Anthropic IPO: Claude બનાવતી કંપનીનો રેકોર્ડ IPO, $81.3 અબજ સાથે SpaceXને પાછળ છોડ્યું
Claude AI બનાવતી Anthropicએ IPOનો ભાવ પ્રતિ શેર $83 નક્કી કર્યો છે. જાહેર ઇશ્યૂનું કદ $81.3 અબજ છે, જ્યારે અલગ પ્રાઇવેટ પ્લેસમેન્ટના $26 અબજ સાથે કુલ ભંડોળ એકત્રીકરણ $107.3 અબજ થાય છે. Nasdaq પર 19 નવેમ્બરથી ટ્રેડિંગ શરૂ થવાની અપેક્ષા છે.

Anthropic IPO: Claude AI બનાવતી Anthropicએ શેરબજારમાં પ્રવેશ પહેલાં જ ભંડોળ એકત્ર કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રોકાણકારોની મજબૂત માંગ વચ્ચે કંપનીએ IPOનો ભાવ પ્રતિ શેર $83 નક્કી કર્યો છે, જે અગાઉની $70થી $78ની સૂચિત રેન્જ કરતાં ઊંચો છે. આશરે $81.3 અબજના જાહેર ઇશ્યૂ સાથે Anthropicએ SpaceXના $75 અબજના IPOનો રેકોર્ડ પાછળ છોડ્યો છે. કંપનીનું મૂલ્યાંકન લગભગ $1.5 ટ્રિલિયન થયું છે.
$107.3 અબજનો ઈશ્યૂ?
Anthropicના ભંડોળ એકત્રીકરણમાં બે અલગ ભાગ છે. IPOનું કુલ કદ આશરે $81.3 અબજ છે. તેની સાથે કંપની અલગ પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા $26 અબજ એકત્ર કરી રહી છે. બંનેને જોડતાં કુલ રકમ $107.3 અબજ થાય છે. એટલે આ સમગ્ર રકમ માત્ર IPOમાંથી મળી રહી છે એવું કહેવું યોગ્ય નથી.
માંગ વધતાં શેરની સંખ્યા વધારાઈ
કંપનીએ 10 નવેમ્બરે રોડશો શરૂ કર્યો ત્યારે જાહેર ઇશ્યૂમાં 82.5 કરોડ શેર વેચવાની યોજના હતી. અંતિમ જાહેરાત મુજબ આ સંખ્યા વધારીને 98 કરોડ શેર કરવામાં આવી છે. તેમાંથી 95,63,51,354 શેર કંપની વેચી રહી છે, જ્યારે 2,36,48,646 શેર હાલના શેરધારકો વેચી રહ્યા છે. હાલના શેરધારકોના વેચાણમાંથી મળતી રકમ કંપનીને મળશે નહીં.
Nasdaq પર ‘ANT’ નામથી ટ્રેડિંગ
Anthropicના શેરનું Nasdaq Global Select Market પર 19 નવેમ્બર, 2026થી ‘ANT’ ટિકર હેઠળ ટ્રેડિંગ શરૂ થવાની અપેક્ષા છે. જરૂરી શરતો પૂરી થવાને આધીન ઇશ્યૂની પ્રક્રિયા 20 નવેમ્બરે પૂર્ણ થવાની છે. કંપનીની નવી જાહેરાત મુજબ, અમેરિકન બજાર નિયામક SECએ રજિસ્ટ્રેશન સ્ટેટમેન્ટને 18 નવેમ્બરે અસરકારક જાહેર કર્યું છે. અગાઉના દસ્તાવેજમાં દર્શાવાયેલી મંજૂરી બાકી હોવાની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે.
AI ક્ષેત્ર માટે મહત્વનો પડાવ
ડારિયો અમોડેઇ અને ડેનિયેલા અમોડેઇએ 2021માં સ્થાપેલી Anthropic માટે આ જાહેર ઇશ્યૂ મહત્વનો પડાવ છે. AI કંપનીઓનાં ઊંચાં મૂલ્યાંકન અને તેમના વિકાસની ટકાઉપણાને લઈને સવાલો વચ્ચે IPOને મળેલો પ્રતિસાદ રોકાણકારોનો રસ દર્શાવે છે. જોકે, IPOની માંગ અને લિસ્ટિંગ પછી શેરનું પ્રદર્શન બે અલગ બાબતો છે. Anthropicએ અગાઉ જાહેર હિત માટે ફંડ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી. શેરધારકોની મંજૂરીને આધીન શરૂઆતમાં કંપનીના 5% શેર આ ફંડને આપવાની યોજના છે.
સહસ્થાપકો અને કર્મચારીઓની અગાઉની પ્રતિબદ્ધતાઓ સાથે લગભગ 20% શેર જાહેર હિત માટે સમર્પિત કરવાની વાત કંપનીએ જણાવી છે. ફંડનો ઉપયોગ બિનનફાકારક સંસ્થાઓને સહાય અને AIથી રોજગારી પર પડતી અસર જેવા ક્ષેત્રોમાં થઈ શકે છે. કંપનીના જણાવ્યા મુજબ, ફંડની ઇક્વિટીનો ઉપયોગ લોબિંગ કે રાજકીય ફાળા માટે કરવામાં નહીં આવે.
આ પણ વાંચો: Anthropic IPO: Claude બનાવતી કંપનીમાં ભારતીયો કેવી રીતે રોકાણ કરી શકે
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ભારત-ઇઝરાયલ વચ્ચે ₹1,976 કરોડની ડિફેન્સ ડીલ, બરાક મિસાઇલ સિસ્ટમ બનશે વધુ શક્તિશાળી

COP31માં ભારતની મહત્ત્વની પહેલ: LeadIT 3.0ના ત્રીજા તબક્કાની શરૂઆત, ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા નવી યોજના

અમેરિકા પર નવી મુશ્કેલી! Microsoft Outage અને ફ્લાઈટ બાદ હવે બેન્કિંગ સેવાઓમાં ખામી

IMAX પર ‘The Odyssey’નો જાદુ! આવકમાં 64%નો ઉછાળો, કંપનીએ નોંધાવ્યાં ઐતિહાસિક પરિણામો

SpaceXના Starshipએ રચ્યો નવો ઇતિહાસ, 22 કલાકની ઉડાન બાદ લોન્ચ ટાવર પર સફળ વાપસી

Nvidiaમાં Jensen Huangની વાપસી માટે જનસમર્થન, 80 હજારથી વધુ લોકોએ કરી સહી

OpenAI નું 'ChatGPT Wallet' ફીચર, હવે AI એજન્ટ કરશે તમારા માટે ઓનલાઈન ખરીદી





