હોર્મુઝમાં હુમલાથી ક્રૂડનું ટેન્શન વધ્યું, Brent $104 પાર
જહાજો પર સતત હુમલાથી ઓઈલ ટેન્કરોના રૂટ બદલાયા અને સપ્લાય અવરોધની ચિંતા વધી. Brent $104.33 અને WTI $94.14 પ્રતિ બેરલની આસપાસ રહ્યો.

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 104 ડોલરથી ઉપર જળવાઈ રહ્યું છે. હાલ યુદ્ધ શાંત થવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. આવા સમયે હોર્મુઝની ખાડીમાં માલવાહક જહાજો પર હુમલાએ ચિંતા વધારી દીધી છે. આ હુમલાના કારણે અનેક જહાજોએ તેમના રસ્તા બદલી નાંખ્યા છે. તેનાથી આગામી દિવસોમાં ઓઈલના પૂરવઠા પર અસર થવાની આશંકા વધી ગઈ છે. હાલ ડિસેમ્બર કોન્ટ્રાક્ટ વાળા બ્રેન્ટ ક્રૂડમાં 1.33 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં 1 બેરલ બ્રેન્ટ ક્રૂડ 104.33 ડોલરના ભાવે મળી રહ્યું છે. બીજીબાજુ અમેરિકન ક્રૂડ ઓઈલ WTI પણ 1 ટકા ગગડીને પ્રતિ બેરલ 94.14 ડોલરના સ્તરે વેચાઈ રહ્યું છે.
સિંગાપુરના જહાજો પર બે દિવસમાં બે હુમલા થયા
સિંગાપુરના ધ્વજવાળા માલવાહક જહાજ GFS પ્રાઈડ પર મંગળવારે હોર્મુની ખાડીમાંથી પસાર થતી વખતે અજ્ઞાત પ્રોજેક્ટાઈલથી હુમલો થયો. આ હુમલા પછી જહાજમાં આગ લાગી ગઈ અને આ જહાજે સમુદ્રમાં જળસમાધ લઈ લીધી. સિંગાપોરના સમુદ્રી અને પોર્ટ ઓથોરિટી મુજબ જહાજ પર કામ કરતા બધા જ 21 કર્મચારીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.
બીજા દિવસે બુધવારે પણ સિંગાપુરના જ અન્ય એક માલવાહક જહાજ જીએફએસ ગિઝેલને પણ નુકસાન થયું હતું. જોકે, જહાજ પોતાના બળે સુરક્ષિત સ્થળે પહોંચી ગયું હતું. આ જહાજ પર સવાર બધા જ 22 કર્મચારીઓ સુરક્ષિત છે. બીજીબાજુ આંતરરાષ્ટ્રીય સંગઠને જણાવ્યું કે, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલા પછી માલવાહક જહાજ કેપ ડાઓ પણ ડૂબી ગયું છે. આ હુમલામાં ક્રુમાંથી એક સભ્યનું મોત થયું હતું.
ઓઈલ સપ્લાય પર અસર થવાની આશંકા
પશ્ચિમ એશિયામાં જહાજો પર વધતા હુમલાના કારણે ઓઈલના પરીવહન પર અસર થવા લાગી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ સંયુક્ત આરબ અમિરાત અને ઓમાન પાસે ઓઈલ ભરવા માટે જઈ રહેલા અનેક ટેન્કરો રોકાઈ ગયા છે અથવા તેમણે પોતાનો રસ્તો બદલી નાંખ્યો છે. આ જહાજોની ઓઈલ વહન કરવાની કુલ ક્ષમતા 3.7 કરોડ બેરલ છે. તેનાથી સંકેતો મળે છે કે ઈરાનના વધતા હુમલા વચ્ચે ખાડી દેશોમાંથી ઓઈલની નિકાસ કરવી મુશ્કેલ થઈ રહી છે. હોર્મુઝની ખાડી દુનિયામાં ઓઈલનું પરિવહન કરવા માટે સૌથી મહત્વનો માર્ગ છે. એવામાં અહીં જહાજોની અવર-જવર પર અસર થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો પર દબાણ બની શકે છે.
સાઉદી અરબ અને રશિયામાં પણ તણાવ વધ્યો
પશ્ચિમ એશિયામાં માત્ર હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જ યુદ્ધ નથી ચાલી રહ્યું, ક્રૂડ ઓઈલના પરિવહન માટેના અન્ય એક મહત્વપૂર્ણ માર્ગ એવા બાબ-અલ-મંદેબ નજીક ઈરાન સમર્થિત હુથી બળવાખોરો અને સાઉદી અરબ વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. હુથી બળવાખોરોએ સાઉદી અરબના અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. બીજી તરફ રશિયામાં પણ ઓઈલ રિફાઈનરીઓ પર યુક્રેન હુમલા કરી રહ્યું છે. ઈન્ટરફેક્સના રિપોર્ટ મુજબ રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું કે, બુધવારે યુક્રેનના ડ્રોને સારાતોવ અને રિયાજાન ક્ષેત્રોમાં સ્થિત રિફાઈનરીઓને નિશાન બનાવી હતી. ઓઈલ રિફાઈનરીઓ પર હુમલાની ઘટનાઓથી વૈશ્વિક સ્તરે ઓઈલ પુરવઠા અંગે ચિંતા વધી ગઈ છે. જહાજોનું પરિવહન અને રિફાઈનરીઓનું કામકાજ અટકતું રહેશે તો ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તર પર રહી શકે છે.
ભારત પર ગંભીર અસર પડી શકે
ભારત તેની જરૂરિયાતના મોટાભાગના ક્રૂડ ઓઈલની વિદેશમાંથી આયાત કરે છે. એવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલ મોંઘું થવાથી દેશનું આયાત બિલ વધી શકે છે. આ સિવાય ઓઈલના પરિવહનમાં અવરોધો ઊભા થવાથી માલ આવવામાં વિલંબ થઈ શકે અને પરિવહન ખર્ચ વધવાનું જોખમ છે. ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી 100 ડોલરથી ઉપર રહેશે તો તેની અસર પેટ્રોલ અને ડીઝલ તથા મોંઘવારી પર પડી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

શેરડી સુકાય તે પહેલાં ખાંડ મિલોનો માસ્ટરસ્ટ્રોક! 55 મિલોએ શરૂ કર્યું પીલાણ

Power Sectorમાં ફરી સંકટના એંધાણ! 4 વર્ષના તળિયે કોલસાનો સ્ટોક, માર્ચથી અછતનો ખતરો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં મોટો ઘટાડો, Silver 5% અને Gold 1.52% નીચે

સાઉદી પર હુથી હુમલાથી ક્રૂડમાં ફરી આગ, Brent $107ને પાર!

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી





