
બજારમાં નરમાઈ છતાં કોપરમાં તેજી કેમ?
કોપર બજારમાં નરમાઈ છતાં ભાવમાં ઉતાર-ચઢાવના વિરોધાભાસી વલણ પાછળ વ્યાપક આર્થિક પડકારો અને પૂરવઠા ક્ષેત્રે રહેલી સતત મર્યાદાઓ જવાબદાર

ચીનના નબળા આર્થિક આંકડા, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ડોલરની મજબૂતીના કારણે કોપરના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે તાંબા (કોપર)માં અસાધારણ સ્થિતિ જોવા મળી રહી છે. બજારમાં ટ્રેડિંગ મંદ પડ્યું છે તેમ છતાં ઊંચા સ્તરે તાંબાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બજારમાં નરમાઈ છતાં ભાવમાં ઉતાર-ચઢાવના વિરોધાભાસી વલણ પાછળ વ્યાપક આર્થિક પડકારો અને પૂરવઠા ક્ષેત્રે રહેલી સતત મર્યાદાઓ જવાબદાર છે. તાંબામાં આ બેવડી ગતિના કારણો કોમોડિટી નિષ્ણાત દિલીપ પરમાર પાસેથી સમજીએ.
ભાવમાં થયો કેટલો વધારો
ઘરેલુ બજાર MCX પર કોપરનો ભાવ જાન્યુઆરી 2026માં પ્રતિ કિલો ₹1,270 હતો, જે સપ્ટેમ્બર 2026માં વધીને ₹1,400ની નજીક પહોંચી ગયો છે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય બજાર Comex પર કોપરનો ભાવ જાન્યુઆરી 2026માં પ્રતિ પાઉન્ડ 5.88 ડોલર હતો, જે સપ્ટેમ્બર 2026માં વધીને 6.83 ડોલરની ટોચે પહોંચ્યો છે.
ફેડનું આકરું વલણ, ફૂગાવો, મજબૂત ડોલરથી કોપરને બેવડો ફટકો
બજારની આ ચાલ અંગે કુબેરા નાઉ સાથે વાત કરતાં કોમોડિટી નિષ્ણાત દિલીપ પરમારે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વની વ્યાજદર અંગેની તાજેતરની ટીપ્પણીઓ તેના આકરા વલણના સંકેત આપે છે. ઓક્ટોબરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાનીસંભાવના 70 ટકાથી વધુ છે. ફેડરલ રિઝર્વે તાજેતરમાં જ વ્યાજદર 3.75 ટકાથી 25 બેસિસ પોઈન્ટ વધારીને 4.00 ટકા કર્યા છે અને ફેડ રિઝર્વના અધિકારીઓ હજુ પણ વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપી રહ્યા છે. આ સાથે અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે સતત ઊંચા ક્રૂડ ઓઈલના ભાવે મોંઘવારી વધાની ચિંતા વધારી છે, જેણે વ્યાજદરમાં વધારાની અપેક્ષાઓને જીવંત રાકી છે.
દિલીપ પરમારે ઉમેર્યું કે, આ પરિબળોના કારણે અમેરિકન ડોલર અને યુએસ ટ્રેઝરી યીલ્ડ બંને મજબૂત થયા છે. તાબા માટે આ પરિબળો બેવડા ફટકા સમાન છે. તાંબાનો વેપાર ડોલરમાં થાય છે ત્યારે મજબૂત ડોલર વૈશ્વિક ખરીદદારો માટે અસરકારક રીતે ખર્ચ વધારે છે જ્યારે ઊંચા યીલ્ડ જોખમી એસેટ્સ પર વ્યાપકપણે ભાર મૂકે છે. હાજર બજારમાં પૂરવઠા ખેંચ છતાં કોપરની વેલ્યુએશન પર દબાણ સર્જાય છે.
સરપ્લસ પૂરવઠા છતાં ખેંચ યથાવત્
કોપરમાં ભાવમાં નરમાઈ વચ્ચે પૂરવઠા સ્તરે સૂક્ષ્મ ચિત્ર રજૂ કરે છે. ચીલીમાં વિશ્વની સૌથી મોટી કોપર ખાણ BHPની એસ્કોન્ડિડા માઈન અકસ્માત પછી આંશિક રીતે બંધ રહી છે. તેને પૂર્ણ સ્તરે ચાલુ કરવામાં સુરક્ષાની મંજૂરીની રાહ જોવાઈ રહી છે, જેથી તેનો પૂરવઠો મર્યાદિત થઈ ગયો છે. ચીલીમાં જુલાઈમાં પણ કોપરનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 9.4 ટકા ઘટ્યું હતું. આ સાથે ICSGના આંકડા દર્શાવે છે કે વર્ષના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક સ્તરે શુદ્ધ કોપરનો 1,14,000 ટન જથ્થો ઉપલબ્ધ હતો, તેમ છતાં તે પૂરવઠા અને માગ વચ્ચે ચુસ્ત સંતુલનની મર્યાદામાં છે.
ચીનમાં કોપર કોન્સન્ટ્રેટ માટે સ્પોટ પ્રોસેસિંગ ફી સતત ઘટી રહી છે અને સલ્ફ્યુરિક એસિડના ભાવમાં ઘટાડો રિફાઇનિંગ માર્જિનને ઘટાડી રહ્યો છે. અનેક સ્મેલ્ટર્સે ઉત્પાદન ઘટાડ્યું છે અથવા મેઈન્ટેનન્સ હાથ ધર્યું છે, જેના કારણે ઉત્પાદન ધીમું પડ્યું છે. ઓગસ્ટમાં ચીનની ઇલેક્ટ્રોલાઇટિક કોપર આયાતમાં તીવ્ર ઘટાડો થયો છે, જે માસિક ધોરણે 14.24 ટકા અને વાર્ષિક ધોરણે 20.48 ટકાનો ઘટાડો - જે સંકોચન વલણને વિસ્તૃત કરે છે.
દરમિયાન, વિઝિબલ ઇન્વેન્ટરી ઊંચી રહી છે. ત્રણ મુખ્ય એક્સચેન્જોમાં કોપરનો સંયુક્ત સ્ટોક 100.74 મિલિયન ટન પર છે. શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જની વેરહાઉસ ઈન્વેન્ટરી પાછલા સપ્તાહની સરખામણીમાં 15.9 ટકા ઘટીને 47,147 ટન રહી જ્યારે LME કેશ-ટુ-થ્રી મંથ સ્પ્રેડ 68.93 ડોલરથી વધીને 124.75 ડોલર પ્રતિ ટનના બેકવર્ડેશમાં પહોંચી ગયું. LME સ્પોટ પ્રીમિયમ 107 ડોલર સુધી વિસ્તર્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆતથી તેનું ઉચ્ચતમ સ્તર છે. આ ઇન્વેન્ટરી ડેટામાં વધારો હોવા છતાં નજીકના ભવિષ્યમાં સપ્લાયમાં અછતના સંકેત આપે છે.
માગમાં વૈવિધ્ય - એઆઈ સેક્ટરમાં કોપરની માગ વધી
કોમોડિટી નિષ્ણાત દિલીપ પરમારે જણાવ્યું હતું કે, તાંબુ હાલ પરિવર્તનકારી સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તાંબાની માગમાં સ્પષ્ટ માળખાગત ફેરફાર જોવા મળી રહ્યો છે. ચીનમાં મોસમી વપરાશમાં સુધારો થઈ રહ્યો છે કારણ કે સુવર્ણ પાનખરનો સમયગાળો શરૂ થઈ રહ્યો છે. આ સાથે પ્રોસેસિંગ પ્લાન્ટ ધીમે ધીમે ઓપરેટિંગ દરોમાં વધારો કરી રહ્યા છે. ચીનમાં રજા પહેલાનું સેન્ટિમેન્ટ ખૂબ જ સારું છે, જેનાથી સ્પોટ પ્રીમિયમ અકબંધ રહ્યા છે. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોપરની માગ વધી છે. આમ, આ ક્ષેત્ર નવા માંગ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે. 2027 સુધીના ઘરેલું લિક્વિડ કૂલિંગના ઓર્ડર બુક થઈ ગયા છે, જે વાર્ષિક ધોરણે 400 ટકાથી વધુ છે - કૂલિંગ પ્લેટ્સ અને હીટ કન્ડક્ટિંગ ટ્યુબ જેવા કોપર ઘટકોની માંગ વધી રહી છે. જોકે, કોપર માટે બધા ક્ષેત્રોમાં સારી સ્થિતિ નથી. નેશનલ ફોટોવોલ્ટેઇક ઈન્સ્ટોલેશન્સ પ્રથમ આઠ મહિનામાં 97.19 GW સુધી પહોંચ્યું છે, પરંતુ તે વાર્ષિક ધોરણે 57.86 ટકા નીચે છે. વીન્ડ અને સોલાર એનર્જી સેક્ટરમાં તાંબાની માંગ અર્થપૂર્ણ રીતે ધીમી પડી છે.
બજારમાં મંદી વચ્ચે ભાવમાં તેજી
એકંદરે બજાર ઊંચા ભાવ તરફ આગળ વધી રહ્યું હોવાનું દિલીપ પરમાર જણઆવે છે. તેમણે ઉમેર્યું કે, કોપર બહારના પરિબળો અને આંતરિક પુરવઠા ખેંચ વચ્ચે ફસાયું છે. ફેડનું વ્યાજદર વધારા મુદ્દે આકરું વલણ અને મજબૂત ડોલર કોપરની સટ્ટાકીય ભૂખને ઠંડી કરી રહ્યાછે. એકંદરે ટ્રેડિંગ વેગ ધીમો થયો છે.છતાં પુરવઠાની મર્યાદાઓ અને એઆઈ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી ઊભરતી માળખાગત માગ ભાવમાં વધારા અને અસ્થિરતાને જીવંત રાખી રહ્યા છે. ટૂંકમાં બજારમાં નરમાઈ હોઈ શકે છે, પરંતુ ફંડામેન્ટલમાં મંદી નથી.
Disclaimer - દિલીપ પરમાર, સિનિયર રિસર્ચ એનાલિસ્ટ છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See moreEconomy
See more- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

