KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Closing Bell: શેરબજારમાં ભારે કડાકો, Sensex 1,483.72 પોઈન્ટ અને Nifty 450.95 પોઈન્ટ તૂટ્યો

Sensex 1,483.72 પોઈન્ટ અથવા 1.77% ઘટીને 82,435.99 પર બંધ રહ્યો હતો. જ્યારે Nifty 450.95 પોઈન્ટ અથવા 1.75% ઘટીને 25,349.65ના સ્તરે બંધ રહ્યો હતો. બજારમાં કુલ 1,540 શેરોમાં વધારો નોંધાયો હતો, 2,740 શેરોમાં ઘટાડો થયો હતો અને 217 શેરોના ભાવ યથાવત્ રહ્યા હતા.

Kuberanow DeskPublished On : 23 Nov 2026
Stock Market
AI Image


ભારતીય શેરબજારમાં 23 નવેમ્બરે Sensex અને Niftyએ તેજી સાથે શરૂઆત કર્યા બાદ ભારે ઘટાડો નોંધાવ્યો હતો. ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી અને બેન્કિંગ શેરોમાં ભારે વેચાણ સહિતનાં વિવિધ કારણોસર બંને સૂચકાંકો મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. Sensex 1,483.72 પોઈન્ટ અથવા 1.77% ઘટીને 82,435.99 પર બંધ રહ્યો હતો. જ્યારે Nifty 450.95 પોઈન્ટ અથવા 1.75% ઘટીને 25,349.65ના સ્તરે બંધ રહ્યો હતો. બજારમાં કુલ 1,540 શેરોમાં વધારો નોંધાયો હતો, 2,740 શેરોમાં ઘટાડો થયો હતો અને 217 શેરોના ભાવ યથાવત્ રહ્યા હતા. આના પગલે રોકાણકારોના છ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હતા.


ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી

Sensex અને Niftyમાં શરૂઆતના કારોબારમાં 0.7% સુધીનો વધારો નોંધાયા બાદ રોકાણકારોએ ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી શરૂ કરી હતી. શરૂઆતના કારોબારમાં Bank Niftyએ 65,000ની નવી ઊંચી સપાટી નોંધાવી હતી. જોકે ત્યારબાદ ઇન્ડેક્સ 1,300થી વધુ પોઈન્ટ અથવા 2% તૂટ્યો હતો. બીજી તરફ, Sensex દિવસની સર્વોચ્ચ સપાટીથી 2,200 પોઈન્ટ ગગડ્યો હતો. છેલ્લા 4 સપ્તાહ દરમિયાન બેન્કિંગ અને ખાનગી બેન્કિંગ શેરોમાં અનુક્રમે 19.1% અને 18.8%ની તેજી નોંધાઈ હતી. જોકે સોમવારે બંને સેક્ટરમાં લગભગ 2%નો ઘટાડો થતાં મુખ્ય સૂચકાંકો પર દબાણ વધ્યું હતું. ફાઇનાન્શિયલ સેક્ટરના શેરોમાં 1.3%નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં 2.4%નો ઘટાડો થયો હતો. અગાઉના 4 સપ્તાહ દરમિયાન આ બંને સેક્ટરમાં અનુક્રમે 18.3% અને 22.4%નો વધારો નોંધાયો હતો. સોમવારના ભારે ઘટાડા છતાં નવેમ્બરમાં અત્યાર સુધી Nifty 11.4% અને Sensex 12.2% વધ્યા છે. આ મહિના દરમિયાન બંને મુખ્ય સૂચકાંકો મોટાભાગનો સમય વધુ પડતી ખરીદીની સ્થિતિમાં રહ્યા હતા. તાજેતરમાં શેરબજારમાં આવેલી તેજી પાછળ વિદેશી રોકાણકારોની સતત ખરીદી મુખ્ય કારણ હતું. નવેમ્બરમાં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં વિક્રમજનક $13 અબજની ખરીદી કરી છે. તેના પગલે ચાલુ વર્ષમાં અત્યાર સુધીની વિદેશી રોકાણકારોની ચોખ્ખી વેચવાલી ઘટીને $18.4 અબજ થઈ છે, જે 2025માં નોંધાયેલી વિક્રમી વેચવાલી કરતાં ઓછી છે.


મેટલ અને બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી

Nifty 50માં માત્ર 13 શેરો જ તેજી સાથે બંધ રહ્યા હતા. મેટલ સેક્ટરની અગ્રણી કંપની Tata Steelના શેરમાં લગભગ 8%નો ભારે ઘટાડો નોંધાયો હતો. તે Niftyમાં સૌથી વધુ ઘટાડો નોંધાવનાર શેર બન્યો હતો. દિવસ દરમિયાન Tata Steelનો શેર Rs 162.61ની સપાટીએ પહોંચ્યો હતો, જે 11 મહિનાથી વધુ સમયની નીચી સપાટી હતી. આ ઉપરાંત Hindalco Industries અને JSW Steelના શેરોમાં પણ લગભગ 2%નો ઘટાડો નોંધાયો હતો. બેન્કિંગ શેરોમાં Axis Bank, Kotak Mahindra Bank, ICICI Bank અને State Bank of Indiaના શેરો 2%થી 3% સુધી ઘટ્યા હતા. Nifty Bank ઇન્ડેક્સમાં પણ 2%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ડેક્સમાં સામેલ શેરોમાંથી માત્ર AU Small Finance Bankનો શેર તેજીમાં રહ્યો હતો. જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં વધુ દબાણ જોવા મળ્યું હતું. Nifty PSU Bank ઇન્ડેક્સ 2.4% ઘટ્યો હતો અને તેમાં સામેલ તમામ શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ઓટોમોબાઇલ સેક્ટરમાં Tata Motors Passenger Vehiclesના શેરમાં લગભગ 2% અને Mahindra & Mahindraના શેરમાં 1%થી વધુનો ઘટાડો નોંધાયો હતો.


Stock market crash


ઓઇલ અને ગેસ સેક્ટરમાં પણ વેચવાલી

અન્ય સેક્ટરની વાત કરીએ તો ઓઇલ અને ગેસ સાથે સંકળાયેલી કંપનીઓના શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. Nifty Oil & Gas ઇન્ડેક્સ 1.6% ઘટ્યો હતો. આ સેક્ટરમાં માત્ર Petronet LNGનો શેર જ તેજીમાં રહ્યો હતો. Indian Oil Corp., Bharat Petroleum Corp. અને Hindustan Petroleum Corp.ના શેરોમાં 2%થી 3% સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ કંપનીઓ સેક્ટરમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા શેરોમાં સામેલ હતી. સતત 2 દિવસની તેજી બાદ ઓઇલ અને ગેસ સેક્ટરના ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો.


IT અને હેલ્થકેર શેરોએ બજારને ટેકો આપ્યો

શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે IT સેક્ટરના કેટલાક અગ્રણી શેરોમાં તેજી જોવા મળી હતી. Tata Consultancy Services, Tech Mahindra, Infosys અને HCL Technologiesના શેરોમાં 1%થી 4% સુધીનો વધારો નોંધાયો હતો. હેલ્થકેર સેક્ટરમાં પણ પસંદગીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. Apollo Hospitals Enterprise અને Max Healthcare Instituteના શેરોમાં 0.3%થી 1.3% સુધીનો વધારો થયો હતો. Nifty Healthcare ઇન્ડેક્સ સતત 5મા કારોબારી સત્રમાં તેજી સાથે બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઇન્ડેક્સમાં 2%થી વધુનો વધારો નોંધાયો હતો.


વૈશ્વિક બજારોના નબળા સંકેતો

દક્ષિણ કોરિયા અને ચીનના શેરબજારોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંકળાયેલી કંપનીઓના શેરો અંગે રોકાણકારોમાં હજુ પણ ચિંતા યથાવત્ હોવાનું જોવા મળ્યું હતું. એશિયાના વિવિધ દેશોની સરકારો અને નાણાકીય સત્તાવાળાઓએ બજારોને ટેકો આપવા પગલાં લીધાં હોવા છતાં રોકાણકારોનો વિશ્વાસ સંપૂર્ણપણે પાછો ફર્યો નહોતો. અમેરિકન બજારોમાં સ્થિરતાના કેટલાક સંકેતો મળ્યા હોવા છતાં એશિયાઈ બજારો પર દબાણ યથાવત્ રહ્યું હતું. દક્ષિણ કોરિયાનો મુખ્ય Kospi ઇન્ડેક્સ 5.5% સુધી તૂટ્યો હતો. અગાઉ શુક્રવારે અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. તેના પગલે S&P 500 ટેક્નિકલ કરેક્શનની સ્થિતિમાં પહોંચી ગયો હતો, જ્યારે Nasdaq 100એ માર્ચ 2020 પછીનું સૌથી ખરાબ સાપ્તાહિક પ્રદર્શન નોંધાવ્યું હતું. દક્ષિણ કોરિયાના શેરબજારમાં ચાલુ વર્ષ દરમિયાન એક તબક્કે 110%થી વધુનો વધારો નોંધાયો હતો. જોકે તાજેતરના ઘટાડા બાદ આ તેજી ઘટીને માત્ર 10% રહી ગઈ હતી. ચીનના મુખ્ય ભૂમિ વિસ્તાર અને હોંગકોંગના શેરબજારોમાં પણ 1%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે તાઇવાનના શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શુક્રવારે ટેક્નોલોજી શેરોમાં વેચવાલી વધુ તીવ્ર બની હતી અને Nasdaq Composite ઇન્ડેક્સ 5%થી વધુ તૂટ્યો હતો.


એશિયાઈ શેરબજારોમાં ભારે કડાકો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn