₹1.27 લાખ કરોડના મેગા પ્રોજેક્ટને મંજૂરી, આંધ્રપ્રદેશમાં બનશે નવી રિફાઇનરી, શેરમાં 19%ના ઘટાડા વચ્ચે કંપનીની જાહેરાત
સરકારી ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ આંધ્રપ્રદેશના રામાયપટ્ટનમમાં ₹1.27 લાખ કરોડના રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ દર વર્ષે 90 લાખ ટન ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ થઈ શકશે.

BPCL Refinery Project: સરકારી ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ પોતાના કારોબારના વિસ્તરણ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કંપનીના બોર્ડે શનિવાર (28મી નવેમ્બર) આંધ્રપ્રદેશના રામાયપટ્ટનમમાં નવી ગ્રીનફિલ્ડ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 1,26,656 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશ. જોકે, પ્રોજેક્ટને આગળ વધારવા માટે કેન્દ્ર સરકાર અને સંબંધિત વિભાગોની જરૂરી મંજૂરીઓ મેળવવાની બાકી છે.
₹1.27 લાખ કરોડના પ્રોજેક્ટમાં શું બનશે?
આંધ્રપ્રદેશમાં તૈયાર થનારી નવી રિફાઇનરીની ક્ષમતા વાર્ષિક 9 મિલિયન મેટ્રિક ટન એટલે કે 90 લાખ ટન ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની રહેશે. તેની સાથે 1.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતા ધરાવતું મિક્સ્ડ-ફીડ ઇથિલિન ક્રેકર સ્થાપિત કરવામાં આવશે. ઇથિલિન ક્રેકરનો ઉપયોગ પેટ્રોકેમિકલ ઉત્પાદનો બનાવવા માટે થાય છે. આ ઉત્પાદનો પ્લાસ્ટિક, પેકેજિંગ અને અન્ય ઉદ્યોગોમાં ઉપયોગી છે. સમગ્ર પ્રોજેક્ટની રિફાઇનિંગ અને ક્રેકર ક્ષમતાનો સરવાળો 10.5 MMTPA થાય છે. જોકે, બંને એકમોના ઉત્પાદનનો પ્રકાર અલગ છે.
પ્રોજેક્ટના ખર્ચમાં 20% સુધી ફેરફાર શક્ય
BPCLએ પ્રોજેક્ટ માટે 1,26,656 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ મંજૂર કર્યો છે. કંપનીના જણાવ્યાનુસાર, અંતિમ ખર્ચમાં 20 ટકા સુધી વધારો અથવા ઘટાડો થઈ શકે છે. આ પ્રોજેક્ટ BPCLની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની મારફતે વિકસાવવામાં આવશે. તેની કામગીરી જુલાઈ 2032 સુધીમાં શરૂ થવાનો અંદાજ છે. જોકે, આ સમયમર્યાદા જરૂરી મંજૂરીઓ અને પ્રોજેક્ટના અમલીકરણ પર આધારિત રહેશે.
₹44,330 કરોડનું મૂડીરોકાણ કરશે BPCL
કંપનીના બોર્ડે સહાયક કંપનીમાં 44,330 કરોડ રૂપિયા સુધીનું ઇક્વિટી રોકાણ કરવાની પણ મંજૂરી આપી છે. આ રકમ એક અથવા અનેક તબક્કામાં રોકવામાં આવી શકે છે. તેમાં અગાઉ મંજૂર થયેલા 4,900 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. પ્રોજેક્ટ માટે ઇક્વિટી ઉપરાંત દેવા દ્વારા પણ ભંડોળ એકત્ર કરવામાં આવશે. જરૂરી ધિરાણ વ્યવસ્થા અંગે નાણાકીય સંસ્થાઓ સાથે પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, આ રોકાણ માટે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) સહિતની સંબંધિત મંજૂરીઓ હજુ મેળવવાની બાકી છે.
BPCLની રિફાઇનિંગ ક્ષમતામાં કેટલો વધારો થશે?
હાલમાં BPCLની કુલ સ્થાપિત રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક 35.3 મિલિયન મેટ્રિક ટન છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીએ પોતાની સ્થાપિત ક્ષમતાના 116.6% જેટલું ક્રૂડ ઓઇલ પ્રોસેસ કર્યું હતું. નવી રિફાઇનરી કાર્યરત થયા બાદ સ્થાપિત રિફાઇનિંગ ક્ષમતામાં વધુ 9 MMTPAનો વધારો થશે. તેના કારણે કંપનીની કુલ ક્ષમતા 44.3 MMTPA સુધી પહોંચી શકે છે. આ ગણતરી વર્તમાન ક્ષમતામાં અન્ય કોઈ ફેરફાર ન થાય તેવી ધારણા પર આધારિત છે.
BPCLના શેરમાં 19%નો ઘટાડો
મોટા રોકાણની જાહેરાત વચ્ચે BPCLના શેરનું પ્રદર્શન પણ ચર્ચામાં છે. શુક્રવાર (27મી નવેમ્બર) NSE પર કંપનીનો શેર 0.29 ટકા વધીને 308.55 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં શેરે 7.51 ટકા અને છ મહિનામાં 3.51%નું વળતર આપ્યું છે. જોકે, ચાલુ કેલેન્ડર વર્ષમાં શેર 19.12 ટકા અને છેલ્લા એક વર્ષમાં 14.08 ટકા ઘટ્યો છે. આ આંકડા 27મી નવેમ્બર સુધીના છે.
રોકાણકારો માટે શું મહત્ત્વનું?
આ મેગા પ્રોજેક્ટથી BPCLની રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ ઉત્પાદન ક્ષમતા વધવાની શક્યતા છે. જોકે, મોટા મૂડીરોકાણને કારણે કંપનીના દેવા, રોકડ પ્રવાહ અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા પર રોકાણકારોની નજર રહેશે. પ્રોજેક્ટની મંજૂરી મળવાનો અર્થ કંપનીના નફામાં તાત્કાલિક વધારો થશે એવો નથી.
આ પણ વાંચો: Crude Oilમાં ફરી ભડકો! 3 સપ્તાહની મંદી અટકી, શું હવે $100 પાર જશે?
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

RailTelને રેલવે તરફથી ₹146 કરોડનો મોટો ઓર્ડર! 12 મહિનામાં પૂર્ણ કરવો પડશે પ્રોજેક્ટ

નિર્ણય બદલાયોઃ Adani Groupએ એરલાઇન સેક્ટરમાં પ્રવેશમાં સરકાર પાસે મંજૂરી માગી

Tata Trustsને Bombay High Courtમાંથી રાહત નહીં મળતાં Tata Sonsએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી

યુઝર્સની પ્રાઇવસી માટે Samsung લાવશે નવું AI ક્લાઉડ સિસ્ટમ, જાણો કેવી રીતે કરશે કામ

HDFC બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર: 1 જાન્યુઆરીથી આટલી રકમના UPI પેમેન્ટ પર નહીં મળે SMS એલર્ટ

Swiggy Instamartમાં 340 કર્મચારીઓની છટણી, વધતા નુકસાન અને AIના ઉપયોગ વચ્ચે મોટું રીસ્ટ્રક્ચરિંગ

ટેક જગતમાં વધુ એક મોટી છટણીના ભણકારા: જર્મન સોફ્ટવેર જાયન્ટ SAP 10,000 કર્મચારીઓને છૂટા કરશે!




