ભારતીય વેપારીઓ માટે ખુલ્યા 70 ટ્રિલિયન ડોલરના વૈશ્વિક બજારના દરવાજા
ભારતના વિવિધ દેશો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)થી ભારતીય વેપારીઓ અને MSME ઉદ્યોગો માટે 70 ટ્રિલિયન ડોલરના વૈશ્વિક બજાર સુધી રિયાયતી પહોંચનો માર્ગ ખુલ્યો છે. આગામી સમયમાં આ આંકડો 85 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. UAE, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભારતીય ઉત્પાદનોને આયાત શુલ્કમાં રાહત મળવાથી નિકાસની તકો વધશે.

ભારત સરકાર દેશના વેપારીઓ, નિકાસકારો અને નાના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના લાભો તેમના સુધી પહોંચાડવા પર ભાર આપી રહી છે. આ માટે વાણિજ્ય મંત્રાલય દ્વારા જયપુર અને દહેરાદૂનમાં વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના જણાવ્યા અનુસાર, ભારતની પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ હવે 70 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતા વૈશ્વિક બજારો સુધી પહોંચી છે. આગામી સમયમાં તે 85 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.
શું છે FTA અને વેપારીઓને કેવી રીતે થશે ફાયદો?
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એટલે બે કે તેથી વધુ દેશો વચ્ચેનો મુક્ત વેપાર કરાર. આ કરાર હેઠળ વિવિધ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવે છે અથવા સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. તેનાથી ભારતીય નિકાસકારો વિદેશી બજારોમાં સ્પર્ધાત્મક કિંમતે પોતાના ઉત્પાદનો વેચી શકે છે.
કયા દેશોમાં ભારતીય ઉત્પાદનોને મળશે ડ્યૂટીમાં રાહત?
ભારતીય ઉત્પાદનોને વિવિધ દેશોમાં ડ્યૂટીમાં રાહત મળશે. UAEમાં આખા જીરા પરની 5% ડ્યૂટી શૂન્ય થશે, જ્યારે UAE અને ઓસ્ટ્રેલિયામાં જ્વેલરી પરની 5% ડ્યૂટી દૂર થશે. બ્રિટનમાં જ્વેલરી પર 2%થી 4%, ગારમેન્ટ્સ પર 12% સુધી અને કાર્પેટ પર 8% ડ્યૂટી દૂર થશે. ઉપરાંત, યુરોપિયન યુનિયનમાં કોટન ગારમેન્ટ્સ અને બેડ લિનન પર 12% તથા કાર્પેટ પર 8% ડ્યૂટી દૂર કરવાની જોગવાઈ છે. આ રાહતથી ભારતીય ઉત્પાદનોની વિદેશી બજારોમાં સ્પર્ધાત્મકતા વધવાની શક્યતા છે. બ્રિટન સાથેનો FTA 15 જુલાઈ, 2026થી અમલી બન્યો છે, જેના હેઠળ ભારતની લગભગ 99% નિકાસને ઝીરો ડ્યૂટીની સુવિધા મળે છે. ઓમાન સાથેના કરાર હેઠળ મૂલ્યના આધારે ભારતની 99.38% નિકાસને ડ્યૂટી ફ્રી પહોંચ મળે છે.
કયા સેક્ટરના વેપારીઓને મળશે મોટી તક?
રાજસ્થાનના જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ, રેડીમેડ ગારમેન્ટ્સ, હેન્ડીક્રાફ્ટ્સ, ફર્નિચર, ખનિજ અને જીરા સહિતના કૃષિ ઉત્પાદનોના વેપારીઓને નિકાસની નવી તકો મળી શકે છે. જ્યારે ઉત્તરાખંડના ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, ફૂડ પ્રોસેસિંગ, ઓર્ગેનિક અને હર્બલ પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ્સ તથા મિલેટ્સના ઉત્પાદકોને ફાયદો થઈ શકે છે.
ભારતની કુલ નિકાસમાં 16.66%નો વધારો
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલથી ઓક્ટોબર 2026 દરમિયાન ભારતની વસ્તુઓ અને સેવાઓની કુલ નિકાસ 568.84 અબજ ડોલર રહી, જેમાં વાર્ષિક ધોરણે 16.66%નો વધારો નોંધાયો છે. ઓક્ટોબર 2026માં હેન્ડીક્રાફ્ટ્સની નિકાસમાં સૌથી વધુ 55.22%નો વધારો થયો હતો. આ ઉપરાંત, જેમ્સ એન્ડ જ્વેલરીમાં 40.06%, કાર્પેટમાં 20.64% અને રેડીમેડ ગારમેન્ટ્સમાં 20.33%ની વૃદ્ધિ નોંધાઈ હતી. ભારતે નાણાકીય વર્ષ 2026-27 માટે 1 ટ્રિલિયન ડોલરની નિકાસનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
નાના વેપારીઓ માટે ₹25,060 કરોડનું મિશન
કેન્દ્ર સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM) હેઠળ નાણાકીય વર્ષ 2025-26થી 2030-31 સુધી ₹25,060 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ મિશન હેઠળ વેપારીઓને નિકાસ માટે ધિરાણ, આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેવા, ટેસ્ટિંગ, સર્ટિફિકેશન, વિદેશમાં વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ માટે સહાય મળશે. આ ઉપરાંત 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વધારાના 308 જિલ્લાના MSME નિકાસકારોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચની ભરપાઈ માટે પાત્ર બનાવવામાં આવ્યા છે.
યુવાનો અને મહિલા ઉદ્યોગસાહસિકો માટે પણ નવી તકો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના વેપાર કરાર હેઠળ MSME, કારીગરો, ખેડૂતો અને મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્પાદનો માટે 100% ડ્યૂટી ફ્રી એક્સેસની જોગવાઈ છે. ભારતીય યુવાનો અને પ્રોફેશનલ્સ માટે દર વર્ષે 5,000 ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ એન્ટ્રી વિઝા અને 1,000 વર્કિંગ હોલિડે વિઝાની જોગવાઈ પણ કરવામાં આવી છે. બીજી તરફ EFTA દેશો સાથેના કરાર હેઠળ આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરના રોકાણ અને 10 લાખ રોજગારી સર્જનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વધુ દેશો સાથે વેપાર કરારની તૈયારી
ભારત યુરોપિયન યુનિયન, અમેરિકા, કેનેડા, ચિલી, પેરુ, ઇઝરાયલ અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન સહિતના દેશો અને વેપાર સંગઠનો સાથે કરાર કરવા પર કામ કરી રહ્યું છે. જોકે, વેપારીઓએ FTAનો સંપૂર્ણ લાભ મેળવવા સંબંધિત દેશોના નિયમો, ગુણવત્તાના માપદંડો અને રૂલ્સ ઓફ ઓરિજિનની શરતોનું પાલન કરવું જરૂરી રહેશે.
આ પણ વાંચો : યુઝર્સની પ્રાઇવસી માટે Samsung લાવશે નવું AI ક્લાઉડ સિસ્ટમ, જાણો કેવી રીતે કરશે કામ
આ પણ જુઓ:
Also Read

Gold Loanનું ગણિત બગડ્યું! સોનું 30% તૂટતાં બેન્કો અને NBFCની ચિંતા વધી, RBIની નજર ₹23 લાખ કરોડના બજાર પર

Auto Sales: વાહન વેચાણમાં કોની સ્પીડ વધુ? Nuvamaને કોમર્શિયલ વાહનોમાં 11% વૃદ્ધિની આશા

MSME ઉદ્યોગો માટે લોનમર્યાદા ₹50 કરોડ કરવાની SBIની મોટી યોજના

આગામી 5 વર્ષમાં હોટેલ ઉદ્યોગનું બદલાશે ચિત્ર, 1.6 લાખથી વધુ નવા બ્રાન્ડેડ હોટેલ રૂમ ઉમેરાશે

FTAનો લાભ લેવા ભારત કેમ પાછળ? RBI ગવર્નરે ઉદ્યોગોને બતાવ્યો રસ્તો

Interest Rate Hike: હોમ લોન અને કાર લોન થશે મોંઘી? RBI 0.50% વ્યાજદર વધારે તેવી શક્યતા, જાણો શું છે નવો અંદાજ

અમેરિકાના 25% ટેરિફ પ્રસ્તાવ વચ્ચે ભારત-US ટ્રેડ ડીલ પર પિયુષ ગોયલનું મોટું નિવેદન





