહકનું ખાતું ખોલવાની અને KYC પ્રક્રિયામાં ઓટોમેટિક એક્સચેન્જ ઑફ ઇન્ફોર્મેશન (AEOI) હેઠળની રિપોર્ટિંગ તથા જરૂરી ચકાસણીની જોગવાઈઓ સામેલ કરવા જણાવ્યું છે. AEOI વ્યવસ્થા હેઠળ દેશો વચ્ચે નાણાકીય ખાતાંની માહિતીનું આપમેળે આદાનપ્રદાન થાય છે.
આ સૂચનાઓ આવકવેરા અધિનિયમ, 2025 અને આવકવેરા નિયમો, 2026 અમલમાં આવ્યા બાદ આપવામાં આવી છે. નવા કાયદા અને નિયમોએ 1 એપ્રિલ 2026થી અગાઉના આવકવેરા માળખાનું સ્થાન લીધું છે.
નાણાકીય સંસ્થાઓએ કયા ફેરફાર કરવા પડશે?
SEBIએ મધ્યસ્થીઓને ગ્રાહકની માહિતી મેળવવાથી લઈને તેનું રિપોર્ટિંગ કરવા સુધીની પ્રક્રિયામાં નીચેના સુધારા કરવા જણાવ્યું છે:
- ગ્રાહકની સ્વઘોષણા: ગ્રાહકો પાસેથી સ્વઘોષણા મેળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરીને તેને નવા નિયમો પ્રમાણે સુધારવી.
- નિયંત્રણ ધરાવતી વ્યક્તિની ઓળખ: સંબંધિત સંસ્થા પર વાસ્તવિક નિયંત્રણ ધરાવતી વ્યક્તિઓને ઓળખવાની વ્યવસ્થા અપડેટ કરવી.
- ખાતાંનું વર્ગીકરણ: જૂનાં અને નવાં ખાતાં વચ્ચેનો ભેદ નક્કી કરવાની પ્રક્રિયા સુધારવી.
- રિપોર્ટિંગ સોફ્ટવેર: Form 166માં ફરજિયાત કરાયેલા તમામ માહિતીના ખાના સોફ્ટવેરમાં સામેલ કરવા.
- પ્રમાણપત્રો અપલોડ કરવાં: ગ્રાહકો પાસેથી મેળવેલાં FATCA અને CRS પ્રમાણપત્રો KYC રજિસ્ટ્રેશન એજન્સીઓ (KRA)ની સિસ્ટમમાં મૂકવાં.
Form 166ની જરૂરી વિગતોનો સમાવેશ નહીં થાય તો આવકવેરા પોર્ટલ પર ‘વેલિડેશન એરર’ આવશે તેવી SEBIએ ચેતવણી આપી છે.

FATCA અને CRS શું છે?
નવા ફેરફારો FATCA અને CRS હેઠળ આવતાં નાણાકીય ખાતાંની રિપોર્ટિંગ જરૂરિયાતો સાથે જોડાયેલા છે.
FATCA: ફોરેન અકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ ઍક્ટ અમેરિકાનું કર અનુપાલન માળખું છે.
CRS: કૉમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ કરચોરી અટકાવવા માટે ભાગ લેનારા દેશો અને અધિકારક્ષેત્રો વચ્ચે નાણાકીય ખાતાંની માહિતી વહેંચવાનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે.
‘રિપોર્ટિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ’ (RFI) તરીકે કાર્ય કરતા નોંધાયેલા મધ્યસ્થીઓએ આવકવેરા નિયમો, 2026ના નિયમ 238થી 240નું પાલન સુનિશ્ચિત કરવું પડશે.

પ્રમાણપત્રોની જવાબદારી કોની રહેશે?
પ્રમાણપત્રો KRAની સિસ્ટમમાં અપલોડ કરવાથી મધ્યસ્થીની જવાબદારી પૂરી થતી નથી. ગ્રાહકો પાસેથી FATCA અને CRS પ્રમાણપત્રો મેળવવા, તેનું રિપોર્ટિંગ કરવા અને સંબંધિત નિયમોનું પાલન કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મધ્યસ્થીની જ રહેશે.
આ સૂચનાઓ FATCA અને CRS રિપોર્ટિંગ અંગે ઑગસ્ટ 2015, સપ્ટેમ્બર 2015 અને ફેબ્રુઆરી 2024માં બહાર પાડવામાં આવેલા SEBIના અગાઉના સર્ક્યુલરોને આગળ વધારે છે. સુધારેલા નિયમોનું પાલન કરવા મધ્યસ્થીઓને સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ 24 જુલાઈ 2026ના રોજ બહાર પાડેલી FATCA અને CRS સંબંધિત માર્ગદર્શિકાનો સંદર્ભ લેવા પણ જણાવાયું છે.
આ પણ વાંચો: વિદેશી રોકાણકારો માટે કાગળકામ ઘટશે: SEBIએ KYC રિવ્યૂની મુદત 8 વર્ષ કરી
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Stock Market LIVE: શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,360 પર

Global Cues । 12 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

Stocks In News | 12 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

શેરબજારમાં જોરદાર તેજી: રોકાણકારોની સંપત્તિમાં ₹3 લાખ કરોડનો વધારો, નિફ્ટી 25250 ને પાર

રોકાણકારો SIP કેમ બંધ કરી રહ્યા છે? ઓક્ટોબરમાં સ્ટોપેજ રેશિયો વધીને 116% થયો

FIIનું જબરદસ્ત કમબેક: Nifty 28,000, 30,000 કે 40,000 જશે? જાણો બ્રોકરેજના ટાર્ગેટ

Mutual Funds: ઓક્ટોબરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 14% ઘટીને ₹32,994 કરોડ, બોન્ડ ફંડમાં જોરદાર વાપસી






