સરકારી વાહન ખરીદીમાં 'પદ'નું મહત્વ ઘટ્યું, હવે કામગીરી અને ઉપયોગિતા નક્કી કરશે પસંદગી
ગુજરાત સરકારે સરકારી વાહન ખરીદ નીતિમાં મોટો સુધારો કરીને ફીલ્ડ ઇન્સ્પેક્શન અને ઑફ-રોડ કામગીરી માટે નવી કૅટેગરી ઉમેરવામાં આવી છે.નવી નીતિમાં ફીલ્ડ કામગીરી માટે Mahindra XUV400 અને Tata Nexon EV જેવા ઇલેક્ટ્રિક વાહનોને પણ સ્થાન મળ્યું છે.

ગુજરાત સરકારે સરકારી વાહન ખરીદી નીતિમાં મહત્વનો સુધારો કર્યો છે. અત્યાર સુધી સરકારી વાહનોની ખરીદી મુખ્યત્વે પદ અને જવાબદારી આધારિત કૅટેગરી પ્રમાણે થતી હતી. હવે 2026ના સુધારા હેઠળ સરકારી કામગીરીના પ્રકાર અને સ્થળની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ખાસ કરીને ફીલ્ડ ઇન્સ્પેક્શન, એન્ફોર્સમેન્ટ અને ઑફ-રોડ કામગીરી માટે બે નવી કૅટેગરી ઉમેરવામાં આવી છે. સાથે જ ફીલ્ડ કામગીરી માટે ઇલેક્ટ્રિક વાહનોને પણ સ્પષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે.
ફીલ્ડ ઇન્સ્પેક્શન માટે નવી કૅટેગરી-F
2026ના સુધારામાં કૅટેગરી-F – Field Inspection/Enforcement Vehicles ઉમેરવામાં આવી છે. આ કૅટેગરીમાં ફીલ્ડ ઇન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટની કામગીરી માટે વિવિધ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં Mahindra Scorpio N Z4 4X4, Mahindra Thar Roxx MX5, Mahindra Bolero Neo N10 (O), Kia Carens Clavis HTE (O), Maruti Suzuki Ertiga ZXI Plus અને Toyota Rumion V જેવા વાહનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ કૅટેગરીમાં Mahindra XUV400 EL Pro 39.4 kWh અને Tata Nexon EV Creative 45 જેવા બે ઇલેક્ટ્રિક વાહનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ઑફ-રોડ કામગીરી માટે કૅટેગરી-F1
સરકારે કૅટેગરી-F1 – Officers on Off Road Duties પણ ઉમેરવામાં આવી છે. આ કૅટેગરી ખાસ કરીને ઑફ-રોડ ફરજ બજાવતા અધિકારીઓ માટે બનાવવામાં આવી છે. આમાં ગૃહ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા મહેસૂલ વિભાગ જેવા વિભાગોના અધિકારીઓનો સમાવેશ થાય છે. કૅટેગરી-F1માં કૅટેગરી-Fના તમામ વાહનો ઉપરાંત Tata Yodha Pickup, Isuzu V-Cross 4WD Z, Mahindra Bolero Pick-Up 4WD અને Mahindra Bolero Camper Gold RX 4WD જેવા વાહનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
2023ની નીતિમાં પદ આધારિત માળખું
11 એપ્રિલ 2023ના રોજ અમલમાં આવેલી વાહન ખરીદ નીતિમાં પદ અને જવાબદારીના આધારે વાહનો માટે કૅટેગરી નક્કી કરવામાં આવી હતી. તેમાં મંત્રીઓ અને મુખ્ય સચિવ માટે કૅટેગરી-A, VVIP State Guests માટે A1, વિવિધ બંધારણીય સંસ્થાઓ અને બોર્ડ-કોર્પોરેશનના વડાઓ માટે B, કલેક્ટર-DDO-SP સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે C, ખાતાના વડા અને સમકક્ષ અધિકારીઓ માટે D તથા સરકારી કચેરીઓ માટે Staff Carની કૅટેગરી E હતી. 2026ના સુધારામાં આ માળખાની સાથે કામગીરી આધારિત જરૂરિયાતોને પણ સામેલ કરવામાં આવી છે.
EV માટે 2023થી આગળ વધ્યો વિકલ્પ
2023ની નીતિમાં પણ ઇલેક્ટ્રિક વાહનોને સ્થાન આપવામાં આવ્યું હતું. કૅટેગરી-D અને કૅટેગરી-Eમાં Tata Tigor EV XEનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ-ગાંધીનગર અથવા 50 કિલોમીટરની મર્યાદામાં કામગીરી કરતા ચોક્કસ અધિકારીઓને સમાન કૅટેગરી અને કિંમતનું EV પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. હવે 2026માં EVનો વિકલ્પ ફીલ્ડ ઇન્સ્પેક્શનની નવી કૅટેગરી સુધી વિસ્તર્યો છે. કૅટેગરી-Fમાં Mahindra XUV400 અને Tata Nexon EV જેવા મોડલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
GeM મારફતે ખરીદીની જોગવાઈ યથાવત્
નવી કૅટેગરી ઉમેરવામાં આવી હોવા છતાં વાહન ખરીદીમાં નાણાકીય શિસ્ત અને પારદર્શિતાની જોગવાઈ યથાવત્ રાખવામાં આવી છે. 2023ની નીતિ મુજબ નિયત વાહનોની ખરીદી Government e-Marketplace (GeM) પરથી વર્તમાન બજાર કિંમત પ્રમાણે કરવાની જોગવાઈ હતી. નીતિમાં નક્કી કરેલા વાહન સિવાયનું વાહન ખરીદવું હોય તો યોગ્ય કારણો સાથે સક્ષમ સ્તરની મંજૂરી અને સરકારની પૂર્વ મંજૂરી લેવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
હવે પદ સાથે કામગીરી પણ મહત્વની
2026ના સુધારા બાદ સરકારી વાહન ખરીદીનું માળખું માત્ર અધિકારીના પદ સુધી મર્યાદિત નહીં રહેતા કામગીરીની જરૂરિયાત સાથે પણ જોડાય છે. ફીલ્ડ ઇન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ માટે અલગ કૅટેગરી તથા ઑફ-રોડ ફરજ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ફીલ્ડ કામગીરીમાં EVનો વિકલ્પ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિમાં ઉપયોગી 4WD તથા પિકઅપ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, 2026ની સુધારેલી નીતિમાં પદ, કામગીરી અને સ્થળની પરિસ્થિતિ ત્રણેય પાસાઓને ધ્યાનમાં રાખીને સરકારી વાહન પસંદગીનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વર્ષમાં 49% તૂટ્યો આ Power Stock, હવે ₹472 કરોડના ઓર્ડરથી રોકેટ બન્યો
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

તહેવારો પહેલાં ગુજરાતના Auto Marketમાં ધરખમ તેજી: EVનું વેચાણ 62.7% વધ્યું

ગીર જંગલ બાદ બરડા બન્યું 17 સિંહોનું Second Home

Navratri Festival Economy: ગરબાની તાળીથી કરોડોનો કારોબાર; પ્રીમિયમ પાસથી ફેશન–ફૂડ સુધી નવરાત્રિનું બદલાતું અર્થતંત્ર

સુરતવાસીઓ માટે ખુશખબર! વડોદરા-ભરૂચ થઈને દોડશે 4 સ્પેશિયલ ટ્રેન

NPS-OPS રૂપાંતરણમાં ગુજરાતનો ઐતિહાસિક રેકોર્ડ! 19 હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ

ગુજરાતના 5 યાત્રાધામોમાં નવ દિવસ નવરાત્રિની ભવ્ય ઉજવણી થશે, સરકારે ₹2.90 કરોડ મંજૂર કર્યા

GIFT Cityમાં હવે ડોલર, યુરો અને પાઉન્ડમાં રોકાણ સાથે મળશે જીવન વીમો




