Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
સોનામાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો નોંધાયો, ચાંદી પણ સપ્તાહમાં 3 ટકા જેટલી તૂટી હતી

અમદાવાદ : સોના અને ચાંદીમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો જોવા મળ્યો હતો. સોનાની સરખામણીમાં ચાંદીમાં વધુ 3 ટકા જેટલી નરમાઈ જોવા મળી હતી. અમેરિકન ફુગાવાના આંકડાએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવનાઓને 90 ટકા સુધી પહોંચાડી દીધી છે. હોર્મુઝની ખાડીના તણાવના કારણે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 100 ડોલરની ઊપર ટકી રહ્યું છે જ્યારે ડોલર સામે રૂપિયો ગગડીને 95.70ના સ્તરને વટાવી ગયો છે. ગોલ્ડ ETFsમાં 2 અબજ ડોલરનો મજબૂત પ્રવાહ જોવા મળી રહ્યો છે જ્યારે સિલ્વર ETFsમાં રીડમ્પશન જોવા મળ્યું છે. સેન્ટ્રલ બેન્કોએ સ્થિરતાપૂર્વક ખરીદી ચાલુ રાખી છે. ફેડ રિઝર્વના વ્યાજદરમાં વધારા અંગેના નિર્ણયની સંભાવનાથી સપ્તાહની મધ્ય સુધી વોલેટિલિટી જળવાઈ રહી શકે છે.
બજારમાં ભાવની સ્થિતિ
બુલિયનમાં લાંબા સમયથી રોકાણ કરનારા રોકાણકારો માટે સોનામાં રોકાણ મુશ્કેલ રહ્યું હતું. સોનામાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો જોવા મળ્યો હતો અને ચાંદીએ પણ ખરાબ દેખાવ કર્યો હતો. ચાંદી સપ્તાહમાં 3 ટકા જેટલી નરમ થઈ હતી. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાના ગભરાટે કિંમતી ધાતુમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીનો રેશિયો વધીને 67-68 જેટલો થયો હતો, જે સ્પષ્ટ સંકેત આપે છે કે એક વખત બોન્ડ યિલ્ડ વધવાનું શરૂ થયા પછી વેપારીઓ ચાંદીના ઔદ્યોગિક એક્સપોઝરને અસ્કયામતના બદલે જવાબદારી તરીકે જોઈ રહ્યા છે.
પૃષ્ઠભૂમિ અને ફેડ નીતિ
મેક્રો કેલેન્ડરે બજારને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ઓગસ્ટમાં ઉત્પાદક ભાવ ઊંચા રહ્યા હતા. તે માસિક ધોરણે 0.4 ટકા જ્યારે વાર્ષિક ધોરણે 5.4 ટકા વધ્યા હતા. શુક્રવારના સીપીઆઈ રિપોર્ટે સૌથી ખરાબ ભયની પુષ્ટી કરી છે. હેડલાઈન ફૂગાવો વાર્ષિક ધોરણે 3.4 ટકા રહ્યો છે જ્યારે કોર સીપીઆઈ માસિક ધોરણે 0.3 ટકા વધ્યો હતો, જે અર્થશાસ્ત્રીઓની અપેક્ષા કરતાં 0.1 ટકા વધુ હતો. આ અહેવાલો પર બજારે અપેક્ષા મુજબ વર્તન કર્યું હતું. સીએમઈ ફેડવોચ ટૂલ દર્શાવે છે કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવના ડેટા આવ્યા પહેલાં 50-60 ટકા હતી તે વધીને 90 ટકા થઈ ગઈ.
ભૂ-રાજકીય તણાવ
દરમિયાન હોર્મુઝની ખાડીમાં અમેરિકા-ઈરાન યુદ્ધ સૌથી મોટું અનિશ્ચિત પરિબળ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી હુમલા શરૂ થતાં આખું સપ્તાહ બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની આજુબાજુ સ્થિર રહ્યો હતો અને થોડાક સમય માટે તે છ સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. ટ્રેડર્સે કોમર્શિયલ જહાજો માટે દુનિયામાં પાંચમા ભાગના ઓઈલ પરિવહનનું સંચાલન કરતા સમુદ્રી જળમાર્ગમાં ટેન્કરોનો ટ્રાફિક ખોરવાઈ જવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ક્રૂડ ઓઈલના ભાવ સોમવારે 3 ટકા ઊછળ્યા હતા. સાઉદી અરબના ઊર્જા અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નવેસરથી હુમલો થતા તેમજ ગલ્ફમાં જહાજો પર ઈરાનના હુમલાઓ પછી મહત્વની સાઉદી ઓઈલની પાઈપલાઈન બંધ થવાથી ક્રૂડ ઓઈલના પુરવઠાની ચિંતાઓ વધી છે.
કરન્સીમાં હિલચાલ
રૂપિયા માટે પણ આ સપ્તાહ મુશ્કેલીવાળું રહ્યું. ડોલર સામે રૂપિયો 94.40ના સ્તરથી નીચે ગગડીને 95.70ના સ્તરે પહોંચ્યો હતો, જે છેલ્લા કેટલાક મહિનામાં રૂપિયાનું સૌથી નબળું સ્તર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી ભારતનું ઈમ્પોર્ટ બિલ વધવાની ચિંતા વધી છે તેમજ ઊંચા અમેરિકન યીલ્ડના પગલે રોકાણકારો બજારમાંથી મૂડી પાછી ખેંચીને ડોલરમાં રોકાણ તરફ વળ્યા છે. રૂપિયામાં નરમાઈના પગલે આરબીઆઈ એક્ટિવ થઈ અને ફોરેક્સ સ્વેપની સાથે સ્પોટ તેમજ એનડીએફની દરમિયાનગીરી કરી રૂપિયામાં ઘટાડાને ધીમો પાડ્યો હતો. પરંતુ ટ્રેડર્સે નોંધ્યું હતું કે, સેન્ટ્રલ બેન્કને ભૂતકાળની જેમ ડોલર સામે આક્રમક રીતે લડવામાં કોઈ રસ નથી. બેન્કે રૂપિયાનું પતન બચાવવાના બદલે નિયંત્રિત રીતે તેમાં અવમૂલ્યન થવા દીધું છે.
ઈટીએફ પ્રવાહ અને સેન્ટ્રલ બેન્કોની ખરીદી
ETFમાં રોકાણના પ્રવાહ સોના અને ચાંદી માટે બે અલગ પ્રકારની વાતો કરે છે. ગોલ્ડ ઈટીએફમાં સપ્તાહમાં બે અબજ ડોલરનો પ્રવાહ આવ્યો, જે તાજેતરના મહિનાઓમાં સૌથી મજબૂત હોવાનું દર્શાવે છે. આ રોકાણ પ્રવાહ સંકેત આપે છે કે સંસ્થાગત રોકાણકારો નજીકના સમયમાં સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારવાની સંભાવના વધુ હોવા છતાં પ્રત્યેક ઘટાડાનો ઉપયોગ સોનામાં રોકાણની તક તરીકે કરી રહ્યા છે. સિલ્વર ઈટીએફમાં એકદમ વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. સિલ્વર ઈટીએફમાં નરમ રીડમ્પશન્સ જોવા મળ્યું હતું, જે સંકેત આપે છે કે સિલ્વર ઈટીએફના રોકાણકારો ફેડની બેઠક પહેલા સોનાના રોકાણકારોની સરખામણીએ જોખમ ઘટાડવા ઉતાવળા હતા.
સત્તાવાર સેક્ટરના પક્ષે સાપ્તાહિક હેડલાઈન પર પ્રતિક્રિયા આપવાના બદલે માગનો માળખાગત સ્રોત બની રહી છે. પીપલ્સ બેન્ક ઓફ ચાઈના, પોલેન્ડ, તૂર્કીયે અને આરબીઆઈએ આખું વર્ષ સ્થિર ખરીદી ચાલુ રાખી છે અને આ ખરીદી 2026 શરૂઆતમાં જોવા મળેલા ETF વેચાણના નોંધપાત્ર હિસ્સાને સમાવી લેવા સક્ષમ છે. આ એવું ડાયનેમિક પરીબળ છે, જે સોનાને નબળા સમયમાં પણ પડતું બચાવવા સક્ષમ છે.
આગામી સપ્તાહ પર નજર
આ સપ્તાહે વ્યાજદરમાં વધારા અંગે ફેડરલ રિઝર્વના નિર્ણય સૌથી મોટું જોખમ છે ત્યારે સપ્તાહના મધ્ય સુધી અસ્થિરતા જળવાઈ રહેવાની અપેક્ષા સેવાઈ રહે છે. વ્યાજદરમાં વધારાની અપેક્ષા સેવાઈ રહી છે ત્યારે તેનાથી ક્લાસિક ‘Sell the rumour, Buy the fact’ પેટર્ન હેઠળ સોના અને ચાંદીને રાહત મળી શકે છે. જ્યારે ડોટ પ્લોટ અથવા અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સમાં કોઈપણ આક્રમક વલણ કેન્દ્રીય બેંક અને એશિયન હાજર ખરીદદારો નીચી રેન્જનું રક્ષણ કરવા આગળ આવે તે પહેલાં આ સપ્તાહના નુકસાનને વધુ લંબાવી શકે છે.
ટેકનિકલ આઉટલૂક
સ્પોટ ગોલ્ડને 4300 ડોલર (રૂ.1,51,000)નો સપોર્ટ છે. ભાવ તેનાથી નીચે ટકી રહેશે તો મનોવૈજ્ઞાનિક સ્તરે આગામી ટાર્ગેટ 4150 ડોલર (રૂ. 1,45,500) હોઈ શકે છે જ્યારે પ્રતિકારક સ્તર 4,430-4,500 ડોલર (રૂ. 1,54,500-1,56,000) પર છે.
સ્પોટ સિલ્વરે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી છે જ્યારે તેજી તરફી ટ્રેન્ડ જાળવી રાખવા નેકલાઈન સપોર્ટ 62.5 ડોલર (રૂ. 2,31,000) પર છે. આ સ્તર તૂટશે તો 60 ડોલર (રૂ. 2,20,000) અને પછી 57 ડોલર (રૂ. 2,10,000) તરફ આગળ વધી શકે છે જ્યારે 67 ડોલર (રૂ.2,44,000) નજીકના ગાળામાં 67 ડોલર (રૂ. 2,44,000) ઊંચા સ્તરની મર્યાદા છે.
- ડૉ. રેનિશા ચૈનાની
ચીફ રિસર્ચ ઓફિસર, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

