KuberaNowLogo
Friday, 20/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

એનએલસી ઇન્ડિયા રિન્યૂએબલ્સ લિમિટેડ IPO લાવવાની તૈયારી!, જાણો કંપનીનો બિઝનેસ

NLC India Limitedની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NLC India Renewables Limited (NIRL)એ IPO લાવવા માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું છે. IPOમાં ₹3,300 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 10 કરોડ શેર સુધીની ઓફર ફોર સેલ (OFS) સામેલ છે.

Kuberanow DeskPublished On : 20 Nov 2026
NLC India Renewables IPO
NLC India Renewables IPOAI Image

NLC India Renewables IPO: કેન્દ્ર સરકારના જાહેર સાહસ અને ‘નવરત્ન’માં સામેલ એનએલસી ઇન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એનએલસી ઇન્ડિયા રિન્યૂએબલ્સ લિમિટેડ (એનઆઇઆરએલ)એ આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) મારફતે ફંડ ઊભું કરવા મૂડીબજાર નિયમનકાર સંસ્થા સેબીમાં પોતાનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.


IPOમાં કેટલા કરોડના શેર હશે?

ડીઆરએચપીના જણાવ્યા અનુસાર, તમિળનાડુમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીનો આ સૂચિત આઇપીઓ 3,300 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર વિક્રેતા શેરધારક – એનએલસી ઇન્ડિયા લિમિટેડ દ્વારા 10 કરોડ ઇક્વિટી શેર સુધીના વેચાણની ઓફર (ઓએફએસ)નો સમન્વય છે.


₹2,475 કરોડની લોન ચૂકવશે કંપની

એનએલસી ઇન્ડિયા રિન્યૂએબલ્સ લિમિટેડે ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખી આવકમાંથી 2,475 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપનીની ચોક્કસ બાકી નીકળતી લોનની પુનઃચુકવણી/પૂર્વ-ચુકવણી માટે અને બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરવાની દરખાસ્ત રજૂ કરી છે. 10મી નવેમ્બર, 2026 સુધી કંપનીનું બાકી નીકળતું ઋણ (ફંડ આધારિત) 3,524.8 કરોડ રૂપિયા છે.


કંપનીનો કારોબાર શું છે?

એનએલસી ઇન્ડિયા રિન્યૂએબલ્સ લિમિટેડ પોતાની રીતે રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટ વિકસાવીને તેની માલિકી જાળવે છે અને તેનું સંચાલન કરે છે. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ અને સરકારી યુટિલિટીઓને વીજળીનું વેચાણ કરીને આવક કરે છે. એનો પોર્ટફોલિયો રિન્યૂએબલ એનર્જી ઇકોસિસ્ટમમાં વિવિધ પ્રોજેક્ટ અને ટેકનોલોજીઓમાં ફેલાયેલો છે. સોલર પાવર પોર્ટફોલિયોમાં ગ્રાઉન્ડ-માઉન્ટેડ, રુફટોપ અને ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ શામેલ છે, જેમાં પવન અને હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ પૂરક છે.


એનઆઇઆરએલ તમામ ઊર્જાસંગ્રહ અને વિકસતા ઊર્જાસમાધાનોમાં એની ક્ષમતા વધારી રહી છે, જેમાં બીઇએસએસ (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ), પીએસપી (પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ) અને પ્રાયોગિક ધોરણે સોલર-પાવર ધરાવતા ઇલેક્ટ્રોલીસિસનો ઉપયોગ કરતા ગ્રીન હાઇડ્રોજેન પ્લાન્ટ શામેલ છે.


છ મહિનામાં ₹151.6 કરોડનો નફો

એનઆઇઆરએલએ નાણાકીય વર્ષ 2025-26માં કામગીરીમાંથી 172.6 કરોડ રૂપિયાની આવક કરી હતી અને તેનો ચોખ્ખો નફો (પીએટી) 45.4 કરોડ રૂપિયા હતો. 30મી સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં કામગીરીમાંથી આવક 393.5 કરોડ રૂપિયા થઈ હતી, તો ચોખ્ખો નફો 151.6 કરોડ રૂપિયા હતો. પહેલી જાન્યુઆરી, 2026ની અસર સાથે એનઆઇઆરએલએ એનએલસી ઇન્ડિયા લિમિટેડના રિન્યૂએબલ એનર્જી બિઝનેસને હસ્તગર કર્યો હતો, જે સાત રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ ધરાવે છે.


એનઆઇઆરએલને એનએલસી ઇન્ડિયા લિમિટેડના મજબૂત વારસાનો લાભ મળે છે, જે ભારતીય ઊર્જા ક્ષેત્રમાં અંદાજે 70 વર્ષનો અનુભવ ધરાવે છે. તમિળનાડુના નેય્વેલીમાં એક લિગ્નાઇટ ખાણ સાથે કામગીરી શરૂ કરીને એનએલસી ઇન્ડિયા લિમિટેડ અખિલ ભારતીય સ્તરે સંપૂર્ણ ઊર્જાકંપની બની છે, જેની કામગીરી લિગ્નાઇટ અને કોલસાના ખાણકામ અને વીજ ઉત્પાદન સુધી છે.


16,203 મેગાવોટથી વધુનો પ્રોજેક્ટ પોર્ટફોલિયો

31મી ઓક્ટોબર, 2026 સુધી એનઆઇઆરએલનો કુલ પ્રોજેક્ટ પોર્ટફોલિયો અને પ્રોજેક્ટ પાઇપલાઇન ક્ષમતા સૌર, પવન, હાઇબ્રિડ અને એફડીઆરઈ માટે 16,203.96 મગાવોટ છે, તો બીઇએસએસ અને પીએસપી માટે 8,238.30 એમડબલ્યુએચ છે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ, આઇડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સીક્યોરિટીઝ લિમિટેડ અને આઇઆઇએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ છે.

આ પણ વાંચો: ઇથેનોલની સપ્લાય પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ, ઓઇલ કંપનીઓની વધશે મુશ્કેલી!

Share Link
WhatsAppFacebookXLinkedIn