Crude Oilમાં ફરી ભડકો! 3 સપ્તાહની મંદી અટકી, શું હવે $100 પાર જશે?
હોર્મુઝમાં સપ્લાય જોખમ અને સાઉદી રિફાઈનરીઓ પર હુમલાથી બ્રેન્ટ ક્રૂડ સપ્તાહમાં 3% ચઢ્યું, OPEC+ની બેઠક પર નજર

પશ્ચિમ એશિયામાં ઓઈલ રિફાઈનરીઓ અને કોમર્શિયલ જહાજો પર નવા હુમલાથી ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જવાની આશંકા વધી રહી છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 27 નવેમ્બરે ટ્રેડિંગ દરમિયાન 9 નવેમ્બર પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો હતો. જોકે, પાછળથી તેમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો અને ઉપરના સ્તર પર તે 1.2 ટકા તૂટીને 95.44 ડોલર પ્રતિ બેરલે બંધ થયો હતો. આમ, શુક્રવારના ઘટાડા છતાં આખા સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડ લગભગ 3 ટકા મજબૂત રહ્યો. પરિણામે 3 સપ્તાહના ઘટાડા પછી નવેમ્બરમાં પહેલી વખત ક્રૂડ ઓઈલમાં સાપ્તાહિક તેજી જોવા મળી હતી.
બજારની ચિંતા વિશેષરૂપે સાઉદી અરબની રિફાઈનરીઓ પર હુમલા અને રણનીતિકરૂપે મહત્વપૂર્ણ હોર્મુઝની ખાડીમાંથી ઓઈલના સપ્લાય પરઅસર થવા અંગે છે. કેટલાક વિશ્લેષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે પુરવઠો અટકશે તો બ્રેન્ટ ક્રૂડ ફરી પ્રતિ બેરલ 100 ડોલરને પાર જઈ શકે છે. મધ્ય-પૂર્વમાં ફરીથી તણવા વધે અને વાસ્તવિક સપ્લાય પર અસર થાય તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધી શકે છે. ANZના વિશ્લેષકો બ્રાયન માર્ટિન અને ડેનિયલ હાઈન્સે તેમના રિપોર્ટમાં કહ્યું કે મધ્ય-પૂર્વમાં કોઈ નવા મોટા સૈન્ય તણાવ વિના પણ બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર જઈ શકે છે. બજારને સ્પષ્ટ સંકેત મળશે કે બજારમાં ઓઈલનો ઉપલબ્ધ પુરવઠો મર્યાદિત થઈ રહ્યો છે તો અન્ય કોઈ પણ ટ્રિગર વિના જ ભાવ આ સ્તરોને પાર કરી શકે છે.
હોર્મુઝની ખાડીથી પુરવઠા પર જોખમ વધ્યું
ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીનું સૌથી મોટું કારણ હોર્મુઝની ખાડીની આજુબાજુ વધતો તણાવ છે. આ સમુદ્રી માર્ગ દુનિયા માટે ક્રૂડ ઓઈલના સપ્લાયનો મહત્વપૂર્ણ જળમાર્ગ છે. વ્યાપક પ્રમાણમાં ઓઈલ આ જ માર્ગે અન્ય દેશો તરફ મોકલવામાં આવે છે. યુકે મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરના આંકડાના વિશ્લેષણ મુજબ નવેમ્બરમાં આ સમુદ્રી માર્ગથી પસાર થનારા જહાજો પર લગભગ બે ડઝન હુમલા થયા છે, જે ઓક્ટોબરમાં નોંધાયેલા 30 હુમલાના વિક્રમી સ્તર જેટલા જ છે.
કોમોડિટી વિશ્લેષક કંપની કેપ્લરના પ્રારંભિક આંકડા મુજબ 25 નવેમ્બરે પૂરા થઈ રહેલા સપ્તાહમાં હોર્મુઝની ખાડીમાંથી ઓઈલનો સપ્લાય યુદ્ધના પહેલાના સ્તરની સરખામણીમાં ઘટીને માત્ર 55 ટકા રહી ગયો છે. તેનાથી ખ્યાલ આવે છે કે સુરક્ષા સંબંધી ચિંતાઓના કારણે આ માર્ગથી ક્રૂડ ઓઈલના પરિવહન પર અસર થઈ છે. અમેરિકન સેનાએ ગુરુવારે એક કોમર્શિયલ જહાજને નિષ્ક્રિય કર્યું હોવાની માહિતી આપી હતી. અમેરિકન સેના મુજબ આ જહાજે ઈરાન પર લગાવાયેલા અમેરિકન સમુદ્રી પ્રતિબંધોને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. બીજીબાજુ ઈરાનના સર્વોચ્ચ નેતાના એક સલાહકારે કહ્યું કે, તેહરાન હોર્મુઝની ખાડીને બંધ રાખશે અને અમેરિકન પ્રતિબંધો તોડવાનો પ્રયત્ન કરશે.
સાઉદી અરબની રિફાઈનરીઓ પર હુમલાઓએ ચિંતા વધારી
મધ્ય-પૂર્વમાં એનર્જી સ્થળો પર હુમલાઓએ પણ ઓઈલ બજારની ચિંતા વધારી છે. યમનના હુથી બળવાખોરોએ બુધવારે સાઉદી અરબની રાસ તનુરા રિફાઈનરી પર હુમલાની જવાબદારી લીધી છે. આ સાઉદી અરબની સૌથી મોટી રિફાઈનરી છે અને ક્રૂડ ઓઈલની નિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ છે. તેના આગલા દિવસે સાઉદી અરબના દક્ષિણ-પશ્ચિમ જજાન ક્ષેત્રમાં અન્ય એક રિફાઈનરી પર પ્રોજેક્ટાઈલથી હુમલો થયો હતો. આ ઘટનામાં નેપાળના એક કર્મચારીનું મોત થયું હતું અને રિફાઈનરીમાં આગ લાગી હતી. સાઉદી અરબના ઉર્જા મંત્રાલય મુજબ આ ઘટના પછી રિફાઈનરીના કેટલાક કામકાજને અસ્થાયીરૂપે બંધ કરવું પડ્યું હતું.
આ સિવાય કુવૈતમાં એક સૈન્ય સ્થળ પર શંકાસ્પદ ઈરાની ડ્રોન હુમલામાં ઈટાલીની સંરક્ષણ કંપની Rheinmetall Italia માટે કામ કરનાર બે ઈટાલીયન નાગરિકોના મોત થયા હતા. કુવૈતના સંરક્ષણ મંત્રાલય મુજબ એક કુવૈતી અને એક પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયા હતા. જોકે, ઈરાને આ હુમલામાં પોતાની ભૂમિકાનો ઈનકાર કર્યો છે.
સાઉદી અરબની રાજધાની રિયાધમાં દેશના સરકારી રોકાણ ભંડોળ પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડના મુખઅયાલયવાળી ઈમારત પર પણ કેટલાક દિવસોની અંદર બીજી વખત હુમલો થયો. સાઉદી અધિકારીઓ મુજબ આ ઘટનાઓમાં 11 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાઓએ ખાડી ક્ષેત્રમાં ઓઈલ ઉત્પાદન, રિફાઈનિંગ અને નિકાસ સાથે સંકળાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે.
OPEC+ની બેઠક પર પણ રહેશે બજારની નજર
ઓઈલ બજારના રોકાણકારોની નજર હવે 29 નવેમ્બરને થનારી OPEC+ની બેઠક પર પણ છે. આ બેઠકમાં 2027 માટે ઉત્પાદન નીતિ અંગે સંકેત મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ જૂથના ત્રણ સૂત્રોએ સંકેત આપ્યા છે કે OPEC+ જાન્યુઆરી-માર્ચ 2027ના ક્વાર્ટર માટે તેમનું વર્તમાન ઉત્પાદન લક્ષ્ય સ્થિર રાખી શકે છે. OPEC+એ સપ્ટેમ્બર પછી ઓઈલ ઉત્પાદન સ્થિર રાખ્યું છે. આ પહેલા જૂથે સતત છ મહિના સુધી ઉત્પાદન વધાર્યું હતું. હવે સભ્ય દેશ આકલન કરી રહ્યા છે કે વૈશ્વિક બજારમાં સપ્લાય અને માગ વચ્ચે સંતુલન કેવી રીતે બની રહેશે.
દરમિયાન ઈરાકના ઓઈલ મંત્રી બાસિમ મોહમ્મદ ખુદૈરે કહ્યું છે કે તેમનો દેશ OPEC સાથે ઉત્પાદનની મહત્તમ મર્યાદા વધારવા અંગે વાતચીત કરી રહી છે, જેથી તેના ઉર્જા ક્ષેત્રનો વિસ્તાર કરી શકાશે. સંયુક્ત આરબ અમિરાતના OPEC+થી બહાર નીકળ્યા પછી જૂથની અંદર ઉત્પાદન ક્ષમતા અને પરસ્પર તાલમેલ અંગે પણ સવાલ ઊઠી રહ્યા છે.એવામાં આગામી બેઠકના નિર્ણય ઓઈલ બજારની દિશા માટે મહત્વપૂર્ણ રહેશે.
અન્ય દેશોમાં પણ રિફાઈનરીઓ પર હુમલા
મધ્ય પૂર્વ સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ ઓઈલ સ્થળો પર હુમલા અને આગ લાગવાની ઘટનાઓએ સપ્લાય અંગે ચિંતા વધારી છે. યુક્રેને ઓક્ટોબરના અંતથી રશિયાની ઓઈલ રિફાઈનરીઓ પર ડ્રોન હુમલા વધાર્યા છે. તાજા હુમલામાં રશિયાના ક્રાસ્નોડાર ક્ષેત્રમાં સ્થિત સ્લાવિયાંસ્ક ECO રિફાઈનરીમાં આગ લાગી હતી. આ સિવાય થાઈલેન્ડની Bangchak અને વેનેઝુએલાની Amuay રિફાઈનરીમાં પણ ગુરુવારે આગ લાગવાથી કામકાજ પર અસર થઈ હતી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ગુજરાતમાં રવિ પાકને મોટો ફટકો! ઘઉંનું વાવેતર 75% અને ચણું 50% ઘટ્યું, દેશમાં રવિ વાવેતર 10.26% ઘટ્યું

Silver Import : આયાતકારોને મોટી રાહત! CBICએ ટેરિફ વેલ્યુમાં 13.6%નો ઘટાડો કર્યો

ખાંડના ભાવમાં થશે ઘટાડો? સરકારે ડિસેમ્બર માટે 25 લાખ ટનનો માસિક ક્વોટા જાહેર કર્યો

Gold-Silver : સોના કરતાં ચાંદીની ચમક વધી! ભાવમાં આવ્યો તોફાની ઉછાળો

કોપર કમબેક : 11 મહિનાની તળિયેથી ફરી તેજીનો તડકો!

રૂપિયાએ પલટ્યો ખેલ! 4.9% રિકવરી છતાં RBI સામે વ્યાજદરનો સવાલ

Crude ક્રૂડમાં ફરી ‘તેલની આગ’! સાઉદી પર હુમલાથી ભાવમાં ભડકો, હવે OPEC+ પર નજર




