KuberaNowLogo
Saturday, 28/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતમાં રવિ પાકને મોટો ફટકો! ઘઉંનું વાવેતર 75% અને ચણું 50% ઘટ્યું, દેશમાં રવિ વાવેતર 10.26% ઘટ્યું

નબળા ચોમાસા, પાણી અને ભેજની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી, 20 નવેમ્બર સુધી દેશમાં રવિ પાકોનું વાવેતર 260.97 લાખ હેક્ટર થયું છે, બીજી તરફ સરસવના વાવેતરમાં સ્થિતિ સ્થિર રહી છે

Kuberanow DeskPublished On : 28 Nov 2026
Gujarat Farmer.png
AI Generated Image

દેશમાં નબળા ચોમાસાની અસર હવે રવિ પાકોના વાવેતર પર સ્પષ્ટ જોવા મળી રહી છે. જમીનમાં પૂરતી ભેજ ન હોવી, જળાશયોમાં પાણીનો ઓછો સંગ્રહ અને તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાને કારણે ખેડૂતો વાવેતર કરવામાં વિલંબ કરી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, 20 નવેમ્બર સુધી દેશમાં 260.97 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયગાળામાં 290.80 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ, વાવેતરમાં વાર્ષિક ધોરણે 10.26%નો ઘટાડો નોંધાયો છે.


રવિ સિઝનના મુખ્ય પાક ઘઉંના વાવેતરમાં લગભગ 17%નો ઘટાડો થયો છે. ગુજરાતમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. રાજ્યમાં ઘઉંનું વાવેતર ગયા વર્ષે 1.07 લાખ હેક્ટર હતું, જે આ વર્ષે ઘટીને માત્ર 0.26 લાખ હેક્ટર રહ્યું છે. આમ, ગુજરાતમાં ઘઉંના વાવેતરમાં 75.52%નો ઘટાડો નોંધાયો છે. મધ્ય પ્રદેશમાં 24.22%, હરિયાણામાં 33% અને રાજસ્થાનમાં 37%નો ઘટાડો થયો છે. જોકે, પંજાબમાં ઘઉંનું વાવેતર ગયા વર્ષ જેટલું જ રહ્યું છે.


ચણાના વાવેતરમાં પણ દેશભરમાં ઘટાડો જોવા મળ્યો છે. 20 નવેમ્બર સુધી દેશમાં 41.35 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 48.45 લાખ હેક્ટર હતો. આમ, ચણાના વાવેતરમાં 14.64%નો ઘટાડો થયો છે. ગુજરાતમાં ચણાનું વાવેતર લગભગ 50% ઘટીને 0.60 લાખ હેક્ટર રહ્યું છે. રાજસ્થાનમાં 61%નો ઘટાડો થયો છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં ચણાના વાવેતરમાં 90%નો વધારો નોંધાયો છે અને વિસ્તાર વધીને 15.53 લાખ હેક્ટર થયો છે.


જોકે, સરસવના વાવેતરમાં રાહત જોવા મળી છે. ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા આ પાક તરફ ખેડૂતોનો ઝુકાવ વધ્યો છે. દેશમાં સરસવનું વાવેતર 71.05 લાખ હેક્ટર થયું છે, જે ગયા વર્ષના 71.23 લાખ હેક્ટરની લગભગ સમકક્ષ છે. મધ્ય પ્રદેશમાં સરસવનું વાવેતર 43% વધીને 11.94 લાખ હેક્ટર થયું છે, જ્યારે રાજસ્થાનમાં 7% ઘટ્યું છે. બીજી તરફ મસૂરના વાવેતરમાં 24%નો વધારો થઈને 11.10 લાખ હેક્ટર અને વટાણાના વાવેતરમાં 3%નો વધારો થઈને 5.68 લાખ હેક્ટર થયો છે. રવિ મકાઈનું વાવેતર 2.15% ઘટીને 5 લાખ હેક્ટર રહ્યું છે.


કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં લગભગ 13% ઓછું રહેતાં જમીનમાં પૂરતી ભેજ રહી નથી. ઓછા વરસાદને કારણે ડેમ અને નહેરોમાં પાણીનો સંગ્રહ પણ ઘટ્યો છે. આ ઉપરાંત ઓક્ટોબર અને નવેમ્બરની શરૂઆતમાં તાપમાન વધુ રહેતાં ખેડૂતોએ વાવેતર પાછળ ઠેલ્યું હતું.


વાવેતરમાં ઘટાડો ચાલુ રહેશે અને આગામી દિવસોમાં શિયાળુ વરસાદ નહીં થાય તો ઘઉં તથા કઠોળના ઉત્પાદન પર તેની અસર પડી શકે છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 12.1 કરોડ ટન ઘઉં ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આ લક્ષ્યાંક હાંસલ કરવો પડકારરૂપ બની શકે છે. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને ઓછા પાણીની જરૂરિયાત ધરાવતી પાકની જાતો પસંદ કરવા તેમજ પાણીની બચત માટે ડ્રિપ અને સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ અપનાવવાની સલાહ આપી છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn