એરંડામાં એકધારી તેજીથી રોકાણકારોને 20%થી વધુ વળતર, ઓછું વાવેતર અને નિકાસની માગે ભાવને ટેકો
એરંડાના ઓછા પાકના અંદાજ અને મજબૂત નિકાસ માગને કારણે છેલ્લા બે મહિનામાં બજારમાં એકધારી તેજી જોવા મળી છે. આ તેજી દરમિયાન રોકાણકારોને કેશ એન્ડ કેરીના કારોબારમાં સરેરાશ 10-12% અને કેલેન્ડર સ્પ્રેડમાં 20-24% સુધીનું વળતર મળ્યું છે. વાવેતરમાં ઘટાડો, ઓછો કેરી ફોરવર્ડ સ્ટોક અને કેસ્ટર ઓઇલની સતત નિકાસ માગને કારણે બજારમાં હાલ તેજીનું માનસ છે.

મુંબઈ: નબળા ચોમાસા અને નિકાસની માગના કારણે એરંડાનાં ભાવમાં છેલ્લા બે મહિનાનાં ગાળામાં જોવા મળેલી તેજીથી રોકાણકારોને કેશ એન્ડ કેરીના કારોબારમાં સરેરાશ 12 ટકા અને કેલેન્ડર સ્પ્રેડના વેપારમાં 20થી 24 ટકા સુધીનો નફો મળ્યો છે. તેથી એક સમયે જંગલની કૄષિ પેદાશ ગણાતા એરંડાના કારોબારમાં હવે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.
બે મહિનામાં વાયદો ₹7,432થી ₹9,071 સુધી પહોંચ્યો
NCDEX ખાતે 15 સપ્ટેમ્બરે એરંડાનો ભાવ ₹7,432 પ્રતિ ક્વિન્ટલ હતો. 19 ઓક્ટોબરે ભાવ વધીને ₹9,071 પ્રતિ ક્વિન્ટલની સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ નફારૂપી વેચવાલી અને ઊંચા ભાવ પર લેવાલી ઘટતાં 5 નવેમ્બરે ભાવ ઘટીને ₹8,456 પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. એટલે જ્યારે વાયદો ₹9,000ની સપાટી પાર ગયો ત્યારે ઊંચા સ્તરે વેચાણ કરનારા રોકાણકારોને 20%થી વધુનો લાભ મળ્યો હતો.
કેશ એન્ડ કેરીમાં 10-12% સુધી વળતર
ડીસાના કોમોડિટી ટ્રેડર દિપક ઠક્કરના જણાવ્યા મુજબ, ચોમાસામાં વરસાદની ખેંચ રહી હતી અને હાલ ઠંડી પડવાને બદલે ગરમી રહેતા ઊભા પાકને પણ અસર થઈ રહી છે. આ કારણે આગામી સિઝનમાં એરંડાનો પાક ઘટી શકે તેવો અંદાજ છે. હાલ વાયદા બજાર અને હાજર બજારના ભાવ વચ્ચે સારો ગાળો રહેતાં કેટલીક વખત કેશ એન્ડ કેરી એટલે કે વ્યાજ-બદલાના કારોબારમાં 10-12% સુધીનું વળતર મળી રહ્યું છે.
નિકાસ માગ બજારને ટેકો આપી રહી છે
પાલનપુરના કેસ્ટર ઓઇલ પ્લાન્ટ સંચાલક મેહુલભાઈના જણાવ્યા મુજબ આગામી સિઝનમાં પાક ઓછો રહેવાની ધારણા છે, જ્યારે નિકાસની માગ સતત સારી છે. ભાવમાં મોટો ઉછાળો આવે ત્યારે થોડા સમય માટે ખરીદી ઘટે છે, પરંતુ નવા વર્ષમાં પણ કેસ્ટર ઓઇલની નિકાસ માગ સારી રહેવાની ધારણા હોવાથી બજારમાં મજબૂતી જળવાઈ શકે છે.
કેસ્ટર ઓઇલની નિકાસમાં વધારો
જાન્યુઆરીથી ઓક્ટોબર 2025 દરમિયાન ભારતે 5,79,710 ટન કેસ્ટર ઓઇલની નિકાસ કરી હતી. 2026ના સમાન 10 મહિનામાં નિકાસ વધીને 5,96,821 ટન થઈ છે. આમ, નિકાસની માગમાં વધારો જોવા મળ્યો છે. જોકે એરંડાનો ભાવ ₹8,200થી ઉપર જાય ત્યારે ખરીદી થોડી ધીમી પડતી હોવાનું વેપારીઓનું કહેવું છે. હાલમાં નફારૂપી વેચવાલીના કારણે પણ ભાવમાં થોડું દબાણ જોવા મળ્યું છે.

વાવેતર 8-10% ઘટવાનો અંદાજ
અલ નિનોની અસરને કારણે આ વખતે એરંડાનું વાવેતર ગયા વર્ષ કરતાં આશરે 8-10% ઓછું રહેવાનો અંદાજ છે. દેશમાં આ વખતે કુલ 8.87 લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થયું છે, જ્યારે ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં 9.70 લાખ હેક્ટર વાવેતર નોંધાયું હતું. વાવેતરમાં ઘટાડાને કારણે નવા પાકના ઉત્પાદન અંગે બજારમાં ચિંતા વધી છે. વર્ષ 2025નો કેરી ફોરવર્ડ સ્ટોક છેલ્લા ત્રણ વર્ષના આંકડાની સરખામણીએ સૌથી ઓછો હોવાનું જણાવાયું છે. ઓછો જૂનો સ્ટોક અને નવા પાકમાં ઘટાડાની આશંકા બંને મળીને બજારની તેજીને ટેકો આપી રહ્યા છે.
10 મહિનામાં 10 લાખ ટન એરંડાની આવક
જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 દરમિયાન દેશની મંડીઓમાં આશરે 10 લાખ ટન એરંડાની આવક નોંધાઈ છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. 2023ના પ્રથમ 10 મહિનામાં 6.82 લાખ ટન, 2024માં 6.25 લાખ ટન અને 2025માં 5.60 લાખ ટન એરંડાની આવક થઈ હતી. આમ, ચાલુ વર્ષે મંડીઓમાં આવક નોંધપાત્ર રીતે વધી છે.
બજારમાં તેજીનું માનસ, પરંતુ જૂનો સ્ટોક જોખમ બની શકે
પાક ઓછો રહેવાના અંદાજને કારણે બજારના મોટા ભાગના વેપારીઓમાં હાલમાં તેજીનું માનસ છે. જોકે અનુભવી વેપારીઓ એક મહત્વના જોખમ તરફ પણ ધ્યાન દોરે છે. એરંડું 3થી 4 વર્ષ સુધી ખરાબ ન થાય તેવી કૃષિ પેદાશ હોવાથી ભાવ ઓછા હોય ત્યારે વેપારીઓ અને સ્ટોકિસ્ટો તેનો સંગ્રહ કરતા હોય છે. ભાવમાં મોટો વધારો થાય ત્યારે નોંધાયેલો ન હોય એવો જૂનો સ્ટોક પણ બજારમાં આવી શકે છે. આવી સ્થિતિમાં અચાનક પુરવઠો વધવાથી ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે. આથી આગામી દિવસોમાં બજારમાં ઊંચી અસ્થિરતા રહેવાની શક્યતા વચ્ચે મિલરોએ જોખમ ઘટાડવા હેજિંગ સાથે આગળ વધવું હિતાવહ હોવાનું વેપારીઓ માને છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Sugar Industry: ખાંડના મજબૂત ભાવ છતાં મિલોના નફા પર સંકટ, ઇથેનોલના નિયંત્રણો અને વધતા ખર્ચનો માર

સોનું નહીં, હળદર બની રોકાણકારો માટે સોનાની ખાણ! એક વર્ષમાં 89% વળતર

અમેરિકા-ઇરાન શાંતિ મંત્રણાના પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 98 ડોલર પર ઊંચામાં ખૂલ્યા પછી ઘટીને 97 ડોલરે પહોંચ્યું

સોના-ચાંદીમાં ફરીથી ઉછાળો, સોનાએ પ્રતિ ઔંસે 4,100 ડોલરની સપાટી વટાવી

દિવાળી પછી સોનું મોંઘું થયું: 9 નવેમ્બરે તમારા શહેરમાં 10 ગ્રામનો શું છે ભાવ?

કપાસના ભાવમાં ₹1500નો કડાકો: ડબલ આવકના દાવા વચ્ચે ખેડૂતો કેમ દેવામાં ડૂબ્યા?

Gold-Silver Price: તેજી પછી ફરી વધશે દબાણ? રોકાણકારો ખાસ રાખે આ 4 બાબતો પર નજર






