Expert Speaks : સોના-ચાંદીમાં કડાકા પાછળ ફેડનો ડર, હવે આગળ શું થશે?
સોનું 9.5% અને ચાંદી 16% તૂટી, વ્યાજવધારાની 97% શક્યતા, મજબૂત ડોલર અને AI શેરોની વેચવાલીએ કિંમતી ધાતુઓને રોકડના સ્રોતમાં ફેરવી

સોના અને ચાંદી માટે ગયું સપ્તાહ અત્યંત ખરાબ રહ્યું. રોકાણકારોએ રોકડ ઊભી કરવા બંને કિંમતી ધાતુમાં જંગી વેચવાલી કરી હતી. Comex પર સોના વાયદો 9.5 ટકા તૂટીને 3,515 ડોલર અને ચાંદી વાયદો 16 ટકા ગગડીને 41 ડોલર નજીક પહોંચી ગયા હતા. ફેડરલ રિઝર્વ દ્વારા આકરી નાણાં નીતિ અપનાવાશે અને ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારો થવાની 97 ટકા સંભાવના, 10 વર્ષના અમેરિકન બોન્ડ યીલ્ડ 5.1 ટકાથી ઊપર રહેવા તથા ડોલર લગભગ 19 મહિનાના ટોચના સ્તરે પહોંચવાથી સોના-ચાંદી પર દબાણ બન્યું હતું. આ સિવાય AI શૅરોમાં વેચવાલીએ રોકાણકારોને માર્જિન કોલ અને નુકસાનની ભરપાઈ માટે રોકડ એકત્ર કરવા મજબૂર કર્યા. બીજીબાજુ ઈરાન સાથે સંકળાયેલ ભૂ-રાજકીય તણાવ પણ સોનાને સપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા. સોના અને ચાંદીમાં આ વેચવાલી વચ્ચે ETF હોલ્ડિંગ અને સેન્ટ્રલ બેન્કોની ખરીદી જળવાઈ રહી. આ સપ્તાહે થેન્કસ ગિવિંગની રજાના કારણે કારોબાર ઓછો રહેવાની સંભાવના છે. સોનું 3,500 ડોલરનો સપોર્ટ જાળવી રાખે તો તેમાં ઉછાળો આવી શકે અને ભાવ 3,700-3750 ડોલર સુધી પહોંચી શકે છે. બીજીબાજુ ચાંદી 41 ડોલરનું સ્તર જાળવી રાખે તો 43.5-45 ડોલર સુધી રિકવર થઈ શકે છે. આ સપોર્ટ તૂટે તો બંને કિંમતી ધાતુઓમાં 6થી 7 ટકાના વધારાના ઘટાડાનું જોખમ રહશે.
માર્કેટ સેન્ટીમેન્ટ : સોનું બન્યું રોકડનો સ્રોત
કિંમતી ધાતુ ધરાવનારાઓ માટે ગયું સપ્તાહ ખૂબ જ મુશ્કેલ રહ્યું. Comex પર સોના વાયદો 9.5 ટકા ગગડીને પ્રતિ ઔંસ 3,515 ડોલર થયો હતો જ્યારે ચાંદી વાયદા પર વધુ ગંભીર અસર થઈ હતી. Comex પર ચાંદી વાયદો 16 ટકાથી વધુ ઘટીને 41 ડોલર નજીક સેટલ થયો હતો. અમેરિકન ફડેરલ રિઝર્વના આકરા વલણ, ડોલર મજબૂત થઈ 19 મહિનાની ટોચે બંધ આવતા અને AI સંબંધિત ટેક્નોલોજી કંપનીઓના શૅરોમાં ભારે વેચવાલીએ રોકાણકારોને રોકડ એકત્ર કરવા મજૂબર કર્યા, જેમાં સોનું અને ચાંદી વેચીને રોકડ ઊભી કરવી તેમના માટે સૌથી સરળ કામ હતું. આ ઘટાડાથી બજારમાં વર્તમાન મોટાભાગની સટ્ટાબાજીવાળી તેજી ખતમ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી એવા નક્કર સંકેત નથી મળ્યા,જેમાં એમ કહી શકાય કે સોનામાં ઘટાડાનો દોર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે.
સોમવારે નાસ્ડેકમાં 2.5 ટકાનો ઘટાડો આવ્યો હતો. AI શૅરોમાં વેચવાલી વધુ તિવ્ર બની હતી. ગુરુવારે એન્થ્રોપિકનું લિસ્ટિંગ પણ AI સેક્ટરમાં રોકાણકારોનો વિશ્વાસ સ્થાપિત કરવામાં નિષ્ળ રહ્યો. સામાન્ય રીતે શૅરબજારમાં જોખમ વધે તો રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિઓ તરફ વલણ કરે છે. પરંતુ આ વખતે સ્થિતિ અલગ રહી. રોકાણકારોએ અન્ય બજારોમાં થયેલા નુકસાનની ભરપાઈ અને માર્જિન કોલ પૂરું કરવા માટે સોનું વેચવાનું શરૂ કર્યું. તેના પરિણામ સ્વરૂપે સોનું, શૅરબજાર અને બિટકોઈન એક સાથે જ તૂટ્યા હતા.
વૈશ્વિક પૃષ્ઠભૂમિ અને ફેડ નીતિ
ગયું આખું સપ્તાહ બજારની દિશા વ્યાજદરોથી પ્રભાવિત રહી. બુધવારે જાહેર કરાયેલી ફેડરલ રિઝર્વની ઓક્ટોબર બેઠકની મિનિટ્સથી સંકેત મળ્યા કે લગભગ બધા જ નીતિ નિર્માતા મોંઘવારીને 2 ટકાના લક્ષ્યની નજીક લાવવા માટે આગળ વધુ આકરી નાણાં નીતિની તરફેણમાં છે. આ સમાચાર બાદ બુધવારે સોનાના ભાવમાં 3.2 ટકાનો ઘટાડો આવ્યો. ગુરુવારે ફિલાડેલ્ફિયા ફેડનાં અધ્યક્ષ અન્ના પોલસને કહ્યું કે, ઓક્ટોબરમાં વ્યાજદર નહીં વધારવાનો નિર્ણય તેની ગતિ રોકવા માટે લેવાયો હતો તેની દિશા બદલવા માટે નહીં. શુક્રવારે CME ફેડવોચ મુજબ 8-9 ડિસેમ્બરની બેઠકમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કરવાની સંભાવના અંદાજે 97 ટકા થઈ ગઈ હતી. અમેરિકામાં 10 વર્ષીય ટ્રેઝરી બોન્ડ યીલ્ડ 5.1 ટકાથી ઉપર રહ્યું છે. બીજીબાજુ વાસ્તવિક બોન્ડ યીલ્ડ બે દાયકાથી પણ વધુ સમયના ઊંચા સ્તરે પહોંચી ગયું છે. રોકાણકારોને સરકારી બોન્ડમાં ખૂબ સારું રિટર્ન મળતું હોય તો વ્યાજ નહીં ચૂકવતી સોના જેવી સંપત્તિમાં રોકાણ આકર્ષક રહેતું નથી.
કરન્સી હિલચાલ
ડોલર ઈન્ડેક્સ 0.42 ટકા વધીને 103.84ના સ્તરે બંધ થયો હતો. ગુરુવારે તે 103.97 સુધી પહોંચી ગયો હતો, જે એપ્રિલ 2025 પછી તેનું સૌથી ઊંચું સ્તર હતું. ડોલરમાં આ તેજી ભલે મર્યાદિત રહી હોય, પરંતુ તેણે સોનાના ભાવ પર વધારાનું દબાણ નાંખ્યું. વ્યાજદરોનું અંતર હવે સ્પષ્ટરૂપે અમેરિકન ડોલરના પક્ષમાં જોવા મળી રહ્યું છે. બીજીબાજુ ભારતીય રૂપિયા માટે ગયું સપ્તાહ ઘણું મજબૂત રહ્યું. USD/INRમાં 1.67 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તે 92.66ના સ્તરે પહોંચી ગયો. લગભગ 7 મહિનામાં પહેલી વખત રૂપિયો 93ના સ્તરથી નીચે આવ્યો હતો. આ મજબૂતીનું એક કારણ ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ રહ્યો. બીજીબાજુ એશિયાના અન્ય બજારોમાં AI આધારિત કંપનીઓમાં રોકાણ ઓછું કરવાના કારણે પણ ભારતીય બજારને ટેકો મળ્યો.
ભૂ-રાજકીય તણાવ - ઈરાનનું જોખમ યથાવત્, પરંતુ સોનાને ટેકો ના મળ્યો
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ 9મા મહિનામાં પ્રવેશી ગયું છે. તેની અસર હજુ પણ ઓઈલ બજાર પર પડી શકે છે, પરંતુ ગયા સપ્તાહે આ તણાવથી સોનાના ભાવને કોઈ ખાસ ટેકો મળ્યો નહીં. સપ્તાહના મધ્યમાં ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં કહેવાયું છે કે અમેરિકન સરકાર તહેરાન પર નવા હુમલાની સંભાવના પર વિચાર કરી રહ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના અહેવાલોથી સોનાના ભાવમાં તેજી આવે છે, પરંતુ આ વખતે બજારે કોઈ વિશેષ પ્રતિક્રિયા આપી નહીં. હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવા માટે ચાલી રહેલી વાતચીત હજુ પણ કોઈ સમજૂતી સુધી પહોંચી નથી. જોકે, ખાડી ક્ષેત્રમાંથી ક્રૂડ ઓઈલની નિકાસ ઘણે અંશે સામાન્ય થઈ ગઈ છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ હાલ 90 ડોલર પ્રતિ બેરલના સ્તરથી ઘણો નીચો છે. જે ઓક્ટોબરના છ મહિનાના ઊંચા સ્તરથી ઘણું નીચે છે. ઓઈલના ભાવમાં નરમાઈથી મોંઘવારી વધવાની આશંકા ઓછી થાય છે અને તેનાથી મોંઘવારી વિરુદ્ધ બચાવના રૂપમાં સોનાની માગ પણ નબળી પડે છે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ અચાનક વધે તો તે સોનાના ભાવમાં તિવ્ર ઉછાળો લાવનાર સાબિત થઈ શકે છે.
રોકાણ અને રીટેલ માગ
સોનાના ભાવમાં ભારે ઘટાડા છતાં ETF રોકાણકારોએ મોટાપાયે તેમનું હોલ્ડિંગ વેચ્યું નથી. સૈક્સો (Saxo) મુજબ છેલ્લા એક મહિનામાં વૈશ્વિક ગોલ્ડ ETFનું હોલ્ડિંગ સ્થિર રહ્યું છે. તેનાથી સંકેત મળે છે કે લાંબાગાળાના રોકાણકારોએ હજુ પણ સોનામાં તેમની પોઝિશન જાળવી રાખી છે. ભારતમાં ગોલ્ડ ETFમાં ઓક્ટોબર દરમિયાન સતત પાંચમા મહિને શુદ્ધ રોકાણ આવ્યું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ નવેમ્બરના શરૂઆતના 10 દિવસમાં પણ અંદાજે 262 મિલિયન ડોલર એટલે કે લગભગ 1.75 ટન સોના જેટલું રોકાણ થયું.
સેન્ટ્રલ બેન્કો સતત સોનાની ખરીદી કરી રહી છે અને હાલ આ ખરીદી જ સોનાના ભાવને સૌથી મજબૂત આધાર આપી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં કેન્દ્રીય બેન્કોએ 120 ટન સોનું ખરીદ્યું. આ સિવાય, અંદાજિત 201 ટન વધારાની ખરીદીની માહિતી સત્તાવાર રૂપે હજુ સામે આવી નથી. આ ખરીદીમાં મોટો હિસ્સો ચીનનો હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ચીનની કેન્દ્રીય બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચીન તેનો સોનાનો ભંડાર સતત વધારી રહી છે. તેનાથી સંકેત મળે છે કે ટૂંકાગાળાની વેચવાલી છતાં કેન્દ્રીય બેન્કો અને લાંબાગાળાના રોકાણકારો તરફથી સોનાની માગ જળવાઈ રહી છે.
આ સપ્તાહમાં હવે શું?
આ સપ્તાહે 26 નવેમ્બરે થેન્ક્સ ગિવિંગની રજાના કારણે બજારમાં કારોબાર મર્યાદિત રહેવાની સંભાવના છે. ઓછા ટ્રેડિંગ વોલ્યુમના પગલે ભાવમાં અચાનક અને તિવ્ર ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એક સપ્તાહમાં 9.5 ટકાના ઘટાડા બાદ સોનું ટેકનિકલ સંકેતો મુજબ ઓવરસોલ્ડ સ્થિતિમાં પહોંચી ગયું છે. એવામાં શોર્ટ કવરિંગના કારણે ભાવમાં અસ્થાયી તેજી જોવા મળી શકે છે. જોકે, લાંબા સમય સુધી ટકાઉ તેજી માટે ત્રણ મુખ્ય ઘટનાઓ જરૂરી છે, જેમાં અમેરિકન ડોલરની તેજી પર વિરામ લાગવો, 10 ડિસેમ્બરે જાહેર થનારા નવેમ્બરના CPI મોંઘવારી આંકડા અપેક્ષા કરતા નરમ રહેવા અને ફેડ ચેરમેન વોર્શ તરફથી વ્યાજદરોમાં વધારાનું ચક્ર સમાપ્ત થયાનો સંકેત મળવાનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ સકારાત્મક સંકેત નહીં મળે ત્યાં સુધી સોનામાં આવનારી તેજી પર વેચવાલીનું દબાણ રહેવાની આશંકા છે.

સોનું ઓવરસોલ્ડ ટેરીટરીમાં છે ત્યારે કિંમતી ધાતુ આ સપ્તાહે 3,700 ડોલર અને 3,750 ડોલરના સ્તરેથી રીબાઉન્ડ થઈ શકે છે, કારણ કે 3,500 ડોલરના સ્તરે લાંબાગાળાનો સપોર્ટ જળવાઈ રહ્યો છે. આ સ્તર તૂટતા ભાવમાં 6થી 7 ટકાના ઘટાડાની સંભાવના છે. ચાંદી પણ ઓવરસોલ્ડ ટેરીટરીમાં છે અને તે 43.5 ડોલર અને 45 ડોલરના સ્તરેથી રીકવર થઈ શકે છે. ચાંદીમાં પણ 41 ડોલરનો સપોર્ટ જળવાઈ રહ્યો છે. આ સ્તર તૂટશે તો વધુ 6થી 7 ટકાનો ઘટાડો નકારી શકાય નહીં.
લેખિકા : ડો. રેનિશા ચૈનાની
ચીફ રિસર્ચ ઓફિસર, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલ
આ પણ જૂઓ
Disclaimer - ડો. રેનિશા ચૈનાની, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલના ચીફ રિસર્ચ ઓફિસર છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સોના-ચાંદી, તાંબુ અને એલ્યુમિનિયમના ભાવમાં ઘટાડા વચ્ચે મોર્ગન સ્ટેન્લીનો મોટો રિપોર્ટ, જાણો આગળ શું થશે?

Crude Oil Prices : અમેરિકા-ઈરાન તણાવ છતાં ક્રૂડ સસ્તું, બ્રેન્ટ $92થી નીચે, આગળ શું થશે?

Gold-Silver Price: 14 મહિનાના તળિયેથી સોનામાં સુધારો, ચાંદીમાં પણ તેજી

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે? આંતરરાષ્ટ્રીય માર્કેટથી લઈને GST અને મેકિંગ ચાર્જ સુધીનું સંપૂર્ણ ગણિત સમજો

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, જનતાએ કેટલી માની વાત? જાણો આંકડાઓનું સત્ય

Gold Price Today: સોનું ₹57,500 સસ્તું થયું છતાં હજુ પણ મોંઘું! 2024 થી અત્યાર સુધીનો ચોંકાવનારો હિસાબ

ખાંડના ઉત્પાદનમાં 4 ગણો ઉછાળો: ઇથેનોલ પર પ્રતિબંધથી ઘટશે ખાંડના ભાવ? ICRA નો મોટો રિપોર્ટ





