KuberaNowLogo
Thursday, 26/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Rupee Price : રૂપિયાની રિકવરીને ઝટકો! રૂપિયો ₹92.4450 પર બંધ, ડોલરની માંગ વધી

ક્રૂડ $95ને પાર, મોંઘા ક્રૂડ અને અમેરિકાના 25% ટેરિફ પ્રસ્તાવથી રૂપિયા પર દબાણ; બુધવારની 65 પૈસાની તેજી બાદ ફરી ઘટાડો

Kuberanow DeskPublished On : 26 Nov 2026
Rupeee26.png
AI Generated Image

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં ગુરુવારે ફરી નબળાઈ જોવા મળી હતી. દિવસના અંતે રૂપિયો 24 પૈસા ઘટીને પ્રતિ ડોલર ₹92.4450ના સ્તરે બંધ થયો હતો. સવારે કારોબારની શરૂઆતમાં રૂપિયો 20 પૈસા ગગડીને ₹92.40 પર પહોંચ્યો હતો. જોકે દિવસ દરમિયાન તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. રૂપિયામાં નબળાઈ પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ભારત પર અમેરિકાના સંભવિત ટેરિફ વધારાના પ્રસ્તાવને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યાં છે. આ પરિબળોને કારણે ડોલરની માંગ વધી હતી અને ભારતીય ચલણ પર દબાણ આવ્યું હતું.


ક્રૂડ ઓઇલ $95ને પાર, ડોલરની માંગ વધી

ફોરેક્સ બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વિદેશી રોકાણકારો તરફથી ભારતીય શેરબજારમાં રોકાણનો પ્રવાહ રૂપિયાને ટેકો આપી રહ્યો છે. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી વધારો થતાં રૂપિયાની મજબૂતી પર અસર પડી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.77 ટકા વધીને પ્રતિ બેરલ 95.34 ડોલર પર પહોંચ્યો હતો. ભારત ક્રૂડ ઓઇલની આયાત પર મોટાપાયે નિર્ભર હોવાથી ઓઈલના ભાવમાં વધારો થવાથી ડોલરની માંગ વધે છે અને રૂપિયો નબળો પડી શકે છે.


અમેરિકાના 25 ટકા ટેરિફના પ્રસ્તાવથી ચિંતા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારતમાંથી થતી આયાત પર 25 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર થાય તો આ ટેરિફને 17 ટકા સુધી મર્યાદિત રાખવાની જોગવાઈ પણ પ્રસ્તાવમાં છે. અમેરિકાના આ પગલાંથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં અનિશ્ચિતતા વધી છે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા 16 અર્થતંત્રો અંગે કરવામાં આવેલી તપાસ બાદ આ પ્રસ્તાવ સામે આવ્યો છે. ભારતે અમેરિકાના આરોપોને નકારી કાઢ્યા છે અને બંને દેશો વચ્ચે વહેલી તકે દ્વિપક્ષીય વેપાર કરાર થાય તે માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.


બુધવારે 65 પૈસાની મજબૂતી, ગુરુવારે ફરી ઘટાડો

બુધવારે રૂપિયામાં 65 પૈસાનો જંગી સુધારો જોવા મળ્યો હતો અને તે ડોલર સામે ₹92.20ના સ્તરે બંધ થયો હતો, જે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનું આ સૌથી ઊંચું બંધ સ્તર હતું. ગત સાત સપ્તાહમાં રૂપિયો 8 ઓક્ટોબરે નોંધાયેલા તેના અત્યાર સુધીના સૌથી નીચા બંધ ભાવ ₹96.88થી લગભગ 5 ટકા રિકવર થયો છે. જોકે ગુરુવારના ઘટાડાએ ફરી બજારમાં રૂપિયાની સ્થિરતા અંગે સવાલો ઊભા કર્યા છે.


ડોલર ઇન્ડેક્સમાં પણ વધારો

વિશ્વની છ મુખ્ય કરન્સી સામે અમેરિકી ડોલરની મજબૂતી દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.17 ટકા વધીને 103.79 પર રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સમાં વધારાથી પણ ભારતીય રૂપિયા સહિત અન્ય ચલણો પર દબાણ આવી શકે છે.


વિદેશી રોકાણકારોની ખરીદીથી શેરબજારમાં તેજી

ગુરુવારે ભારતીય શેરબજારમાં સાધારણ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 390.31 પોઇન્ટ અથવા 0.46 ટકા વધીને 84,328.59 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 65.25 પોઇન્ટ અથવા 0.25 ટકા વધીને 25,884.50 પર બંધ થયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ બુધવારે ભારતીય શેરબજારમાં ચોખ્ખી રૂ. 4,479.08 કરોડની ખરીદી કરી બજારમાં તેજીને ટેકો આપ્યો હતો. વિદેશી રોકાણકારોની આ ખરીદી રૂપિયાને ટેકો આપતું પરિબળ બની શકે છે.


આગામી દિવસોમાં રૂપિયાની ચાલ ક્રૂડ ઓઇલના ભાવ, ડોલર ઇન્ડેક્સ, અમેરિકાની ટેરિફ નીતિ અને વિદેશી રોકાણકારોના નાણાપ્રવાહ પર નિર્ભર રહેશે. ખાસ કરીને ભારત-અમેરિકા વેપાર કરાર અંગેની પ્રગતિ રૂપિયા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


આ પણ જૂઓ


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn